Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

CBI-અયોધ્‍યા-રાફેલ-દિલ્‍હી અંગે આવતા સપ્તાહે સુપ્રિમ કોર્ટના ફેંસલા આવશેઃ ઘેરા પડઘા પડશે

ત્રણ ફેંસલા રાજકીય રીતે સંવેદનશીલઃ દુરગામી અસરો પાડશે

નવી દિલ્‍હી, તા. ૨૯ :. પંદર દિવસના શિયાળુ વેકેશન પછી આવતા અઠવાડીયે જ્‍યારે સુપ્રિમ કોર્ટ ખુલશે ત્‍યારે ત્‍યાંથી ત્રણ મહત્‍વપૂર્ણ ચુકાદાઓ આવશે. આ ચુકાદાઓ રાજકીય રીતે સંવેદનશીલ છે અને તેની દુરોગામી અસરો પડશે.

પહેલો ચુકાદો સરકાર દ્વારા સીબીઆઈ નિર્દેશક આલોક વર્માને રજા પર ઉતારી દેવાના કેસનો હશે. આ કેસમાં કોર્ટે ગયા મહિને ચુકાદો સુરક્ષિત રાખ્‍યો હતો. વર્માએ સરકારના ૨૩ ઓકટોબરથી રજા પર ઉતારી દેવાના નિર્ણયને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો. મુખ્‍ય ન્‍યાયાધીશ રંજન ગોગોઈ, એસ.કે. કૌલ અને કે.એમ. જોસેફની બેંચ આ ચુકાદો આપશે.

સુપ્રીમ કોર્ટ ખુલતા જ રાફેલ વિમાનનો કેસ ચાલુ થશે. કોર્ટે સરકારને આ કેસમાં કલીનચીટ આપી હતી પણ સીએજીના રીપોર્ટ બાબતે કંઈક ખોટુ અર્થઘટન થયાનો વિવાદ થયો છે અને સરકાર પર સુપ્રીમ કોર્ટને ખોટી જાણકારી આપવાનો આરોપ લાગ્‍યો હતો. સરકારે કહ્યુ છે કે કોર્ટને ખોટી જાણકારી નથી અપાઈ પણ વિમાનોની કિંમત બાબતે અપાયેલ વ્‍યાખ્‍યાત્‍મક નોટના લીધે કંઈક ભ્રમ ઉભો થયો છે. સરકારે આ બાબતે સુપ્રિમમાં અરજી આપેલી છે. આ અરજી પર પણ આવતા અઠવાડીયે સુનાવણી થશે.

સુપ્રિમ કોર્ટ સ્‍પષ્‍ટ કરશે કે દિલ્‍હી સરકારનું નોકરશાહી સેવાઓ પર નિયંત્રણ રહેશે કે નહીં ? ઉપરાંત એ પણ નક્કી થશે કે દિલ્‍હી સરકારને ભ્રષ્‍ટાચાર વિરોધી ખાતુ બનાવવાનો અધિકાર છે કે નહીં ? આ ચુકાદો જસ્‍ટીસ એ.કે. સીકરીની બેંચ આપશે.

સદીના સૌથી મોટા વિવાદ એવા રામ જન્‍મભૂમિ વિવાદ પર સુનાવણી પણ ૪ જાન્‍યુઆરીએ થશે અને મુખ્‍ય ન્‍યાયાધીશની બેંચ એ નક્કી કરશે કે આ કેસની સુનાવણી કે આ કેસની સુનાવણી બેંચ સામે કયારથી શરૂ થશે ? આ કેસ સુપ્રિમમાં ૨૦૧૦થી અટવાયેલો છે. યુપી સરકાર તરફથી આ કેસની ઝડપી સુનાવણી માટે એક તક અપાય તેવી શકયતા છે.

બિહારના ત્રણ લાખથી વધારે કોન્‍ટ્રાકટ પરના શિક્ષકોનો કેસનો ચુકાદો પણ આવશે. આ શિક્ષકો રેગ્‍યુલર શિક્ષકો જેટલો પગાર માગી રહ્યા છે. પટણા હાઈકોર્ટે શિક્ષકોની તરફેણમાં ચુકાદો આપ્‍યો હતો પણ ફેંસલા સામે બિહાર સરકાર સુપ્રિમમાં ગઈ હતી.

 

(11:04 am IST)