Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

૨૦૧૭-૧૮માં ઇન્કમટેક્ષે રૂ. ૯૯૨.૫૨ કરોડની મિલકત કરી જપ્ત

કુલ સર્ચ ઓપરેશન અને જપ્તીની કાર્યવાહીનો આંક અનુક્રમે ૧૧૫૨ અને ૫૮૨ રહ્યો

નવી દિલ્હી તા. ૨૯ : આવકવેરા ખાતાએ વર્ષ ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષમાં રૂ. ૯૯૨.૫૨ કરોડની મિલકત જપ્ત કરી હોવા ઉપરાંત ૫૮૨ સર્ચ ઓપરેશન અને જપ્તીની કાર્યવાહી કરી હોવાની માહિતી શુક્રવારે લોકસભામાં આપવામાં આવી હતી. લોકસભામાં લેખિત ઉત્તર આપતા રાજયકક્ષાના નાણાં પ્રધાન શિવપ્રતાપ શુકલાએ કહ્યું હતું કે આવકવેરા ખાતાએ સર્ચ ઓપરેશન અને જપ્તીની કાર્યવાહી દરમિયાન બિનહિસાબી, જાહેર ન કરાયેલી અને જેનો ખુલાસો કરવામાં ન આવ્યો હોય તેવી મિલકતો જપ્ત કરી હતી.

છેલ્લાં બે નાણાકીય વર્ષ દરમિયાન જપ્ત કરવામાં આવેલી મિલકતનો આંક અનુક્રમે વર્ષ ૨૦૧૬-૧૭ (રૂ. ૧૪૬૯.૬૨ કરોડ) અને વર્ષ ૨૦૧૭-૧૮ (રૂ. ૯૯૨.૫૨ કરોડ) હોવાનું તેમણે કહ્યું હતું.

વર્ષ ૨૦૧૬-૧૭ અને વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન આવકવેરા ખાતા દ્વારા હાથ ધરવામાં આવેલા કુલ સર્ચ ઓપરેશન અને જપ્તીની કાર્યવાહીનો આંક અનુક્રમે ૧૧૫૨ અને ૫૮૨ રહ્યો હોવાનું તેમણે કહ્યું હતું. એક અલગ ઉત્ત્।રમાં તેમણે કહ્યું હતું કે વર્ષ ૨૦૧૭-૧૮માં જીડીપીનો દર વર્ષ ૨૦૧૬-૧૭ના ૫.૫૭ ટકા અને વર્ષ ૨૦૧૫-૧૬ના ૫.૪૭ ટકાથી વધીને ૫.૯૮ ટકા રહ્યો હતો. વર્ષ ૨૦૧૭-૧૮માં સેન્ટ્રલ ઈન્ડાયરેકટ ટેકસ વર્ષ ૨૦૧૬-૧૭ના ૫.૬૫ ટકા અને વર્ષ ૨૦૧૫-૧૬ના ૫.૧૬ ટકાની સરખામણીએ ૫.૪૩ ટકા રહ્યો હોવાનું તેમણે કહ્યું હતું.

બજેટમાં અંદાજવામાં આવેલા આંક મુજબ સીજીએસટી, જીએસટી, આઈજીએસટી અને કમ્પેન્સેશન સેસ સહિત જીડીપીના દરની સરખામણીએ આડકતરો વેરો ૫.૯૬ ટકા અંદાજવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું.

ટેકસ-જીડીપીના દરના પ્રમાણમાં વધારો કરવા કરવેરાના નિયમોનું સરળીકરણ કરવા સહિત અનેક કાયદાકીય પગલાં લેવામાં આવ્યાં હોવાનું તેમણે કહ્યું હતું.(૨૧.૨)

(9:34 am IST)