Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

શિકાગો નજીક શામ્બર્ગ ટાઉનના રહીશ મનુભાઇ અને આનંદીબેન પટેલના ૪૩ વર્ષીય નવયુવાન પુત્ર મનીષ મનુભાઇ પટેલનુ઼ હ્ય્દય રોગના હુમલાથી અચાનક નિધન થતાં ૪ર ગામ કડવા પાટીદાર સમાજ શિકાગો, યુનાઇટેડ સીનીયર પરિવાર શિકાગો તથા અંગત મિત્રોમાં પ્રસરેલી ઘેરા શોકની લાગણીઓ : શિકાગોના બીઝનેસમેન અને પટેલ બ્રધર્સના માલિક મફતભાઇ પટેલ, ૪ર ગામ કડવા પાટીદાર સમાજ શિકાગોના અગ્રણી લાલભાઇ પટેલ, દેવેન્દ્ર પટેલ, જયંતી પટેલ તથા ખોડભાઇ પટેલ, તેમજ યુનાઇટેડ સીનીયર પરિવાર શિકાગોના પ્રમુખ રમણભાઇ પટેલે સદગતને અર્પેલી શ્રધ્ધાંજલી : સદગતની અંતિમવિધી ટૂંક સમયમાં કરવામાં આવશે

         (કપિલા શાહ દ્વારા ) શિકાગો : શિકાગો નજીક  શામ્બર્ગ ટાઉનમાં વસવાટ કરતા યુનાઇટેડ સીનીયર પરિવાર શિકાગોના  અગ્રણી તેમજ સ્વામીનારાયણ મંદિર ઇટારકાના અગ્રણી કાર્યકર મનુભાઇ અને  આનંદીબેન પટેલના ૪૩ વર્ષના નવયુવાન સુપુત્ર મનીષ મનુભાઇ  પટેલનુ઼  હ્ય્દયરોગના હુમલાથી અચાનક નિધન થયાના  સમાચાર શિકાગોમાં પ્રસરી જતા ૪ર ગામ કડવા પાટીદાર સમાજ શિકાગો તેમજ યુનાઇટેડ સીનીયર પરિવાર શિકાગોના સભ્યો તથા તેમના સ્નેહીજનો તથા મિત્રોમાં  ઘેરા શોકની લાગણીઓ પ્રસરી જવા પામી હતી.

         આ અંગેની વિગતોમા જાણવા મળે છે તેમ મનિષ  તથા તેમના પત્ની દક્ષા તેમજ તેમનો ૧૬ વર્ષનો પુત્ર શીવ ડીસેમ્બર મહીનાની રપ મી તારીખને મંગળવારે પોતાના બીઝનેસ અર્થે મીશીગન  જવા નીકળ્યા હતા. અને રાત્રી રોકાણ ત્યાંથી મોટલમા કર્યા બાદ મનીષ બીજા દિવસે બુધવારે  પોતાના બીઝનેસ અર્થે સ્થળ પર પહોચ્યો હતો પરંતુ ત્યા આગળ સવારે ૧૦-૩૦ ના સુમારે અચાનક હ્ય્દયરોગના હુમલાનો શિકાર બન્યો હતો.  આ વેળા ફાયરબ્રિગેડના માણસો પણ ત્યાં આગળ હતા.  તેમણે પણ મનીષને તાત્કાલીક સારવા આપી હતી. પરંતુ ઝડપથી વધુ સારવાર મળે તે માટે તેને  હેલીકોપ્ટર દ્વારા નજીકમાં આવેલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યારે માર્ગમાં જ તેણે પોતાના અંતિમ શ્વાસ લીધા હોવાનું કહેવાય છે. હોસ્પિટલ પહોચ્યા બાદ  ડોકટરોએ તેનું પ્રાણ પંખેરૂ ઉડી ગયુ હોવાનું જાહેર કર્યુ હતુ.

         ભાઇ મનીષના નિધનના સમાચારો શિકાગોમા પ્રસરી જતા ૪ર ગામ કડવા પાટીદાર સમાજ શિકાગોના  સભ્યો યુનાઇટેડ સીનીયર પરિવાર શિકાગોના સદસ્યોમાં ઘેર શોકની લાગણીઓ પ્રસરી જવા પામી હતી. આ કરૂણ બનાવ બન્યો ત્યારે સદગતના માતા પિતા મનુભાઇ અને આનંદીબેન  પટેલ પોતાના સાથી મિંત્રો સાથે  ટેકસાસ ગયા હતા.  અને ત્યાં આગળ તેઓને આ સમાચાર મળતા તેઓ પ્લેન દ્વારા શિકાગો આવી પહોચ્યા હતા.

         આ અહેવાલ લખાઇ રહ્યો છે ત્યારે મૃતદેહને મીશીગનથી  શિકાગો લાવવાની તજવીજ ચાલુ છે.  અને તે અત્રે આવી પહોચ્યા બાદ તેની અંતિમ વિધી  અંગે જરૂરી  નિર્ણય લેવામા આવે એવું તેમના પરિવારના સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.

         મનુભાઇ  અને આનંદીબેન અનેક સંસ્થાઓ સાથે  સંકળાયેલા હોવાથી સામાન્ય રીતે  મોટા ભાગના લોકો તેમને મળવા માટે તેમના શામ્બર્ગના નિવાસ્થાને આવે છે અને વિશાળ સમુદાયના સભ્યો દ્વારા તેમનું નિવાસસ્થાન ઉભરાઇ જવા પામ્યુ હતુ.

         શિકાગોના પટેલ બ્રધર્સના માલીક અને યુનાઇટેડ સીનીયર પરિવાર શિકાગોના બોર્ડ ઓફ ટ્રસ્ટી ચેરમેન મફતભાઇ પટેલ તથા ૪ર ગામ કડવા પાટીદાર સમાજના અગ્રણી લાલભાઇ પટેલ, દેવેન્દ્ર પટેલ, ખોડભાઇ પટેલ, જયંતી પટેલ, કનુભાઇ પટેલ, તથા  યુનાઇટેડ સીનીયર પરીવાર શિકાગોના પ્રમુખ રમણભાઇ પટેલે  સદગત મનીષના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થનાઓ કરી હતી તથા તેમના પરિવારના સભ્યોને સાંત્વન  આપ્યુ હતુ.

         ભાઇ મનીષ માયાળું સ્વભાવના હતા અને તમામ  લોકોને સહાયભૂત  થતા હોવાથી તેઓ લોકપ્રિય હતા.  આજે સર્વે લોકો તેને યાદ કરે છે. અને તેની ખોટ કોઇ પુરી કરી શકે તેમ નથી તેવું સમાજના તમામ લોકોના મુખે સાંભળવા મળેલ છે.

(9:47 pm IST)