Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

દેશની આર્થિક ગતિ ૨૦૧૬-૧૭માં ધીમી રહી છે : જેટલી

લોકસભામાં જેટલી દ્વારા કબૂલાત કરવામાં આવી : આર્થિક રફ્તાર ધીમી રહેવાના લીધે ઇન્ડસ્ટ્રી અને સર્વિસ સેક્ટરમાં તેજી નોંધાઈ નથી : કેટલાક કારણો જવાબદાર

નવીદિલ્હી, તા.૨૯ : સરકારે કબૂલાત કરી છે  કે, નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭ના ગાળા દરમિયાન દેશની આર્થિક ગતિ ધીમી પડી ગઈ છે. શુક્રવારના દિવસે નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે, ભારતનો જીડીપી દર વર્ષ ૨૦૧૫-૧૬માં આઠ ટકાની સરખામણીમાં ૨૦૧૬-૧૭માં ઘટીને ૭.૧ ટકા સુધી પહોંચી ગયો છે. જેટલીનું કહેવું છે કે, આર્થિક ગતિ ધીમી રહેવાના કારણે ઇન્ડસ્ટ્રી અને સર્વિસ સેક્ટરમાં તેજી નોંધાઈ નથી જેની પાછળ કેટલાક કારણો રહેલા છે. લોકસભામાં પ્રશ્ન કલાક દરમિયાન જેટલીએ કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૬માં વૈશ્વિક આર્થિક વૃદ્ધિની ગતિ ધીમી પડવાના કારણે જીડીપીની સરખામણીમાં ઓછા ફિક્સ્ડ મૂડીરોકાણ, કોર્પોરેટ સેક્ટરની બેલેન્સશીટ, ઇન્ડસ્ટ્રી સેક્ટરના ગ્રોથમાં ઘટાડા જેવા પરિબળો દેખાયા છે. કેટલાક નાણાંકીય પરિબળોના કારણે આર્થિક વિકાસની ગતિ ધીમી પડી છે.

સીએસઓ દ્વારા હાલમાં જ જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યુ છે કે, જીડીપીનો વૃદ્ધિદર વર્ષ ૨૦૧૪-૧૫માં ૭.૫ ટકા, ૨૦૧૫-૧૬માં આઠ ટકા અને ૨૦૧૬-૧૭માં ૭.૧ ટકા રહ્યો છે. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં પ્રથમ અને બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિદર ૫.૭ અને ૬.૩ ટકા રહ્યો છે. જેટલીએ દાવો કર્યો હતો કે, આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ દ્વારા અંદાજિત મંદીના પરિણામ સ્વરુપે વર્ષ ૨૦૧૬માં ભારત વિશ્વમાં સૌથી ઝડપથી ઉભરી રહેલા અર્થતંત્રમાં સામેલ રહ્યું હતું. વર્ષ ૨૦૧૭માં ભારત બીજા સ્થાને રહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, સરકારે અર્થવ્યવસ્થાની ગતિ વધારવા માટે શ્રેણીબદ્ધ પગલા લીધા હતા જેમાં કેટલાક ઉદ્યોગોના ખાસ પેકેજનો સમાવેશ પણ થાય છે. જેટલીની આ કબૂલાત તમામનું ધ્યાન ખેંચે તેવી રહી છે. વર્ષ ૨૦૧૬-૧૭માં આર્થિક વિકાસની ગતિ ધીમી રહી હોવાની કબૂલાત તેમણે આજે લોકસભામાં કરી હતી.

(8:15 pm IST)