Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

મુંબઇમાં અગ્નિતાંડવઃ ૧૪ના મોતઃ મોટાભાગના ગુજરાતી

ગઇકાલે મોડી રાત્રે કમલા મિલ કમ્પાઉન્ડમાં ભીષણ આગ લાગીઃ ૧૬ને ઇજાઃ મૃતકોમાં ૧૨ મહિલા અને ૩ પુરૂષોઃ આગના કારણે મોજોસ પબ બળીને ખાખ

મુંબઇ તા. ૨૯ : મુંબઈના અતિ પોશ એવા કમલા મિલ કમ્પાઉન્ડમાં આવેલા મોજોસ પબનાં ટોપ ફલોર પર ગુરુવારે રાત્રે લાગેલી ભીષણ આગમાં ૧૪ લોકોનાં મોત થયાં છે, જયારે અનેક લોકો ઘાયલ થયાં છે. મૃતકોમાં ૧૨ મહિલા અને ૩ પુરુષનો સમાવેશ થાય છે. ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ પહેલા કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલે ૧૪ લોકોના મોતની પુષ્ટિ કરી હતી. આગના કારણે મોજોસ પબનું ટેરેસ બળીને ખાક થઈ ગયું છે.

આગ લાગવાના કારણની હાલ કોઈ જાણકારી મળી શકી નથી. આગ પર હાલ કાબૂ મેળવાઈ ગયો છે, અને કુલિંગનું કામ ચાલી રહ્યું છે. ઘટનાની જાણકારી મળતા જ ફાયર બ્રિગેડની ૯ ગાડીઓને ઘટના સ્થળે દોડાવાઈ હતી. KEM હોસ્પિટલમાં ઘાયલ અવસ્થામાં ૨૧ લોકોને લવાયા હતા, જયારે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ૧૦થી ૧૫ ઘાયલોને લવાયા હોવાની જાણકારી છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જયારે કેટલાકને શ્વાસ લેવામાં પરેશાની થઈ રહી છે.

બીએમસીના કમિશનર અજય મહેતા અને એડિશનલ કમિશનર આઈ.કે. કુંદન પણ મોડી રાત્રે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડના ડેપ્યુટી ચીફ કે.વી. હિવરાલેએ જણાવ્યું હતું કે, આ ઘટનાની વિગતે તપાસ કરાવવામાં આવશે. બીએમસીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ યુનિટના જણાવ્યા અનુસાર, ઘટના સ્થળે ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ, ૩ ક્રેન અને પાંચ ટેન્કર તરત જ મોકલવામાં આવ્યા હતા.

આ પબની આસપાસ બહુમાળી ઈમારતો આવેલી છે, જેમાં મોટી સંખ્યામાં ઓફિસો છે અને હજારોની સંખ્યામાં લોકો કામ કરે છે. આગ લાગતા જ લોકો બહારની તરફ ભાગ્યા હતા. રાત્રે સાડા બાર વાગ્યે આગ લાગ્યાની માહિતી ફાયર બ્રિગેડને મળી હતી. આગ એટલી ભીષણ હતી કે છત પર પહોંચવા ફાયર બ્રિગેડને સ્પેશિયલ સીડીનો ઉપયોગ કરવો પડ્યો હતો.

કમલા મિલ કમ્પાઉન્ડમાં આવેલું મોજોસ પબ મુંબઈના યંગસ્ટર્સમાં ખૂબ જ લોકપ્રિય છે. બીજા માળે આવેલી ખુલી છતને થોડા દિવસ પહેલા જ કવર કરવામાં આવી હતી. કામકાજ પૂર્ણ થયા બાદ નકામું લાકડું પણ અહીં જ પડ્યું હતું, અને સંભવતઃ આગ તેના કારણે જ વધુ ભડકી હોઈ શકે છે. શુક્રવારે અને શનિવારે તો આ પબમાં એન્ટ્રી માટે લાંબી લાઈન લાગે છે.

મૃતકોની યાદી

તેજલ ગાંધી (ઉ.૩૬), ખુશ્બુ બંશલ (ઉ.૩૦), વિશ્વ લાલાની (ઉ.૨૩), પારૂલ (ઉ.૪૯), ધાર્યા લાલાની (ઉ.૨૬), કિંજલ (ઉ.૨૧), કવિતા (ઉ.૩૬), શેફાલી, યેશા ઠક્કર (ઉ.૨૨), સબરજીત, પ્રાચી (ઉ.૩૦), મનીષા (ઉ.૪૭), પ્રીતી (ઉ.૪૧)નો સમાવેશ થાય છે.

(9:21 am IST)