Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

ત્રિપુરાની પેટાચૂંટણીઓમાં ભાજપનો સપાટો : ૬૭માંથી ૬૬ બેઠકો પર જીત

રાજ્યમાં સત્તારૂઢ ભાજપે મ્યુનિસિપલ કાઉન્સિલ્સ અને અગરતલા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખાલી પડેલી બેઠકો માટે થયેલી પેટાચૂંટણીમાં શુક્રવારે એકતરફી જીત મેળવી

અગરતલા તા. ૨૯ : રાજયમાં સત્તારૂઢ ભાજપે મ્યુનિસિપલ કાઉન્સિલ્સ અને અગરતલા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખાલી પડેલી બેઠકો માટે થયેલી પેટાચૂંટણીમાં શુક્રવારે એકતરફી જીત મેળવી. ભાજપે કુલ ૬૭ બેઠકોમાંથી સપાટો બોલાવતા ૬૬ બેઠકો પર કબ્જો જમાવ્યો. આ બેઠકો માટે ગુરુવારે મતદાન યોજાયું હતું. નગર નિગમની ચૂંટણીમાં ભાજપની પ્રતિષ્ઠા દાવ પર લાગી હતી. ચૂંટણી પરિણામો બાદ સ્પષ્ટ થઈ ગયું કે ભાજપની લોકપ્રિયતા રાજયમાં યથાવત છે.

ત્રિપુરા રાજય ચૂંટણી પંચ (ટીએસઈસી)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ભાજપના ઉમેદવારોએ ચૂંટણીમાં ૬૭ બેઠકોમાંથી ૬૬ બેઠકો પર જીત મેળવી. પાર્ટી અગાઉથી ૯૧ બેઠકો પર નિર્વિરોધ જીત મેળવી ચૂકી હતી. અધિકારીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે પાનિસાગર મ્યુનિસિપલ કાઉન્સિલની એકમાત્ર બેઠક સીપીએમના ફાળે ગઈ છે. ટીએસઈસીએ ગત મહિને ૧૪ નગર પંચાયતોની ૧૫૮ બેઠકો માટે પેટાચૂંટણીના પરિણામો  જાહેર કર્યા હતાં. જેમાં અગરતલા નગર નિગમના પરિણામો પણ સામેલ હતાં.

માકર્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ)ના નેતા પબિત્ર કરે કહ્યું કે ભાજપ સરકાર દ્વારા ત્રિપુરામાં લોકતંત્રની હત્યા અને સંપૂર્ણ રીતે હાસ્યાસ્પદ મ્યુનિસિપલ ચૂંટણી સામે શનિવારે એક રેલીનું આયોજન કરવામાં આવશે. માકપાના રાજય સચિવ ગૌતમ દાસે મીડિયાને કહ્યું કે ધમકી, હિંસક હુમલા તથા રોકના કારણે તેમના ઉમેદવારો મોટાભાગની બેઠકો માટે નામાંકન જમા કરી શકયા નહીં જેના કારણે ભાજપના ઉમેદવાર લડ્યા વગર જ જીતી ગયાં. તેમણે કહ્યું કે જે જગ્યાઓ પર અમારા ઉમેદવારોએ નામાંકન જમા કરાવ્યાં હતાં, ભાજપ તથા તેમના ગુંડાઓએ તેમના ઉપર, તેમના ઘરો અને સંપત્ત્િ। પર હુમલા કર્યાં જયારે પોલીસ અને રાજય ચૂંટણી પંચ મૂકદર્શક બનીને જોતા રહ્યાં.

કોંગ્રેસ નેતા હરેકૃષ્ણ ભૌમિક તથા તપસ ડેએ મીડિયાને જણાવ્યું કે તેમની પાર્ટીએ ૭૬ બેઠકોમાંથી અડધાથી વધુ બેઠકો પર ફેરચૂંટણી કરાવવાની માગણી કરી છે. કારણ કે આ બેઠકો પર ભાજપના કાર્યકર્તાઓએ ચૂંટણી પંચના અધિકારીઓ સાથે મળીને કબ્જો જમાવ્યો હતો. આ બાજુ ભાજપના પ્રવકતા નાબેન્દુ ભટ્ટાચાર્યે સીપીએમ અને કોંગ્રેસના આરોપો ફગાવતા કહ્યું  કે આ બે પાર્ટીઓ તરફથી લોકોનો મોહભંગ થયો છે.  કારણ કે બંને પાર્ટીઓનો હાલની વિધાનસભા ચૂંટણીમાં જનાધાર ખતમ થઈ ચૂકયો છે.(૨૧.૮)

 

(11:39 am IST)