Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

પ્રયાગરાજથી લખનૌ જતી ટ્રેનનું એન્જિન-બે ડબ્બા છૂટા પડી ગયા

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના રામચૌરાની ઘટના : ટ્રેન બે ભાગમાં અચાનક વહેંચાઈ જતા ગંગા ગોમતી એક્સપ્રેસમાં અફરાતફરી મચી ગઈ, કોઈ ડબ્બો દુર્ઘટનાગ્રસ્ત થયો નથી

લખનૌ, તા.૨૯ : પ્રયાગરાજમાં મંગળવારે સવારે મોટી દુર્ઘટના ટળી. ગંગા ગોમતી એક્સપ્રેસ ઘટનાનો ભોગ બનતા બનતા રહી ગઈ. ઘટના ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના રામચૌરાની છે. પ્રયાગરાજથી લખનૌ જઈ રહેલી આ ટ્રેનનું એન્જીન અન્ય ડબ્બાથી અલગ થઈ ગયા. રાહતની વાત એછે કે ઘટનામાં ટ્રેનનો કોઈ ડબ્બો દુર્ઘટનાગ્રસ્ત થયો નથી અને કોઈ મુસાફરને ઈજા પહોંચી નથી.

પ્રયાગરાજથી લખનૌ જતી ગંગા ગોમતી એક્સપ્રેસમાં તે સમયે અફરાતફરી મચી ગઈ જ્યારે ટ્રેન બે ભાગમાં અચાનક વહેંચાઈ ગઈ. એન્જિન અને બે ડબ્બા આગળ નીકળી ગયા જ્યારે અન્ય ડબ્બા પાછળ જ છૂટી ગયા. લગભગ દોઢ કલાક સુધી ટ્રેન વચ્ચે રસ્તામાં ઊભી રહી. કપલિંગ તૂટી જવાના કારણે આમ બન્યુ હોવાનું જણાવાઈ રહ્યુ છે. જોકે ઘટનામાં ટ્રેનના કોઈ મુસાફરને ઈજા પહોંચી નથી અને દુર્ઘટના ટળી જવાના કારણે રેલવે તંત્ર અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે. રેલવેએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. દોઢ કલાક બાદ ટ્રેનને લખનૌ માટે રવાના કરી દેવાઈ.

(7:18 pm IST)