Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

દેશની સૌ પ્રથમ બિટકોઇન ટ્રેડિંગ એપ લોન્ચ

મોબાઇલ આધારિત એપ છે 'પ્લૂટો એકસચેન્જ': બેંકની જટિલતામાંથી અપાવશે છૂટકારો?: છેતરામણી ન થાય તેની લેવાશે કાળજીઃ બિટકોઇનના રોકાણકારોને ઘી-કેળા

નવી દિલ્હી તા. ૨૯ : દેશની સૌપ્રથમ બિટકોઈન ટ્રેડિંગ એપ શરૂ કરી છે. મોબાઈલ આધારિત એપ્લિકેશન 'પ્લૂટો એકસચેન્જ' ગુરુવારે લોન્ચ થઈ. હવે બિટકોઈન જેવી ક્રિપ્ટો કરન્સી (વર્ચુઅલ કરન્સી)ની લેવડ-દેવડ એપ દ્વારા કરી શકાય છે. આ તમામ લેવડ-દેવડ માત્ર મોબાઈલ નંબરના ઉપયોગથી કરી શકાશે. માત્ર ૪ ડિજિટના પિનનો ઉપયોગ કરી યૂઝર બિટકોઈનની ખરીદી, વેચાણ, સ્ટોર અને તેને ખર્ચ કરી શકશે.

પ્લૂટો એકસચેન્જના મુખ્ય કાર્યકારી અધિકારી ભરત વર્માએ કહ્યું કે, 'પ્લૂટો એકસચેન્જનો નારો છે અનબેંક ધ બેંકડ બેંક' એટલે કે, બેંકના કામની જટિલતામાંથી લોકોને મુકત કરો. બજારમાં પહેલેથી જ ઉપલબ્ધ બીજી બધી એપ બિટકોઈનની લેવડ-દેવડ માટે બિટકોઈનના એડ્રેસનો ઉપયોગ કરે છે. પ્લૂટો એકસચેન્જ આ સંપૂર્ણ પ્લેટફોર્મને બદલી નાંખશે અને આ તમામ જટિલતાઓને એક જ ઝાટકે ખતમ કરી દેશે.'

પ્લૂટો એકસચેન્જ એક ઓપન પેમેન્ટ પ્લેટફોર્મ અને ડિસેન્ટ્રલાઈઝડ એકસચેન્જ છે, જે તમામ ક્રિપ્ટો એકસચેન્જ પર ઈશ્યુ કરી શકાય છે. કંપનીનો દાવો છે કે, આ પહેલું એપ આધારિત વોલેટ છે, જે મોબાઈલ નંબરના ઉપયોગથી બિટકોઈનની લેવડ-દેવડ કરી શકે છે. તેમણે કહ્યું કે, પ્લૂટો એકસચેન્જ પેમેન્ટ પ્રોસેસ, ફાયનાન્શિયલ વે અને ફાયનાન્શિયલ ઈન્સ્ટિટ્યૂટ્સ વચ્ચેના સમન્વયની સમસ્યાનું સમાધાન કરે છે. આ પેમેન્ટ્સ રેમિટેન્સ, પેરોલ ડિપોઝિટ, બીબી કોમર્સ, સપ્લાઈ ચેન ફાઈનાન્સ, લોયલ્ટી પ્રોગ્રામ્સ, અસેટ મેનેજમેન્ટ અને બિઝનેસ સહિત અન્ય માગમાં રહેલી સર્વિસ સહિત નાણાંકીય કારોબારોમાં સક્ષમ બનાવે છે.

ભરત વર્માએ જણાવ્યું કે, 'રોકાણ કરવું યુવાનોનું એક સપનું હોય છે. દરેક વ્યકિત સુરક્ષા અને ચોકસાઈ સાથે વ્યાપાર કરવા માગે છે પણ બજાર ઠગોથી ભરેલું છે. છેતરપિંડી સાથે સંબંધિત તમામ ઘટનાઓને ધ્યાનમાં રાખી અમારી કંપનીએ એક નવી પહેલ કરી છે જે સુરક્ષા વધારશે અને રોકાણમાં છેતરપીંડિની ઘટનાઓમાં ઘટાડો કરશે. આ એપ દરેક વ્યકિતને તમામ પ્રકારની લેવડ-દેવડમાં માત્ર મોબાઈલ નંબરના ઉપયોગ દ્વારા જ સરળતાથી સક્ષમ બનાવશે.'

બિટકોઈનની ન્યૂ યોર્ક વેલ્યૂ ૨૦૧૬માં આશરે ૧૬૦૦ ટકા વધી છે અને હાલમાં તેની કિંમત આશરે ૧૫૦૦૦ ડોલર છે. ભારતમાં એક બિટકોઈનની કિંમત આશરે ૧૦ લાખ રૂપિયા છે અને તેને ખરીદવા માટે લોકો ૩૦૦૦ હજારથી માંડી લાખોનું રોકાણ કરી રહ્યાં છે. પ્લૂટો એકસચેન્જની સ્થાપના ભરત વર્મા દ્વારા ૨૦૧૭માં કરવામાં આવી. આની મુખ્ય ઓફિસ દુબઈમાં છે અને IT ડિપાર્ટમેન્ટ દિલ્હીમાં છે.(૨૧.૬)

(9:16 am IST)