Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

સરકાર પેટ્રોલમાં મિથેનોલ મિકસ કરી બચાવશે અબજો રૂપિયા..!

ફયુલની કિંમત પણ ઘટશેઃ દેશનું ક્રુડ ઇમ્પોટ બીલ રૂ. ૬ લાખ કરોડઃ મિથેનોલના ઉપયોગથી પ્રદૂષણ ઘટશે

નવી દિલ્હી તા. ૨૯ : દેશમાં વધતી જતી ઈંધણની માગ અને વાહનોના વધારાથી દરવર્ષે ભારત સરકારને દેશની ક્રુડ ઓઇલની માગ સંતોષવા દેશની તીજોરીનો ઘણો મોટો ભાગ ખર્ચી નાખે છે. પરંતુ કેન્દ્ર સરકાર હવે એવી પોલીસી પર કામ કરી રહી છે કે આગામી ૨૦૩૦ સુધીમાં દેશના ઓઇલ ઇમ્પોર્ટ બીલને ૧૦૦ બિલિયન ડોલર એટલે કે ૬.૪ અબજ રુપિયા ઓછું કરી શકાય.આ નીતિ પ્રમાણે પેટ્રોલ-ડીઝલ અને કુકિંગ ગેસમાં મિથેનોલ ભળવવામાં આવશે. આ માહિતી કેન્દ્રીય વાહનવ્યવહાર પ્રધાન નીતિન ગડકરીએ લોકસભામાં પોતાના નિવેદનમાં આપી હતી. તેમણે કહ્યું કે, 'પેટ્રોલમાં ૧૫ ટકા મિથેનોલ ભેળવવામાં આવશે. જેના કારણે ફયુલની કિંમત પણ ૧૦ ટકા જેટલી ઓછી થશે.'

ગડકરીએ કહ્યું કે, 'વર્તમાનમાં દેસને લગભગ ૨,૯૦૦ કરોડ લીટર પેટ્રોલ અને ૯,૦૦૦ કરોડ લીટર ડીઝલની જરુર પડે છે. જેના કારણે આપણે અત્યારે વિશ્વના ૬ નંબરના સૌથી મોટા ઉપયોગ કરતા છીએ. ૨૦૩૦ સુધીમાં આ ગતીએ આપણે વિશ્વના ત્રીજા નંબરના સૌથી મોટા ઉપભોગકર્તા બની જઈશું. આપણું ક્રૂડ ઇમ્પોર્ટ બીલ હાલ ૬ લાખ કરોડની આસપાસ છે. સરકાર આ પગલા દ્વારા તેને ઓછું કરવા માગે છે.'

તેમજ મિથેનોલ ભેળવવાના ફાયદા ગણાવતા ગડકરીએ કહ્યું કે, 'તેનાથી ૨૦૩૦ સુધીમાં ભારતનું ઇમ્પોર્ટ બીલ ઘટી જશે. મિથેનોલના યુઝથી પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. કેમ કે મિથેનોલના બળવાથી પ્રદૂષણ લગભગ ઝીરો થાય છે. માટે આ નૂતન વૈકલ્પિક ઇંધણને પ્રોત્સાહીત કરવા માટે એક મિથેનોલ ઇકોનોમી ફંડ અંગે પણ ચર્ચા કરવામાં આવી રહી છે. નીતિ આયોગના પ્લાન મુજબ મિથેનોલના ઉપયોગ દ્વારા ૨૦૩૦માં ભારત ક્રુડ ઓઇલની કૂલ આયાતના ૧૦% ઓછું કરી શકશે.'(૨૧.૧૪)

(11:26 am IST)