Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

સીએમ કેજરીવાલ સાથે 'પટ્ટાવાળા' જેવું વર્તન

કેજરીવાલ સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે ખેંચતાણનો મુદ્દો રાજ્યસભામાં ગુંજ્યો : વિપક્ષના અનેક નેતાઓએ કેજરીવાલનું સમર્થન કર્યું: સમાજવાદી પક્ષના સાંસદે કરી વકાલત

નવી દિલ્હી તા. ૨૯ : દિલ્હીમાં અધિકારોને લઇ કેજરીવાલ સરકાર અને ઉપરાજયપાલની વચ્ચે ખેંચતાણનો મુદ્દો રાજયસભામાં પણ ગૂંજી ઉઠ્યો છે. સંસદના ઉચ્ચ સદનમાં ભલે આમ આદમી પાર્ટીનો હાલ કોઇ સાંસદ નથી, પરંતુ આ મુદ્દા પર વિપક્ષના કેટલાંય નેતાઓએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું મજબૂત સમર્થન કર્યું છે. સમાજવાદી પાર્ટીના સાંસદ નરેશ અગ્રવાલે તો એટલાં સુદ્ઘાં કહી દીધું કે એલજી અનિલ બૈજલ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની સાથે પટાવાળા જેવું વર્તન કરે છે. તેમણે દિલ્હીની સરકારને વધુ અધિકાર આપવાની વકાલત કરી.

તાજેતરમાં કુલભૂષણ જાધવ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર સાંસદ નરેશ અગ્રવાલે ગુરૂવારના રોજ રાજયસભામાં કહ્યું કે દિલ્હી સરકારને કોઇ પાવર નથી. લેફિટનેંટ ગવર્નર દિલ્હીના મુખ્યમંત્રીને નોકરની જેમ ટ્રીટ કરે છે. આ શું છે, એક મુખ્યમંત્રીની બેઇજ્જતી છે. એક લેફિટનેંટ ગવર્નર તરીકે પસંદ કરાયેલા મુખ્યમંત્રીને નોકરની જેમ ટ્રીટ કરે. હું બિલકુલ સાચું કહી રહ્યો છું. આ દિલ્હી સરકારનો પણ આરોપ છે. ચીફ મિનિસ્ટરનો આરોપ છે. તમે દિલ્હીને પૂરો પાવર આપવાની વાત કરો. તમે ચર્ચા કરાવી લો. દિલ્હી સરકારને કાયદો બનાવાના અધિકાર આપો. સાડા ત્રણ વર્ષ થઇ ગયા, દિલ્હીને કેમ તમે અદ્બુત શહેર બનાવ્યું નથી.

ધ નેશનલ કેપિટલ ટેરટરી ઓફ દિલ્હી લો (સ્પેશ્યલ પ્રોવિઝન) સેકન્ડ (એમન્ડમેન્ટ) બિલ પર ચર્ચા દરમ્યાન દિલ્હી મેટ્રોની મજેન્ટા લાઇનના ઉધ્ઘાટન સમારંભમાં કેજરીવાલને બોલાવ્યા નહીં તેનો મુદ્દો ઉઠાવ્યો. અગ્રવાલે તેને લઇ જયાં ભાજપના વલણની ટીકા કરી તો બીજીબાજુ સપા નેતા રામગોપાલ યાદવ એ પણ તેને ખોટી પરંપરાની શરૂઆત ગણાવી. આ મુદ્દા પર મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ, માકપા, અને ભાકપા એ કેજરીવાલનું સમર્થન કર્યું. તૃણમૂલ કોંગ્રેસના નદીમુલ હક એ તેને 'ઓછી રાજનીતિ'નું પરિણામ ગણાવી દીધું.

બિલ પર ચર્ચાનો જવાબ આપતા હાઉસિંગ અને અર્બન મામલાના મંત્રી હરદીપ સિંહ પૂરીએ આ મુદ્દા પર સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું કે મજેન્ટા લાઇન પર ઉત્તરપ્રદેશમાં મેટ્રોના રેલખંડના ઉધ્ઘાટનનું કાર્યક્રમ આયોજીત કરાયું હતું, આથી કેજરીવાલને આમંત્રિત કરાયા નહીં.

દિલ્હી સરકાર અને એલજીની વચ્ચે વિવાદના મુદ્દા પર સીપીઆઈ નેતા ડી.રાજાએ કહ્યું કે તેને હવે ખત્મ કરવો પજ પડશે. તેમણે કહ્યું કે અમે આ ટકરાવને કયાં સુધી ચાલું રાખીશું. આ માત્ર દિલ્હીની વાત નથી, પુડ્ડુચેરીની સાથે પણ આ સમસ્યા છે. આપણે આ મુદ્દા પર ફરીથી વિચાર કરવો પડશે. આપને જણાવી દઇએ કે દિલ્હીમાં સરકાર અને ઉપરાજયપાલની વચ્ચે અધિકારોની લડાઇ સુપ્રીમ કોર્ટ પહોંચી ચૂકી છે.

(3:42 pm IST)