Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

જીએસટી પરિષદની હવે પછીની બેઠકમાં સરકાર વેપારીઓને ખુશ કરવા મોટી જાહેરાતો કરશેઃ કોંગ્રેસ જશ ખાટવા નહિં દયે

બેઠકમાં સરકારને ઘેરવા કોંગ્રેસનો પ્‍લાનઃ વિપક્ષને શ્રેય મળવો જોઈએ તેવો ઘડશે પ્‍લાન : સરકાર થ્રેશહોલ્‍ડ લીમીટ ૨૦ લાખથી વધારી ૭૫ લાખ કરશેઃ સર્વિસ સેકટરને કમ્‍પોઝીશન સ્‍કીમો લાવશેઃ રિયલ એસ્‍ટેટ પર દર ૫ ટકા લગાવવા માંગે છે સરકાર

નવી દિલ્‍હી, તા. ૨૯ : ખેડૂતોના મુદ્દે મોદી સરકારને ઘેર્યા પછી કોંગ્રેસ હવે જીએસટી મુદ્દે હુમલાનીતૈયારી કરી છે. સૂત્રો અનુસાર જીએસટી પરિષદની આવતી બેઠકમાં મોદી સરકાર નારાજ વેપારીઓ માટે મોટા એલાન કરવાની છે પણ ત્રણ રાજ્‍યોમાં જીતથી ઉત્‍સાહિત કોંગ્રેસ એનો જશ પોતે લેવાની કોશિષમાં છે.

સૂત્રોએ જણાવ્‍યુ કે કોંગ્રેસ જીએસટી પરિષદની આગામી બેઠકમાં ઈતિહાસમાં પહેલીવાર ડેપ્‍યુટી ચેરમેન બનાવવાનો પ્રસ્‍તાવ લાવશે. એવું પણ કહેવાય રહ્યુ છે કે, મધ્‍યપ્રદેશના મુખ્‍યપ્રધાન કમલનાથને ડેપ્‍યુટી ચેરમેન બનાવવાની પહેલ કરવામાં આવશે.

કોંગ્રેસ હવે બેઠકમાં માગણી કરશે કે જીએસટી અમલી બન્‍યા પછી રાજ્‍યોના નુકસાનની ભરપાઈ નક્કી કરાયેલ પાંચ વર્ષથી વધારીને ૧૦ વર્ષ કરવામાં આવે જેથી રાજ્‍યોની આવક વધે.

આ મુદ્દો લઈને કર્ણાટકના મુખ્‍યપ્રધાન કુમાર સ્‍વામી વડાપ્રધાનને મળી પણ ચુકયા છે. જ્‍યારે પંજાબના નાણામંત્રી મનપ્રિતસિંહ બાદલે ગઈ બેઠકમાં આવા સંકેતો આપ્‍યા હતા. ત્રણ રાજ્‍ય વિધાનસભાઓની ચૂંટણી જીત્‍યા પછી જીએસટી પરિષદમાં કોંગ્રેસના છ સભ્‍યો થઈ જશે. આ સંખ્‍યાનો ફાયદો ઉઠાવીને કોંગ્રેસ, વિરોધ પક્ષો સાથે મળીને કેન્‍દ્રની એનડીએ સરકારને ઘેરશે.

વેપારીઓની કોંગ્રેસ

કોંગ્રેસ ખેડૂતો પછી હવે વેપારીઓની સાથે ઉભા રહેવાની કોશિષ કરી રહી છે. સૂત્રો જણાવે છે કે આગામી જીએસટી પરિષદની બેઠકમાં કોંગ્રેસ પોતાના સાથીદારો સાથે મળીને આ મુદ્દાને હાઈજેક કરવાની કોશિષ કરશે જેથી વેપારીઓને એવો સંદેશ જાય કે જે રાહત મળી છે તે કોંગ્રેસે અપાવી છે.

જીએસટીમાં સુધારાનું વચન

કોંગ્રેસે આ પહેલા કહ્યુ હતુ કે ૨૦૧૯માં જો તે સત્તા પર આવશે તો જીએસટીમાં સુધારો કરશે. કોંગ્રેસે કહ્યુ કે જીએસટીનું હાલનું સ્‍વરૂપ બહુ ખરાબ છે, એટલે તેમા સુધારાની જરૂર છે. પંજાબના નાણાપ્રધાન મનપ્રીત બાદલે કહ્યુ હતુ કે જીએસટીની હાલની ડીઝાઈનમાં દોષ છે જે થોડા ફેરફાર કરવાથી ન સુધરી શકે.

સરકાર જીએસટીની વર્તમાન થ્રેશહોલ્‍ડ લીમીટ વધારીને ૭૫ લાખ કરી શકે છે હાલ ૨૦ લાખ સુધીના ટર્નઓવરવાળા વેપારી આનાથી બહાર છે. નાના-મધ્‍યમ વેપારીઓને ફાયદો થશે. સરકાર સર્વિસ સેકટરને કમ્‍પોઝીશન સ્‍કીમના દાયરામાં લાવશે. આનાથી સર્વિસ સેકટર પર ૫ ટકા જીએસટી લાગશે. આ ઉપરાંત અંડર કન્‍સ્‍ટ્રકશન રિયલ એસ્‍ટેટ સેકટર પર ૫ ટકા જીએસટી લવાશે. હાલ ૧૨ ટકા છે.

(11:02 am IST)