Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

નારાજ ખેડુતો અને બેકાર યુવાનોએ ભાજપને માર્યો તમાચો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ટાર્ગેટ કેમ સિદ્ધ ન થયો ? શા માટે પ્રજાની નારાજગીનો સામનો કરવો પડયો? મુખ્ય સચિવે આપ્યા કારણોઃ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના ખેડુતો નારાજ છેઃ પાક લોન અને મગફળી-કપાસના પુરતા ભાવ નથી મળ્યાઃ યુવાનોને નોકરી નથી મળતીઃ આ બે મુખ્ય કારણો જવાબદાર છે

નવી દિલ્હી તા.ર૯ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે પરંતુ તેણે ૧પ૦ પ્લસ બેઠકોના નક્કી કરેલા લક્ષ્યાંક જેટલી બેઠકો મળી નથી અને માત્ર ૯૯ બેઠકોથી જ સંતોષ માનવો પડયો છે જયારે કોંગ્રેસને ગયા વખત કરતા વધુ બેઠક મળી છે. આ સંજોગોમાં ટાર્ગેટ કેમ પુરો ન થયો ? એ બાબતને લઇને ચર્ચાઓ ચાલી રહી છે એ દરમિયાન ગુજરાતના ચીફ સેક્રેટરી જે.એન.સિંહે એવો સનસનીખેજ ખુલાસો કર્યો છે કે ખેડુતોની બદત્તર સ્થિતિ અને યુવાનોને નડતી બેકારી આ બે કારણ છે જેને કારણે રાજયમાં ભાજપની વિરૂધ્ધ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કર્યુ હતુ. લોકોએ આવુ કરી ભાજપ વિરૂધ્ધ પોતાનો ગુસ્સો અને નારાજગી વ્યકત કરેલ છે. આવુ સિંહે ગઇકાલે યોજાયેલા એક કાર્યક્રમમાં જણાવ્યુ હતુ.

તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ૧૮ર બેઠકોની ચૂંટણી યોજાઇ હતી જેમાં ભાજપને ૯૯ બેઠક મળી છે જયારે ર૦૧રમાં આ આંકડો ૧૧પ બેઠકનો હતો. વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે પક્ષને ૧૦૦ બેઠક ન મળતા અને પક્ષની વિરૂધ્ધ મત પડવાને લઇને ગુજરાતના સૌથી મોટા ઓફિસરની આ ટિપ્પણી મહત્વની બની જાય છે. તેમણે આ બાબત અપેરલ એક્ષપોર્ટ પ્રમોશન કાઉન્સીલની ૧રમી રીજીયોનલ ઓફિસના ઉદ્દઘાટન સમારોહ દરમિયાન જણાવી હતી.

તેમણે આ દરમિયાન જણાવ્યુ હતુ કે, ચૂંટણી વખતે જે બે ચીજો સામે આવી હતી તેમાં પહેલી ખેડુતોની ખરાબ હાલત. ગુજરાતભરમાં ખેડુતો પરેશાન છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં. તેઓએ ભાજપ વિરૂધ્ધ મત આપી પોતાની નારાજગી અને ગુસ્સો વ્યકત કર્યા છે. આવુ શા માટે થયુ ? કારણ કે લોકોમાં એ પ્રકારની ભાવના હતી કે કેટલીક બાબતો તેમના માટે ફાયદાકારક નથી થઇ અને બીજુ કારણ બેરોજગારી છે. યુવાનોને નોકરી ન મળવી, તેને કારણે તેઓએ પક્ષની વિરૂધ્ધ મત આપ્યા. આજે દરેક જગ્યાએ બેકારી છે.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, મને લાગે છે કે આ એક પહેલ છે. અહી આવતી એઇપીસી ગાર્મેન્ટ સેકટરને વેગ આપશે. ગાર્મેન્ટ સેકટરમાં એક વખત મોટાપાયે ઉતરવાથી તે મોટી સંખ્યામાં રોજગારી આપશે. આશા છે કે ગુજરાત આવતા દિવસોમાં ગાર્મેન્ટના હિસાબથી મોટુ હબ બનશે. ગુજરાતભરમાં બેરોજગારીને લઇને કામ થવુ જોઇએ.

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ૯૯ તો કોંગ્રેસને ૭૭ બેઠકો મળી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભાજપને પછડાટ મળી છે. અહીથી ૪૮માંથી ૧૯ બેઠકો જ મળી છે જયારે કોંગ્રેસને ર૮ બેઠકો જ પ્રાપ્ત થઇ છે.

ભાજપને ગ્રામીણ ક્ષેત્રમાં સૌથી મોટો ગેરકાયદો થયો છે. ખેડુતોને પાક લોન અને કપાસ તથા મગફળીના નીચા ભાવ મળતા તેઓ નારાજ થયા હતા જેની અસર મતદાન ઉપર જોવા મળી હતી.

(9:40 am IST)