Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

ગુજરાતમાં BJP યોજશે એક લાખ ખાટલા બેઠકો

૨૦૧૯ની ચૂંટણી જીતવા જાન્યુઆરીથી કવાયત શરૂ કરશેઃ પ્રજાની વચ્ચે જઇને કરશે સીધો સંપર્ક

નવી દિલ્હી તા.ર૯: ગુજરાત બીજેપીએ લોકસભાની ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરી છે અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી જીતવા માટે કવાયત હાથ ધરી છે. જાન્યુઆરીથી ગુજરાતની લોકસભા બેઠક દીઠ બીજેપી ચાર હજાર ખાટલા બેઠકો સાથે કુલ એક લાખ જેટલી ખાટલા બેઠકો યોજીને પ્રજાની વચ્ચે જઇને સીધો સંપર્ક કરશે.

ગુજરાત બીજેપીના પ્રદેશ ઉપાધ્યક્ષઆઇ.કે. જાડેજાએ કહ્યું હતું કે જસદણ વિધાનસભાની પેટાચૂંટણી જીત્યા પછી બીજેપીની પ્રદેશ બેઠક યોજાઇ હતી જેમાં આગામી કાર્યક્રમો વિશે ચર્ચા કરીને લોકસભાની ચૂંટણી વિશેનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.

પહેલીથી નવી જાન્યુઆરી દરમ્યાન ગુજરાતના દરેક લોકસભા વિસ્તારમાં આશરે ચાર હજાર જેટલી ખાટલા બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. અને સમગ્ર રાજયમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તાર એમ મળીને એક લાખ જેટલી ખાટલા બેઠકો યોજવામાં આવશે. રાજય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ તેમજ તેમના દ્વારા કરેલાં કાયોને પત્રિકા સ્વરૂપે વહેંચવામાં આવશે. જનસંપર્ક થીક સરકારી યોજનાઓ તેમજ કાર્યોથી માહિતગાર કરવામાં આવશે. ૫૦ લાખ લોકોનો સીધો સંપર્ક બીજેપી દ્વારા કરવામાં આવશે.

લોકસભાની આગામી ચૂંટણી પહેલાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં સંખ્યાબંધ કાર્યક્રમો દ્વારા કાર્યકર્તાઓમાં જોમ અને જુસ્સો વધારવાનું કાર્ય સંગઠન કરશે અને આગામી ચૂંટણીઓમાં વિજય મેળવી શકાય એ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.(૧.૪)

(11:38 am IST)