Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

બિટકોઇન પોંજી સ્કીમની જેમ છે રોકાણકારોને ફરીવખત ચેતવણી

બિટકોઇનમાં મૂડીરોકાણ ખુબ જ જોખમી હોવાની ચેતવણી : નાણામંત્રાલય દ્વારા ફરી ચેતવણી અપાઈ : રિટેલ મૂડીરોકાણકારોને એકાએક જંગી નુકસાન થઇ શકે છે : પરસેવાની કમાણી જવાનો ભય છે : નાણામંત્રાલય

નવીદિલ્હી,તા. ૨૯ : સરકારે બિટકોઇન જેવી વર્ચુઅલ કરન્સીમાં રોકાણ કરનાર ભારતીયોને ચેતવણી આપતા કહ્યું છે કે, આ પોંજી સ્કીમની જેમ છે. સરકારનું કહેવું છે કે, બિટકોઇનની કોઇ કાયદાકીય માન્યતા નથી. સાથે સાથે આ ચલણની કોઇ સુરક્ષા પણ નથી. સરકારનું કહેવું છે કે, બિટકોઇનમાં મૂડીરોકાણ ભારે જોખમી વિષય છે. સરકાર અથવા આરબીઆઈએ આને મંજુરી આપેલી નથી. નાણામંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રકારની કરન્સીના રોકાણ ઉપર પોન્જી યોજનાઓમાં મૂડીરોકાણ જેટલા જ જોખમ રહેલા છે. આનાથી મૂડીરોકાણકારો અને ખાસ કરીને રિટેલ મૂડીરોકાણકારો અથવા તો ગ્રાહકોને એકાએક મોટા નુકસાન થઇ શકે છે. તેમની પરસેવાની કમાણીને ફટકો પડી શકે છે. કસ્ટમરોને સાવધાન અને એલર્ટ રહેવાની જરૂર છે જેથી આ પ્રકારની પોંજી યોજનાઓની જાળથી બચી શકાય છે. વર્ચુઅલ કરન્સીને ડિજિટલ સ્વરુપમાં જ સ્ટોર કરવામાં આવે છે. આમા હેકિંગ, પાસવર્ડ ગુમ થઇ જવા અને વાયરસના હુમલાનો ભય રહે છે. મંત્રાલયે એક નિવેદન આપતા કહ્યું છે કે, બિટકોઇન અને અન્ય ક્રિપ્ટો કરન્સીની કિંમત સંપૂર્ણપણે અટકળો ઉપર આધારિત રહે છે જેથી કિંમતોમાં ઉતારચઢાવની સ્થિતિ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, બિટકોઇન સહિત હાલના દિવસોમાં વર્ચુઅલ કરન્સીના મૂલ્યમાં અભૂતપૂર્વ વધારો થયો છે. ક્રિપ્ટો કરન્સી એક ડિજિટલ કરન્સી તરીકે છે. સામાન્યરીતે ક્રિપ્ટો કરન્સીનું કોઇ અસ્તિત્વ રહ્યું નથી. માત્ર ડિજિટલ લેવડદેવડ સુધી મર્યાદિત રહે છે. મંત્રાલયનું કહેવું છે કે, આ પ્રકારની કરન્સીમાં કોઇ વાસ્તવિક મૂલ્ય નથી. તેની પાછળ કોઇ સંપત્તિના આધાર પણ નથી. આ પહેલા દિવસમાં નાણા રાજ્યમંત્રી પી રાધાકૃષ્ણને લોકસભામાં કહ્યું હતું કે, આર્થિક મામલાઓના વિભાગે એક આંતર વિભાગીય સમિતિની રચના કરી હતી. જેના કારણે દુનિયાભરમાં બિટકોઇન અથવા તો ક્રિપ્ટો કરન્સીના વર્તમાન નિયમ અને કાયદાકીય માળખામાં અભ્યાસ કરીને તેના નિયમ માટે સૂચન કરવામાં આવ્યું હતું. પોતાના લેખિત જવાબમાં મંત્રીએ લોકસભામાં સૂચન કર્યું હતું કે, સમિતિએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, સાવધાન રહેવાની જરૂર છે. સરકાર આના ઉપર વિચારણા કરી રહી છે.

ક્રિપ્ટો કરન્સીના વર્તમાન નિયમ અને કાયદાકીય માળખાના અભ્યાસ મારફતે તેના નિયમન માટે એક મૂળભૂત માળખુ તૈયાર કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે. મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ક્રિપ્ટો કરન્સી ધારકો, કારોબારીઓને પહેલાથી જ ભારતીય રિઝર્વ બેંક દ્વારા ત્રણ વખત તેના ખતરાને લઇને સાવધાન કરવામાં આવ્યા છે.

(7:47 pm IST)