Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

૨૦૧૮માં ૮ રાજયોની સાથે યોજાશે લોકસભાની ચૂંટણી ?

૨૦૧૮માં મ.પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, કર્ણાટક, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા અને નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણીઃ ભાજપ મોદીની લહેરનો લાભ લેવા વહેલી ચૂંટણીનો જુગાર ખેલી શકે છેઃ ૧૦ કે ૧ર મહિનાની સત્તાનો મોહ છોડવાના બદલામાં પ વર્ષની સત્તા મળતી હોય તો ખોટુ શું છે ?

નવી દિલ્હી તા.ર૯ : ૨૦૧૮નું વર્ષ રાજકીય દ્રષ્ટિથી ઘણુ મહત્વનુ બનવાનુ છે. ર૦૧૮ના આઠ રાજયોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે સાથોસાથ એવો રાજકીય કયાસ કાઢવામાં આવી રહ્યો છે કે, વર્ષના અંત સુધીમાં કેટલાક રાજયોની વિધાનસભાની ચૂંટણી સાથે લોકસભાની ચૂંટણી પણ નિપટાવી લેવામાં આવે. જો આવુ ન થાય તો પણ મે-૨૦૧૯માં પ્રસ્તાવિત લોકસભાની ચૂંટણીનું રિહર્સલ તો ર૦૧૮માં યોજાઇ જશે.

ર૦૧૮માં જે રાજયોમાં ચૂંટણી યોજાવાની છે તેમાં મ.પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને કર્ણાટક જેવા રાજયો સામેલ છે ત્યાંથી લોકસભાની ૯૩ બેઠકો આવે છે. ર૦૧૪ના પરિણામો પર દ્રષ્ટિ કરીએ તો જણાય છે કે ૯૩માંથી ૭૯ બેઠકો ભાજપને મળી હતી. લોકસભાની ચૂંટણી પહેલા અહી યોજાનાર ચૂંટણીના પરિણામો થકી રાજયોના મતદારોનો મુડ પણ જાણી શકાશે. જે થકી ર૦૧૯ની તસ્વીર પણ સ્પષ્ટ થશે. આ ચાર રાજયોમાંથી ત્રણ ભાજપ પાસે છે અને ત્રણેય અત્યારે ભાજપના ગઢ બની ગયા છે.

કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર તો છે પરંતુ ભાજપ અહી કેસરિયા કરવા કોઇ કચાસ નહી રાખે. જો ભાજપ આ રાજયોમાં સારો દેખાવ નહી કરે તો ર૦૧૯માં સત્તા વાપસીનો માર્ગ તેના માટે મુશ્કેલ બનશે. આ સિવાય નોર્થ ઇસ્ટના ચાર રાજયો મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા અને નાગાલેન્ડમાં પણ ચૂંટણી યોજાશે ત્યાં લોકસભાની માત્ર છ બેઠકો છે પરંતુ ભાજપ કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધી પોતાની પહોંચ બનાવવા અને કોંગ્રેસ મુકત ભારતના નારાને લઇને જે રીતે ગંભીર છે તે જોતા આ ચાર રાજયોની ચૂંટણી પણ તેના માટે મહત્વની છે. આસામ અને મણીપુરમાં વિજેતા બની ભાજપે નોર્થ ઇસ્ટમાં પગમાં મુકયો છે.

ર૦૧૮માં એક મોટો ઉલટફેર એ પણ થઇ શકે છે કે મોદી મે-ર૦૧૯માં પ્રસ્તાવિત સામાન્ય ચૂંટણીને સમય પહેલા ર૦૧૮માં કરાવી લેશે. આના પાછળનું જે પણ કારણ હોય પણ એ હકીકત છે કે, ર૦૧૮ સુધી ભાજપને કયાંય પડકાર મળતો નથી દેખાતો. સરકાર વિરૂધ્ધ કોઇ મોટો મુદો નથી. સૌથી મોટી વાત એ છે કે મોદીનો જાદુ હજુ પણ છવાયો છે. ભાજપ આ માહોલને એક અવસર તરીકે વટાવવાનો પ્રયાસ કરશે. ભાજપમાં કહેવાય છે કે, જો ૧૦ કેે ૧ર મહિનાની સત્તાનો મોહ છોડવાના બદલામાં પાંચ વર્ષની સત્તા મળે તો ઘણુ ફાયદેમંદ સાબીત થશે. મ.પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની ચૂંટણી ર૦૧૮ના અંતના મહિનાઓમાં યોજાશે. તેમની સાથે લોકસભાની ચૂંટણી પણ યોજાઇ શકે છે. ભાજપ આ ત્રણેય રાજયોની ચૂંટણી લોકસભાની ચૂંટણી સાથે યોજવામાં પોતાનો ફાયદો નિહાળી રહી છે. લોકસભાની ચૂંટણી સાથે જયારે રાજયોની ચૂંટણી થાય તો મતદારો વચ્ચે સ્થાનિક મુદા ગૌણ બની જાય છે એવામાં ત્રણેય રાજયોમાં એન્ટી ઇન્કમબન્સીનો ખતરો ટળી શકે છે. ભાજપ સતત કહે છે કે, લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે થવી જોઇએ. અયોધ્યા વિવાદમાં ફેબ્રુઆરીથી સુનાવણી શરૂ થશે અને જે મોટો મુદો બનશે.(૩-૫)

(11:28 am IST)