Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

આ દાદાએ ૯૮ વર્ષની ઉમરે મેળવી MAની ડીગ્રી

યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે રાજકુમાર વૈશ્યને ડીગ્રી એનાયત કરવાના દિવસને યુનિવર્સિટીના ઇતિહાસમાં 'સ્વર્ણિમ દિન'ગણાવ્યો હતો

 પટણા તા. ર૯ :.. દૃઢનિર્ધારનું અસાધારણ ઉદાહરણ પુરૂ પાડતાં બિહારમાં પટનાના રહેવાસી ૯૮ વર્ષના દાદાજીએ ભણીને પોસ્ટ ગ્રેજયુએશન મેળવ્યું છે. રાજકુમાર વૈશ્ય નામના આ દાદાજીએ નાલંદા ઓપન યુનિવર્સિટીમાંથી ઇકોનોમિકસ વિષયમાં માસ્ટર ઓફ આટર્સ (એમએ) ની ડીગ્રી મેળવી છે.આ સિધ્ધિ મેળવવા બદલ રાજકુમાર વૈશ્યનું નામ લિમ્કા બુક ઓફ રેકોડર્સમાં સૌથી મોટી ઉંમરે પોસ્ટ ગ્રેજયુએશનની ડીગ્રી માટે અપ્લાય કરવા બાબતે નોંધવામાં આવ્યું છે.

ગયા સપ્ટેમ્બર મહિનામાં સેકન્ડ ડીવીઝનમાં પાસ થયા બાદ રાજકુમાર ડીગ્રી લેવા પહોંચ્યા ત્યારે સૌએ આશ્ચર્ય અને પ્રશંસા સાથે એમનું સ્વાગત કર્યુ હતું. જાતમહેનત અને સંઘર્ષના ઉદાહરણરૂપ બનેલા રાજકુમારે એમએ પૂ રું સ્વપ્ન પુરું કર્યુ છે. હવે હું પોસ્ટ ગ્રેજયુએટ છું. મેં બે વર્ષ પહેલાં નિર્ધાર કર્યો હતો કે આ ઉંમરે સુધ્ધાં કોઇપણ વ્યકિત પોતામાં સ્વપ્નો પુરા કરી શકે છે. નવી પેઢીને સતત પ્રયત્ન શીલ રહેવાનો સંદેશ હું આપું છું.'

ઉત્તર પ્રદેશના બરેલીના રહેવાસી રાજકુમારે ૧૯૩૮ માં ઇકોનોમિકસ વિષયમાં આગરા યુનિવર્સિટીમાં ગ્રેજયુએશન કર્યુ હતું અને ૧૯૪૦ માં બેચલર ઓફ લોઝ (એલએલ.બી.) ની ડીગ્રી મેળવી હતી. રાજકુમારે એમની સફળતાનો યશ એમનાં પુત્રવધુ ભારતી એસ. કુમાર અને પટના કોલેજના ઇતિહાસના પ્રોફેસરને આપ્યો હતો. રાજકુમાર વૈશ્યના પુત્ર સંતોષકુમારે આ ઘટનાને 'ગર્વનો વિષય' ગણાવી હતી. નાલંદા ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે રાજકુમાર વૈશ્યને ડીગ્રી એનાયત કરવાના દિવસને યુનિવર્સિટીના ઇતિહાસમાં 'સ્વર્ણિમ દિન' ગણાવ્યો હતો. (પ-પ)

(11:29 am IST)