Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

બજેટમાં મહિલાઓને વધારે ટેક્સમાં રાહત મળવાની વકી

આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારો થઇ શકે : બજેટમાં પગારદાર વર્ગ અને મધ્યમ વર્ગને મોટી રાહત આપીને ખુશ કરવા પ્રયાસ થઇ શકે : આકર્ષક બજેટ હશે

નવી દિલ્હી,તા. ૨૯ : કેન્દ્રિય નાણાંપ્રધાન અરૂણ જેટલી  હવે વર્તમાન સરકારનુ અંતિમ સંપૂર્ણ બજેટ રજૂ કરનાર છે. સામાન્ય બજેટમાં જેટલી આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારો કરી પગારદાર વર્ગને રાહત આપી શકે છે. આવકવેરા મુક્તિ મર્યાદા કેટલી કરાશે તેને લઇને સામાન્ય લોકોમાં ભારે ચર્ચા છે. જો કે વર્તમાન સંજોગોને જોતા વધારે આશા નથી પરંતુ થોડાક પ્રમાણમાં રાહત ચોક્કસપણઁ આપી શકે છે. કેન્દ્રીય બજેટ આડે ગણતરીના દિવસો રહી ગયા છે ત્યારે તમામ લોકોની નજર વધુ ટેક્સ રાહતો ઉપર કેન્દ્રીત થઈ ગઈ છે. મહિલાઓને વધુ ટેક્સ રાહત અપાશે કે કેમ તેને લઈને પણ ચર્ચા છે. કેન્દ્રીય નાણાંમંત્રી જેટલી  બજેટ રજૂ કરતી વેળા આવકવેરા મુક્તિ મર્યાદામાં વધુ રાહત આપી શકે છે. આવકવેરા મુક્તિ મર્યાદામાં સતત વધારો ક્રમશ થતો રહ્યો છે. વર્ષ ૨૦૦૦-૦૧માં આવકવેરા મુક્તિ મર્યાદા પુરુષો માટે અને મહિલાઓ માટે ૫૦-૫૦,૦૦૦ હતી. ઊંચી ટેક્સ મુક્તિ મર્યાદાના કારણે મહિલાઓની બચત પણ સતત વધી છે. જો કે ટેક્સ નિષ્ણાંતોનું કહેવું છે કે આ પસંદગીની બાબત મહિલાઓને પ્રોત્સાહન આપશે. આમા વધુ સુધારા પણ શક્ય રહેલા છે. નવા બજેટમાં આવકવેરા મુક્તિ મર્યાદાને વધારવાની મોટાભાગની ગણતરી થઈ રહી છે. વર્ષ ૨૦૧૧-૧૨માં પુરુષો માટે આવકવેરા મુક્તિ મર્યાદા ૧.૮ લાખ અને મહિલાઓ માટે ૧.૯૦ લાખ રૂપિયા હતી જ્યારે મહિલાઓની ટેક્સ બચત ૧૦૩૦ જેટલી હતી.પુરૂષો અને મહિલાઓ બન્ને તેમજ સિનિયર સિટીજન્સને પણ બજેટમાં આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારો કરી વધુ પ્રોત્સાહન આપી શકાય છે. નોટબંધી અને જીએસટીની વ્યાપક અસર રહ્યા બાદ અને સામાન્ય ચૂંટણી પહેલા અંતિમ સામાન્ય બજેટ હોવાથી જેટલી બજેટમાં રાહત આપવા વિચારણા કરી શકે છે. ગુજરાતમાં હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ઓછા અંતરથી જીત મળ્યા બાદ તમામ વર્ગને રાજી કરવાના ઇરાદા સાથે જેટલી બજેટ રજૂ કરી શક છે. આ  બજેટ બાદ દ કોઇ પૂર્ણ બજેટ વર્તમાન સરકાર રજૂ કરનાર નથી. આવી સ્થિતીમાં મોદી સરકાર આ બજેટને તૈયાર કરતી વેળા ખાસ ધ્યાન આપે તેવી શક્યતા છે.

 

(12:29 pm IST)