Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગથી ઉત્તરાખંડના દહેરાદૂન સુધી હાડ થીજાવતી ઠંડી :દાયકા બાદ થઇ બરફવર્ષા

સિક્કિમના ગંગટોક, નાથુલા, ત્સાંગુ લેક અને રાવંગલાના ઉપરના વિસ્તારોમાં બરફવર્ષા

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગથી ઉત્તરાખંડના દહેરાદૂન સુધી રેકોર્ડતોડ ઠંડી નોંધાઈ છે. દાર્જિલિંગ અને સિક્કિમના પાટનગર ગંગટોકમાં એક દશક બાદ બરફવર્ષા થઈ છે. તો ઉત્તરાખંડના પાટનગર દહેરાદૂનમાં તાપમાને એક દશકનો રેકોર્ડ તોડ્યો છે. દાર્જિલિંગ અને તેની આસપાસના વિસ્તારોમાં શુક્રવારે એક દશક બાદ હિમવર્ષા નોંધાઈ હતી. દાર્જિલિંગમાં લઘુત્તમ તાપમાન માઈનસ બે ડિગ્રીથી માઈનસ ચાર ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું.

સિક્કિમના પાટનગર ગંગટોકમાં એક દશક બાદ બરફવર્ષા નોંધાઈ છે. જેને કારણે સિક્કિમમાં પણ પારો ગગડ્યો હતો. સિક્કિમના ગંગટોક, નાથુલા, ત્સાંગુ લેક અને રાવંગલાના ઉપરના વિસ્તારોમાં આવેલા સ્થળો પર પણ બરફવર્ષા નોંધાઈ હતી. બરફવર્ષા વચ્ચે નાથુલા ખાતે ઘણાં પર્યટકો ફસાયા હતા. નાથુલામાં સડક પર બરફ છવાયો હતો. રાવણલા શહેરમાં પણ પંદર વર્ષ બાદ બરફ જોવા મળ્યો હતો. ભારતીય સેનાએ ભારે બરફવર્ષાને કારણે ચીન સાથેની એલએસી નજીકના નાથુલામાં ફસાયેલા 2500 જેટલા પર્યટકોને રેસ્ક્યુ કર્યા છે.

(1:29 pm IST)