Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

સોયથી લઇ સ્ટીલ, ચા થી લઇ ફાઇવ સ્ટાર હોટેલ અને નેનોથી લઇ હવાઇ જહાજ બનાવતા પરિવારના જિંદાદિલ સ્વપ્નદ્રષ્ટા...

રતન ટાટા ૮૦ વર્ષના દેશ પ્રેમી 'યુવાન'...

તાજ હોટેલના તમામ કેડરના કર્મચારીઓ કે જેમા માત્ર એક દિવસના રોજમદારનો સમાવેશ હોય તેને પણ હુમલા બાદ હોટેલ બંધ રહી તેટલો સમય ઘેર બેઠા પગાર ચૂકવ્યો : એક નાના ઠેલાવાળાની ચાર વર્ષની પૌત્રી કે જેને ચાર-ચાર ગોળીઓએ વિંધી નાખી હતી અને મુંબઈની સરકારી હોસ્પીટલમાં માત્ર એક ગોળી કાઢી શકાય હતી તેને બોમ્બે હોસ્પીટલમાં ખસેડી તેની પાછળ લાખોનો ખર્ચ ટાટા એ કરી માસુમની જીંદગી બચાવી : રેલ્વે કર્મચારી, પોલીસ કર્મચારી કે રસ્તે જતા રાહદારીઓ કે જેમને ટાટા સાથે કશી લેવા દેવા ન હતી તેમને પણ ૬ મહિના સુધી ૧૦ - ૧૦ હજારનું એલાઉન્સ આપ્યું

મુંબઇ તા. ૨૯ : કહેવામાં આવે છે કે હંમેશા સામાન્ય લોકો અપમાનનો બદલો તાત્કાલિક લઇ લે છે. પરંતુ મહાન લોકો તેને સફળતાની સીડી બનાવી લે છે. ટાટા કંપનીને નવી ઉંચાઇ પર પહોંચાડનાર રતનટાટા પર આ કહેવત બિલકુલ સટીક બેસે છે. ટાટા સન્સમાં ૧૦૦ થી વધારે કંપનીઓ આવે છે. આ કંપનીઓમાં સોંયથી લઇને સ્ટીલ, ચાથી લઇને ૫ સ્ટાર હોટલ સુધી અને નેનોથી લઇને હવાઇ જહાજ સુધી દરેક વસ્તુ મળે છે. જોકે અહીં અમે ટાટા ગ્રુપના ચેરમેન રહેલા રતનટાટાના જીવનની એક એવી વાર્તા કહેવા જઇ રહ્યા છે જે દરેક લોકો માટે પ્રેરણા દાયક છે. ગઇકાલે તેમનો જન્મદિવસ હતો. આ નિમિતે આવો તેમની અને તેમના પરિવારના સફળ ખેડાણ ઉપર નજર ફેરવીએ.

રતન ટાટાની લાઇફ ઘણી ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. તેમનો જન્મ ૨૮ ડિસેમ્બરે ૧૯૩૭એ થયો હતો. તે ટાટા સમૂહના સંસ્થાપક જમશેદજી ટાટાના દત્તક પુત્ર નવલ ટાટાના પુત્ર છે. રતન ટાટાએ આઇબીએમની નોકરી ઠુકરાવીને ટાટા ગ્રુપ સાથે તેમના કરિયરની શરૂઆત વર્ષ ૧૯૬૧માં એક કર્મચારી રીતે કરી હતી. પરંતુ વર્ષ ૧૯૯૧ આવતાની સાથે ટાટા ગ્રુપના અધ્યક્ષ બની ગયા. ૨૦૧૨માં તે રિટાયર થયા.રતન ટાટાએ તેમના ૨૧ વર્ષના રાજમાં કંપનીને શિખર પર પહોંચાડી હતી. કંપનીની વેલ્યુમાં ૫૦ ટકા વધારો કર્યો હતો. તે નિર્ણય લેતા ગયા અને તેને યોગ્ય સાબિત કરતા ગયા.

