Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

આનંદો! હવે વડાપ્રધાન જનઔષધિ કેન્દ્રો પેટ્રોલ પંપ પર ખૂલશે

નવી દિલ્હી તા. ૨૯ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય હવે સામાન્ય દેશવાસીઓ માટે જન ઔષધિ (જેનરિક સ્ટોર)ની ઉપલબ્ધતા વધુ સરળ કરવા જઇ રહ્યું છે. આ હેઠળ દેશભરના તમામ પેટ્રોલ પંપ અને રેલવે સ્ટેશન પર વડાપ્રધાન જન ઔષધિ યોજના હેઠળ જેનરિક મેડિસિન સ્ટોર ખોલવાનો નિર્ણય લેવાયો છે. જાન્યુઆરી-૨૦૧૮થી સરકાર તેની શરૂઆત કરશે.

અત્યાર સુધી દેશમાં ૩૦૩૧ જેનરિક સ્ટોર શરૂ થયા છે તેમ છતાં પણ ઘણાં શહેર એવાં છે, જયાં જેનરિક દવાઓના માત્ર એકાદ-બે સ્ટોર જ છે. આવા સંજોગોમાં દર્દીઓને સરળતાથી જેનરિક દવાઓ મળી શકતી નથી. તમામ પેટ્રોલ પંપ અને રેલવે સ્ટેશન પર જેનરિક દવાઓના સ્ટોર ખૂલી જાય તો તેની સંખ્યા વધીને ૭૦,૦૦૦ જેટલી થશે, કેમ કે દેશમાં લગભગ ૮૫૦૦ રેલવે સ્ટેશન અને ૫૭,૦૦૦ પેટ્રોલ પંપ છે. વિવિધ સ્થળો પર માર્ચ-૨૦૧૮ સુધી ૧૫૦૦ સ્ટોર શરૂ કરાશે.

ગુણવત્તામાં આ બંને દવાઓ એકસરખી હોય છે. બ્રાન્ડેડ દવાઓના પેકેજિંગ અને તેને સાચવવા પર રિસર્ચ કંપનીઓ વધુ ખર્ચ કરે છે. તેથી તે મોંઘી હોય છે. જેનરિક દવાઓ ૪૦થી ૪૦૦ ગણી સસ્તી હોય છે. વડા પ્રધાન જન ઔષધિ સ્ટોર નોઇડાના સંચાલક અનુપ ખન્નાએ જણાવ્યું કે જેનરિક દવાઓ બે પ્રકારની હોય છે. વડાપ્રધાન જન ઔષધિનો ભાવ ખૂબ જ ઓછો હોય છે જયારે કંપનીઓની જેનરિક દવાઓનું મૂલ્ય બ્રાન્ડેડ દવાઓ કરતાં થોડુંક જ ઓછું હોય છે. તેથી સામાન્ય લોકોએ આ બાબતે જાગ્રત રહેવું જોઇએ.(૨૧.૨૬)

(3:34 pm IST)