Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

કોંગ્રેસમાં ચૂંટણી ફંડમાં 'કટકી'ની ફરિયાદઃ બારોબાર ૫-૫ લાખ ઉપડી ગયા

નેતાઓ ચોંકી ઉઠયાઃ દિલ્હી સુધી ફરિયાદ કરવામાં આવે તેવી શકયતા

નવી દિલ્હી તા. ૨૯ : વિધાનસભાની ચૂંટણી પછી કોંગ્રેસમાં પરાજયના કારણોમાં એક પછી એક ખુલાસામાં હવે ચૂંટણી ફંડની 'કટકી'-નાણાંની લેતી-દેતીના ગંભીર આક્ષેપો થવા લાગ્યા છે. ઉમેદવારોને ચૂંટણી લડવા માટે આપવામાં આવેલાં ફંડમાંથી બારોબાર લાખો રૂપિયા ઉપાડી લેવાયાની ફરિયાદ ઊઠી છે. કોંગ્રેસના ૩૦ જેટલા ઉમેદવારોએ તેમને ફાળવવામાં આવેલાં ફંડના દુરૂપયોગની ફરિયાદથી કોંગ્રેસના ટોચના નેતાઓ પણ ચોંકી ઊઠ્યા છે. આ ઉમેદવારોએ દિલ્હી સુધી નાણાંની લેતી-દેતી અંગે ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો છે.

વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને ચૂંટણી લડવા, પ્રચાર-પ્રસાર માટે કેટલાયે ઉમેદવારોને રૂ. ૨૫થી રૂ. ૩૦ લાખ આપવાનું ઠરાવાયું હતું. સિટીંગ ધારાસભ્યોમાંથી મોટાભાગના ધારાસભ્યોએ પોતાના ખર્ચે ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી. કોંગ્રેસની ટિકિટ પરથી સૌ પ્રથમવાર ચૂંટણી લડી રહેલાં કેટલાક આર્થિક રીતે સદ્ઘર ન હોય તેવા ઉમેદવારોને પાર્ટી તરફથી ફંડ આપવાનો નિર્ણય દિલ્હી સ્તરેથી કરવામાં આવ્યો હતો. આ ફંડમાં કઈ રીતે 'કટકી' કરવામાં આવી હતી, તેનું વર્ણન કરતાં એક ઉમેદવારે જણાવ્યું કે, પાર્ટી દ્વારા જયારે ફંડ આપવામાં આવ્યું ત્યારે તેમની પાસેથી સેલ્ફનો કોરો ચેક લેવામાં આવ્યો હતો. જે તે ઉમેદવારના ટેકેદાર અથવા વિશ્વાસુ દ્વારા આર્થિક વ્યવહાર કરવામાં આવતો હોવાથી જે તે વખતે ઉમેદવારોએ વિશ્વાસ રાખીને કોરો ચેક લખી આપ્યો હતો, ચૂંટણી પૂરી થયા બાદ જયારે આર્થિક હિસાબો તપાસવામાં આવ્યા ત્યારે કેટલાયે ઉમેદવારોની જાણ બહાર આ કોરા ચેકમાંથી પાંચ-પાંચ લાખ રૂપિયાની રોકડ બારોબાર પગ કરી ગઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

આ ઉમેદવારોએ તરત જ આ અંગેની ફરિયાદ કરતાં નેતાઓ ચોંકી ઊઠ્યા હોવાનું કોંગ્રેસના આંતરિક સૂત્રોએ જણાવ્યું છે. કોંગ્રેસના ઉમેદવારોએ પાર્ટી ફંડમાંથી 'કટકી' કરવાની આ નીતિરીતિ સામે ઉચ્ચકક્ષાએ પણ ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

કોંગ્રેસની સ્થાપનાની ઉજવણીમાં કોઈ ફરકયા નહીં

કોંગ્રેસભવન ખાતે ગુરુવારે સવારે પક્ષના ૧૩૩મા સ્થાપના દિનની ઉજવણી કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ સેવાદળની સલામી ઝીલીને ધ્વજવંદન કરીને સ્થાપના દિનની ઉજવણી કરી હતી, આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ ચેતન રાવલ સહિતના ગણ્યાગાંઠ્યા હોદ્દેદારોને બાદ કરતાં કોઈ ફરકયું નહોતું. શહેરમાંથી બે ધારાસભ્યો હાજર રહ્યા હતા, જયારે બે ધારાસભ્યો, વોર્ડ પ્રમુખો, કોર્પોરેટરો સહિતના સંખ્યાબંધ પદાધિકારીઓ ગેરહાજર રહ્યા હતા.

પ્રોફેશનલ્સનો ઉપયોગ પણ ટિકિટમાં અવગણના કરાઈ

વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ધારણા કરતાં ઓછી બેઠક મળવા પાછળના કારણો અંગેની સમીક્ષા બેઠક દિલ્હીમાં આગામી સપ્તાહે યોજાવાની છે, પરંતુ તે પહેલાં પ્રદેશ સ્તરે હાથ ધરવામાં આવેલી સમીક્ષામાં ડોકટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, પ્રોફેસર અને વકીલ જેવા પ્રોફેશનલ્સની ટિકિટ ફાળવણીમાં બાદબાકીથી ભારે નારાજગી ફેલાઈ છે. 

(11:26 am IST)