Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

ફ્લાઇટના ટોઇલેટમાં જઇને સિગારેટ પીનાર પશ્ચિમ બંગાળના નાદિયા પંથકનો શખ્સ ઝડપાયો

સુરત: બુધવારે સાંજે ફ્લાઈટના ટોઈલેટમાં સિગરેટ પીતા ઝડપાયેલા 29 વર્ષીય શખ્સની ગુરુવારે ધરપકડ કરાઈ છે. એરલાઈન કંપનીના સિક્યોરીટી સ્ટાફ અને એરપોર્ટ પોલીસે શખ્સને ડુમસ પોલીસ સ્ટેશનને હવાલે કર્યો. ઈન્ડિગો એરલાઈન્સના અધિકારીઓએ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના માયા ગામમાં રહેતા લાલતુ સુકુમાર ઘોષને સ્થાનિક પોલીસના હવાલે કર્યો.

કોલકાતાથી સુરત આવતો હતો

ઈન્ડિગો એરલાઈન્સના ઈગ્ઝેક્યુટિવ ઓફિસર સાગર બડગુજરે ફરિયાદ નોંધાવી. ગુરુવારે જ લાલતુ ઘોષને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે જ્યુડિશયલ કસ્ટડીમાં મોકલ્યો છે. ઉમરગામમાં એક ઈન્ડસ્ટ્રીયલ યુનિટમાં કામ કરતો લાલતુ ઘોષ ઘરે વેકેશન મનાવી સુરત પરત આવતો હતો. લાલતુએ કોલકાતાથી સુરત આવવા ફ્લાઈટ લીધી હતી. ડુમસ પોલીસે જણાવ્યું, “લાલતુ ટોઈલેટમાં જઈને સિગરેટ પી આવ્યો હોવાની જાણ એરલાઈનના સ્ટાફને થઈ ત્યારે તેમણે તાત્કાલિક એરપોર્ટ પર અધિકારીઓને આ વિશે જાણ કરી. અને લાલતુની ધરપકડ કરાઈ.”

ટ્રેન જેવું પ્લેનમાં પણ કર્યું

આરોપી લાલતુ પાસેથી પોલીસને પેકેટમાંથી 8 સિગરેટ અને માચીસ મળી. લાલતુ પોતાની સાથે સિગરેટ અને માચીસ બોક્સ કઈ રીતે લઈ ગયો તે અંગે પોલીસ તપાસ ચાલુ છે. પોલીસે કહ્યું, “આરોપીએ જણાવ્યું કે તેને સિગરેટની લત લાગેલી છે. જ્યારે પણ તે ટ્રેનમાં પ્રવાસ કરતો ત્યારે ત્યાં પણ ટોઈલેટમાં જઈને સિગરેટ ફૂંકતો હતો. આ જ પ્રકારે તેણે પ્લેનના ટોઈલેટમાં સિગરેટ પીધી એમ વિચારીને કે કોઈ સમસ્યા નહીં થાય.”

દાખલ કરાયો ગુનો

આરોપી લાલતુ સામે એરક્રાફ્ટ એક્ટ અને એરક્રાફ્ટ રુલ્સની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. લાલતુ સામે IPCની કલમ 336 (લોકોનું જીવન અને સુરક્ષા જોખમાવતું પગલું) હેઠળ ગુનો નોંધાયો છે.

(12:00 am IST)