આ વાત છે વર્ષ ૧૯૯૮ની, જયારે ટાટા મોટરે તેની પ્રથમ પેસેન્જર કાર ભારતના બજારમાં ઉતારી હતી. જોકે આ રતન ટાટાનો ડ્રીમ પ્રોજેકટ હતો અને તેન માટે તેમણે ખૂબ મહેનત પણ કરી છે. પરંતુ આ કારને બજારમાં યોગ્ય રિસ્પોન્સ મળી શકયો નહી. જેના કારણથી ટાટા મોટર્સ નુકશાનમાં જલા લાગી. કંપનીથી જોડાયેલ લોકોએ નુકશાનને જોતા રતન ટાટાને આ કારને વેંચવાની સલાહ આપી અને રતન ટાટાએ આ નિર્ણયનો સ્વીકાર કરવો પડ્યો. તે બાદ તે તેમની કંપની વેંચીને અમેરિકાની કંપની ફોર્ડ પાસે ગયા.

રતન ટાટા અને ફોર્ડ કંપનીના માલિક બિલ ફોર્ડની બેઠક કલાકો ચાલી. તે દરમિયાન બિલ ફોર્ડે રતન ટાટાની સાથે ખરાબ વ્યવહાર કર્યો અને કહ્યું કે જે વેપાર અંગે તમને જાણકારી નથી તો તેમા તમે આટલા પૈસા કેમ લગાવી દીધા. આ કંપની ખરીદીને અમે તમારી પર દયા ખાઇ રહ્યા છીએ. આ શબ્દ બિલ ફોર્ડના હતા.

પરંતુ રતન ટાટાના દિલ અને દિમાગમાં છપાઇ ગયા હતા. તેમણે ત્યાંથી અપમાન સહન કરીને ડીલ રદ્દ કરી દીધી. બિલ ફોર્ડના આ અપમાનિત કરનાર વાકય તેમણે સતત બેચેન કરી રહ્યા હતા. તે બાદ રતન ટાટાએ નિશ્ચય કરી લીધો કે તે હવે કંપનીને કોઇને પણ વેંચશે નહી. ત્યાર બાદ તેમણે એક રિસર્ચ ટીમ તૈયાર કરી અને ભારતીય બજારની સાથે સાથે વિદેશોમાં પણ ટાટા ઇંડિકાને સફળતા મળી.

આ ઘટના બાદ ફોર્ડની કંપનીનું પતન શરૂ થઇ ગયું. વર્ષ ૨૦૦૮ આવતાની સાથે ફોર્ડ કંપનીનુ દિવાળુ ફૂંકાઇ ગયુ હતું. જોકે તે બાદ રતન ટાટાએ ફોર્ડની લકઝરી કાર લેન્ડ રોવર અને જૈગુઆર બનાવનારી કંપની જેએલઆરને ખરીદવાનો પ્રસ્તાવ મૂકયો. જેને ફોર્ડે સ્વીકાર પણ કરી લીધો. તે બાદ મિટીંગ માટે ફોર્ડના અધિકારી ભારત આવ્યા અને બોમ્બે હાઉસમાં મીટિંગ ફિકસ થઇ. જેની સમજૂતી આશરે ૨.૩ અરબ ડોલરમાં થઇ. ત્યારે બિલ ફોર્ડે રતન ટાટાથી એજ વાત ફરી કહી જે રતન ટાટાને કહી હતી. પરંતુ આ વખતે તે વાતમાં થોડોક બદલાવ હતો. તે સમયે બિલ ફોર્ડના શબ્દ હતા કે તમે અમારી કંપની ખરીદીને અમારી પર દયા કરી રહ્યા છો.

જોકે આજે જેએલઆર ટાટા ગ્રુપનો ભાગ છે અને બજારમાં સારા નફાની સાથે આગળ વધી રહી છે. રતન ટાટા ઇચ્છતા તો તે સમયે બિલ ફોર્ડની સાથે થયેલી મિટીંગમાં તે વાતનો જવાબ આપી શકતા હતા. પરંતુ મહાન લોકો તેમની સફળતાથી લોકોને જવાબ આપે છે.

(3:37 pm IST)