Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

એક કા તીન સ્કીમ આપતી કંપનીઓએ ગુજરાતીઓને ૬૦૪ કરોડનો ચુનો લગાવ્યો

વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭માં સીઆઈડીમાં ૧૧ કંપનીઓ સામે ૨૧ FIR નોંધાઈ છે

નવી દિલ્હી તા.૨૯ :  પહેલા લોકોને લલચાવે, પછી પૈસા પડાવે અને પછી છૂ થઈ જાય... એવુ લાગી રહ્યું છે કે એક કા ડબલ કરવાની લાલચમાં ગુજરાતીઓ આસાનીથી પોન્ઝી સ્કીમ ઓફર કરીને લલચાવનારી કંપનીઓના સકંજામાં ફસાઈ જાય છે. વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭માં સીઆઈડીમાં ૧૧ કંપનીઓ સામે ૨૧ જ્ત્ય્ નોંધાઈ છે. આ કંપનીઓએ મળીને ૩.૫ લાખ રોકાણકારો પાસેથી રૂ. ૬૦૪ કરોડ રૂપિયા ખંખેરીને તમને છેતર્યા છે.

૨૦૧૭માં CID (ક્રાઈમ)એ ૧૪ જ્ત્ય્ નોંધી હતી અને ૩૦૦ કરોડના શગુન ફ્રોડ સહિત અન્ય ફ્રોડ કેસમાં આરોપીઓની પ્રોપર્ટી પણ જપ્ત કરી છે. CIDનાં એક અધિકારી જણાવે છે, 'આ આંકડો સરખામણીએ ઓછો છે. દરેક રોકાણકારનું સરેરાશ ઈન્વેસ્ટમેન્ટ રૂ. ૧૭,૨૫૦ જેટલુ છે. જો કે એ વાત ધ્યાન ખેંચે તેવી છે કે મોટા ભાગના રોકાણ આદિવાસી પટ્ટા અને ગામડામાં થયા છે જયાં લોકો મોટુ રિટર્ન મેળવવાની આશાએ લલચાઈ જાય છે. જો તમે રોકાણકારોની પ્રોફાઈલ જુઓ તો તેમાં ભવિષ્ય માટે બચત કરતી ગૃહિણીઓ છે અને નિમ્ન મધ્યમ વર્ગના લોકો છે જે વાહનો કે પ્રોપર્ટી ખરીદવા માટે પૈસા બચાવતા હોય'

અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધી ૩૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને બાકીની તલાશ ચાલુ છે. આવી કંપનીઓ અને તેના પ્રમોટર્સ દ્વારા ખરીદાયેલી પ્રોપર્ટીની ઓળખ કરવા માટે ખાસ ટીમ બનાવવામાં આવી છે. CIDનાં અધિકારીઓનુ માનવુ છે કે IPCની કલમ ઉપરાંત ધ પ્રાઈઝ ચિટ્સ એન્ડ મની સકર્યુલેશન સ્કીમ (બેનિંગ) એકટની કલમો પણ લાગુ પાડવામાં આવી છે. તપાસ કરનારા અધિકારીઓ આરોપીઓ પર ગુજરાત પ્રોટેકશન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ (GPID) કાયદાની કલમ પણ લાગુ પાડી રહ્યા છે. આ માટે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્પેશિયલ કોર્ટ પણ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી કોર્ટ ચાર શહેરોનું જ ધ્યાન રાખતી હતી પરંતુ હવે તે ઉત્ત્।ર, મધ્ય, દક્ષિણ તથા સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના કેસ પણ ધ્યાનમાં લેશે. અધિકારીના જણાવ્યા મુજબ, 'પોલીસ કમિશનરેટ અને જિલ્લાઓને આ સરકયુલર વહેલી તકે મોકલવામાં આવશે.'

CID ક્રાઈમના DGP આશિષ ભાટિયાએ જણઆવ્યું, એજન્સીએ છેતરપિંડીનો ભોગ બનેલા રોકાણકારોને જે-તે ડોકયુમેન્ટ્સ સાથે મુલાકાત લેવા જાણ કરી છે. તેમણે જણાવ્યું, 'અમે નાગરિકોને કંપનીઓમાં રોકાણ કરતા પહેલા કંપનીની ખરાઈ કરવાની અને તેની હિસ્ટ્રી ચેક કરવાની સલાહ આપીએ છીએ. અમે પ્રમોટર્સની ધરપકડ કરવાથી માંડીને આ રૂપિયામાંથી ખરીદાયેલી પ્રોપર્ટીની ઓળખ કરવાની કવાયત હાથ ધરી છે.' તેમણે વધુમાં જણાવ્યુ કે CIDની ઈકોનોમિક ઓફેન્સીસ વિંગ (EOW) ૧૫ અન્ય કંપનીઓના ઓપરેશન પણ ચકાસી રહી છે અને તેમાં કોઈ આર્થિક અનિયમિતતા જોવા મળે છે કે નહિ તે અંગે તપાસ ચાલુ છે.

રાજયની પોલીસ ગુજરાત અને ગુજરાત બહાર આવુ ફ્રોડ કરતી કંપનીઓ સામે પગલા ભરી રહી છે પરંતુ હવે સમય આવી ગયો છે કે વધુ રિટર્ન મેળવવાની અપેક્ષાએ આવી કંપનીઓમાં રોકાણ કરી પોતાની આખા જીવનની મૂડી ગુમાવી બેસતા રોકાણકારોના હિતમાં વધુ આકરા પગલા ભરવામાં આવે. ગ્રામ્ય અને નાના શહેરના વિસ્તારોમાં આવી કંપનીઓ અંગે જાગૃતિ ફેલાવવી ખૂબ જ જરૂરી છે કારણ કે આ વિસ્તારોમાંથી જ મોટાભાગના લોકો કંપનીના સકંજામાં ફસાઈ જાય છે.(૨૩.૧૩)

(3:22 pm IST)