Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

ઉત્તર ભારત ઠુંઠવાયુઃ મહારાષ્ટ્રમાં ૨૭ વર્ષનો ઠંડીનો રેકોર્ડ તૂટયો : ગાંધીનગરમાં સૌથી ઓછું ૬.૮

ઉત્તર અને પશ્ચિમ ભારતમાં તમામ વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી રહી છે : ખાસ કરીને દિલ્હીમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે

નવી દિલ્હી તા. ૨૯ : ઉત્તર અને પશ્ચિમ ભારતમાં તમામ વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી રહી છે. ખાસ કરીને દિલ્હીમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. ઠંડીના પગલે ધુમ્મસ પણ જોવા મળી રહ્યુ છે. આજે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી નોંધાયુ છે. ઠંડીના પગલે હવાઇ સેવા તેમજ રેલવે સેવા પર અસર જોવા મળી રહી છે. જનજીવન પર પણ ઠંડીની અસર જોવા મળી રહી છે. લોકો વધુમાં વધુ ગરમ કપડા પહેરીને બહાર નીકળે છે. આ ઉપરાંત ગુજરાતનું પડોશી રાજય મહારાષ્ટ્ર પણ ઠંડીમાં ઠુંઠવાયું છે. મહારાષ્ટ્રમાં ઠંડીએ ૨૭ વર્ષનો રેકોર્ટ તોડ્યો છે. રાજયમાં લઘુત્તમ તાપમાન ૩.૨ ડિગ્રી નોંધાયું હતું.

આ ઉપરાંત ગુજરાત રાજયમાં વધ્યું ઠંડીનું પ્રમાણ વધુ નજરે ચડે છે. ગુજરાતમાં સૌથી વધારે ઠંડી પાટનગર ગાંધીનગરમાં ૬.૮ ડિગ્રી નોંધાઇ છે. એટલું જ નહીં આગામી દિવસોમાં હજી પણ ઠંડી વધવાની આગાહી હવામાન ખાતાએ કરી છે.

ઉલ્લેખનીય છે કે, શીમલામાં ઠંડીએ ૬ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. બુધવારે રાત્રે તાપમાન માઇનસ ૨.૨ ડીગ્રી નોંધાયું હતું. અગાઉ ૧૭ ડિસેમ્બર ૨૦૧૨માં તાપમાન માઇનસ ૧.૭ ડિગ્રી રહ્યું હતું. જયારે ડિસેમ્બર ૨૦૧૧માં પારો માઇનસ ૩.૩ ડિગ્રી હતો. લાહોલ, રિફતીઅને ચંબા, કુલુ, મનાલી અને મંડીમાં પારો ગગડીને શુન્યથી નીચે ગયો હતો. કલ્પામાં ૫ સેમી અને મનાલીમાં ૨ સેમી બરફ પડ્યો હતો. જાન્યુઆરીના પહેલા અઢવાડિયા સુધી બરફવર્ષા ચાલુ રહેવાની આગાહી કરાઇ છે.

ગુજરાતમાં ઠંડીની વાત કરીએ તો રાજયમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. પર્વતીય પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં ચાર દિવસ બાદ ફરી લઘુત્તમ તાપમાન ૧ ડિગ્રી નોંધાયું હતું. જયારે ગીરનારનું લઘુત્તમ તાપમાન ૨ ડિગ્રી નોંધાતા સિઝનનું સૌથી નીચું તાપમાનનો ગિરનાર પર્વતીય વિસ્તારે સામનો કર્યો છે.

આ ઉપરાંત અમદાવાદીઓએ પણ ૯.૬ ડિગ્રી ઠંડીનો સામનો કરવો પડયો હતો. આગામી દિવસોમાં કોલ્ડ વેવની સ્થિતિ રહેવાની હવામાન વિભાગે શકયતાઓ વ્યકત કરી હતી. પાટનગર ગાંધીનગર ૬.૨ ડિગ્રી સાથે શુક્રવારે સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો.

રાજયમાં છેલ્લા ત્રણેક દિવસથી ઠંડીએ જોર પકડ્યું છે. ઠંડા પવનો ફૂંકાવાનું શરૂથયું છે. નાગરીકોએ દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરવા મજબૂર થવું પડ્યું છે. કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ સુધી રાજયમાં હજી કોલ્ડ વેવની સ્થિતિ યથાવત્ રહેશે.(૨૧.૬)

કયાં કેટલી ઠંડી ?

દિલ્હી

૩ ડીગ્રી

કારગીલ

૧૬.ર ડીગ્રી

શ્રીનગર

૭.૭ ડીગ્રી

લેહ

૧પ.૧ ડીગ્રી

પહલગામ

૯.પ ડીગ્રી

(11:33 am IST)