Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

પપ્પાને છેતરનારા ઠગને દીકરીએ કુનેહથી પકડાવ્યો

પૂણે તા. ૨૯ : પૂણે શહેરના એક ચોરે ટેસ્ટ-રાઇડના નામે પરવેઝ મણિયારનું સ્કૂટર ચોરી લીધું હતું, પણ તેની સ્માર્ટ દીકરીએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટની મદદથી સ્કૂટર પાછું મેળવવા ઉપરાંત ચોરને પકડાવી દીધો હતો.

૧૬ ડિસેમ્બરે અઠંગ અજય યાદવ ઉર્ફે રાહુલ પ્રજાપતિ સ્કૂટર ચોરીને ફરાર થઇ ગયો હતો. થોડા દિવસ બાદ તેણે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર એક છોકરીની ફ્રેન્ડ-રિકવેસ્ટ સ્વીકારી હતી. જોકે તેને જાણ નહોતી કે તેની આ નવી મિત્ર હકીકતમાં પરવેઝ મણિયારની દીકરી જ છે. ચેટીંગ દરમિયાન મણિયારની દીકરીએ કહ્યું કે તે એક સ્કૂટર ખરીદવા માંગે છે. યાદવે તેને પોતાનું સ્કૂટર વેચવાની ઓફર કરી. બંનેએ પૂણેના સંભાજી ગાર્ડનમાં મળવાનું નક્કી કર્યું. સોમવારે યાદવ પાર્કમાં પહોંચ્યો તો મણિયાર અને તેની દીકરીએ તેને પકડી લીધો હતો અને પોલીસને હવાલે કરી દીધો હતો.

યાદવ મૂળ મધ્ય પ્રદેશનો વતની છે અને હાલ પૂણેમાં રહે છે. પરવેઝ મણિયારે ઓનલાઇન જાહેરખબરમાં ૩૨,૦૦૦ રૂપિયામાં સ્કૂટર વેચવાની વાત કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી યાદવ પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે. પોલીસને તેની પાસેથી એક મોબાઇલ ફોન પણ મળી આવ્યો છે. એ ચોરેલો છે કે કેમ એની ખબર નથી.

(12:28 pm IST)