Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

છ PSU બેંકોમાં ૧૦૦૦૦ કરોડ તાત્કાલિકરીતે ઠલવાશે

બેંકોની સ્થિતિને ટૂંક સમયમાં મજબૂત કરાશે : જરૂરી રેગ્યુલેટરી કેપિટલ જાળવવાના હેતુસર તાત્કાલિક ધોરણે નાણા ઠલવાશે : બેંકોની મદદ કરવાની તૈયારીઓ

નવી દિલ્હી,તા. ૨૯ : મોદી સરકાર છ સરકારી પીએસયુ બેંકોમાં ૧૦૦૦૦ કરોડ રૂપિયા તાત્કાલિકરીતે ઠાલવવાની યોજના ધરાવે છે. યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા, દેના બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર સહિત છથી વધારે પીએસયુ બેંકોમાં જંગી નાણા ઠાલવવામાં આવનાર છે. નાણા મંત્રાલયના એક અધિકારી દ્વારા આજે આ મુજબની માહિતી આપવામાં આવી હતી. અધિકારીએ વિગત આપતા કહ્યું છે કે, આ છ બેંકો ઉપર સૌથી વધારે દબાણ છે. આ બેંકોમાં જરૂરી રેગ્યુલેટરી કેપિટલ અથવા તો રેગ્યુલેટરી નાણાને જાળવી રાખવા માટે સતત દબાણ આવી રહ્યું છે. ઇન્દ્રધનુષ પ્લાન હેઠળ આ રકમ ઠાલવવામાં આવનાર છે. નામ જાહેર નહીં કરવાની શરતે અધિકારીએ કહ્યું છે કે, ૧૮૦૦૦ કરોડ રૂપિયા હજુ પણ બાકી રહ્યા છે. ૨૦૧૫માં જાહેર કરવામાં આવેલી ઇન્દ્રધનુષ યોજના સાત પાંખિય વ્યૂહરચના તરીકે છે. જાહેર ક્ષેત્રની બેંકો માટે આ સાત પાંખિય વ્યૂહરચના છે જેના ભાગરુપે વર્ષ ૨૦૧૯ સુધી ૭૦૦૦૦ કરોડ રૂપિયા ઠાલવવામાં આવનાર છે. ઓક્ટોબર મહિનામાં સરકારે સરકારી બેંકો માટે ૨.૧ લાખ કરોડ રૂપિયા ઠાલવવાની યોજના જાહેર કરી હતી જે પૈકી ૧.૩૫ લાખ રૂપિયા બોન્ડ મારફતે ઉભી કરવામાં આવી ચુકી છે. આ મેગા રિકેપ યોજના આ નાણાંકીય વર્ષમાં શરૂ કરવામાં આવનાર છે. નાણા મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે, છેલ્લા ત્રિમાસિક ગાળાના પરિણામ ઉપર આધારિત વિગતો તૈયાર કરવામાં આવી રહી છે. હાલમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પગલા હેઠળ ૧૧ પીએસબી છે જેમાં શ્રેણીબદ્ધ નિયંત્રણોની જરૂર દેખાઈ રહી છે. બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવર્સીસ બેંક, દેના બેંક, કોર્પોરેશન બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, આઈડીબીઆઈ બેંક, યુકો બેંક, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર અને ઓરિયેન્ટલ બેંક ઓફ કોમર્સનો સમાવેશ થાય છે. ઓગસ્ટ મહિનામાં આરબીઆઈએ એવા ૨૮ ખાતા ઓળખી કાઢ્યા હતા જે ખાતાઓને બેંકો દ્વારા ૧૩મી ડિસેમ્બર સુધી સ્પષ્ટ સૂચના આપવા માટે કહેવામાં આવ્યું હતું. એક વરિષ્ઠ બેંકિંગ કારોબારી અધિકારીએ કહ્યું છે કે, નુકસાન માટે બેંકોને જોગવાઈ કરવાની રહેશે. આ ઉપરાંત પણ કેટલીક સ્પષ્ટ સૂચનાઓ બેંકોને આપવામાં આવી ચુકી છે. નોન પરફોર્મિંગ એસેટ (એનપીએ)નો આંકડો સપ્ટેમ્બર ૨૦૧૭માં વધીને ૭.૩૪ લાખ કરોડ સુધી પહોંચી ગયો છે જે માર્ચ ૨૦૧૫માં ૨.૭૮ લાખ કરોડ રૂપિયાનો હતો.

(7:53 pm IST)