Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

ઈસ્લામ શાંતિનો ધર્મ છે જે કહે છે કે એક વ્યક્તિની હત્યા સમગ્ર માનવતાની હત્યા સમાન :અજીત ડોભાલે સમજાવ્યો સાચો અર્થ

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કહ્યું કે જેહાદ-એ-અફઝલ (સૌથી મોટી જેહાદ) નફ્સ (પોતાના વલણ-વિચારો પર કંટ્રોલ) વિરુદ્ધ છે.

નવી દિલ્હી : દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ઈસ્લામ વિશે કહ્યું કે તે શાંતિનો ધર્મ છે. ઈસ્લામિક કલ્ચરલ સેન્ટરમાં ઈન્ડોનેશિયા અને ભારતીય ઉલેમા વચ્ચેની ખાસ બેઠક દરમિયાન અજીત ડોભાલે ઈસ્લામ વિશે કહ્યું છે કે ઈસ્લામ શાંતિનો ધર્મ છે જે કહે છે કે એક વ્યક્તિની હત્યા સમગ્ર માનવતાની હત્યા સમાન છે.

આ દરમિયાન તેમણે જેહાદ વિશે પણ ઘણી વાતો કરી હતી. ડોભાલે કહ્યું કે જેહાદ-એ-અફઝલ (સૌથી મોટી જેહાદ) નફ્સ (પોતાના વલણ-વિચારો પર કંટ્રોલ) વિરુદ્ધ છે.

અજીત ડોભાલે કહ્યું કે આ ચર્ચાની થીમ ભારતીય અને ઈન્ડોનેશિયાના ઉલેમા અને વિદ્વાનોને સાથે લાવવાનો છે જેથી તેઓ સહિષ્ણુતા, સમૃદ્ધિ અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વમાં વધારો કરી શકે. આ હિંસક ઉગ્રવાદ, આતંકવાદ અને કટ્ટરવાદ સામેની લડાઈને મજબૂત બનાવશે

તેમણે કહ્યું, “ઉગ્રવાદ, ધર્માંધતા અથવા ધર્મનો દુરુપયોગ કોઈપણ કારણસર ન્યાયી ઠેરવી શકાય નહીં. તે કોઈપણ ધર્મની છબીને કલંકિત કરવું છે, જેની સામે આપણે બધાએ અવાજ ઉઠાવવાની જરૂર છે. ઉગ્રવાદ અને આતંકવાદ ઈસ્લામના સાચા માપદંડોથી વિપરીત છે, કેમ કે ઈસ્લામનો સાચો અર્થ શાંતિ, સલામી છે. આ નકારાત્મક શક્તિઓ વિરૂદ્ધ કોઈપણ રીતનો અવાજ ઉઠે તો તેને ધર્મ વિશેષના વિરોધના રૂપમાં રજૂ કરવો જોઈએ નહીં.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, અજીત ડોભાલે કહ્યું, “આપણે ધર્મોના વાસ્તવિક સંદેશ પર ધ્યાન આપવું જોઈએ, જે માનવતા, શાંતિ, સમજણ જેવા સિદ્ધાંતો પર ચાલે છે. પવિત્ર કુરાન પણ શીખવે છે કે એક વ્યક્તિની હત્યા સમગ્ર માનવતાની હત્યા સમાન છે.” એક વ્યક્તિનો જીવ બચાવવો એ સમગ્ર માનવતાને બચાવવા સમાન છે.”

(9:28 pm IST)