Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

પંજાબની ઇન્દ્રજીત કૌર અેસિડ અેટેકનો ભોગ બની-બંને આંખો જતી રહી છતાં મહેનત કરીને બેન્કમાં નોકરી મેળવી

ચંદીગઢ: એસિડ અટેક થાય તે મહિલા આખી જિંદગી કોઈની દયા પર જીવવા લાચાર હોય છે, પરંતુ પંજાબની ઈન્દ્રજીત કૌર આ ભયાનક ઘટનાનો ભોગ બની હોવા છતાં હિંમત ન હારી. એસિડ અટેકમાં બંને આંખો જતી રહી હોવા છતાં જબરજસ્ત મહેનત કરીને ઈન્દ્રજીતે બેંકમાં નોકરી મેળવી પોતાનું સપનું પૂરું કર્યું છે.

કેનરા બેંકમાં મળી ક્લાર્ક તરીકે નોકરી

ઈન્દ્રજીત કૌરે એસિડ અટેકનો ભોગ બનેલી મહિલાઓને આર્થિક સહાય મળે તે માટે હાઈકોર્ટમાં લડત આપી હતી. લાચાર જિંદગી જીવવાને બઈન્દ્રે પોતાના દમ પર કરિયર બનાવવાનું નક્કી કરી ચૂકેલી ઈન્દ્રજીત કૌરને કેનરા બેંકની દિલ્હી ઓફિસમાં ક્લાર્ક તરીકે નોકરી મળી છે. તેના પર ડિસેમ્બર 2011માં એસિડ અટેક થયો હતો.

સગાભાઈ પણ મદદે નહોતા આવ્યા

ઈન્દ્રજીત પર એસિડ એ રીતે ફેંકવામાં આવ્યો હતો કે તેનો આખો ચહેરો તેનાથી બળી ગયો હતો. તેની આંખો પણ બળી ગઈ હતી, તેમજ શરીરના અન્ય ભાગો પર પણ તે ગંભીર રીતે દાઝી ગઈ હતી. પોતાના કપરા દિવસોને યાદ કરતા ઈન્દ્રજીત કહે છે કે, આ ઘટના બાદ સગા ભાઈઓએ પણ મો ફેરવી લીધું હતું, અને માત્ર માતાએ જ સાથ આપ્યો હતો.

આખો દિવસ રડ્યાં કરતી હતી

તે દિવસો એટલા ભયાનક હતા કે ઈન્દ્રજીત પોતાની સાથે આ શું થઈ ગયું તેનો અફસોસ કરીને આખો દિવસ રડ્યાં કરતી હતી. તેને ભણવાનું પણ છોડી દેવું પડ્યું હતું. ગામના લોકો તેને કહેતાં હતાં કે તે પોતાના પરિવાર પર બોજ બની ચૂકી છે. આખરે કંઈક કરી બતાવવાનું નક્કી કરી ઈન્દ્રજીતે દહેરાદૂન સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર વિઝ્યુઅલી હેન્ડિકેપ્ડમાં એડમિશન લીધું.

બે વાર પરીક્ષા આપ્યા બાદ મળી સફળતા

અહીં ઈન્દ્રજીતે ઓડિયો ક્લિપ સાંભળી અભ્યાસ કરવાનું શરુ કર્યું, અને 2016માં તે ગ્રેજ્યુએટ થઈ. તેણે બે વાર બેંકની પરીક્ષા આપી અને આખરે જુન 2018માં તે પાસ થઈ ગઈ, અને કેનરા બેંકમાં તેને નોકરી મળી. એસિડ અટેક બાદ તેની પાસે ટ્રીટમેન્ટના પણ પૈસા નહોતા, જેના માટે તેને હાઈકોર્ટમાં જવું પડ્યું હતું.

ગામના યુવકે જ એસિડ ફેંક્યું હતું

ઈન્દ્રજીત જે ગામમાં રહેતી હતી ત્યાંનો એક યુવક તેના એક તરફી પ્રેમમાં પાગલ હતો. તેના લગ્નના પ્રસ્તાવને ઈન્દ્રજીતે ઠુકરાવી દેતા તેણે ઈન્દ્રજીતના ઘરમાં ઘૂસીને તેના પર એસિડ છાંટી દીધું હતું, જેમાં ઈન્દ્રજીતના ચહેરા, ગળા તેમજ કમરના ભાગે દાઝવાથી ગંભીર ઈજાઓ થઈ હતી.

(12:00 am IST)