Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

રાજકીય પાર્ટીઓને કોર્પોરેટ દાનદાતાઓ દ્વારા મળતુ કરોડોનું દાનઃ ભાજપને 163.54 કરોડ અને કોંગ્રેસને 10.46 કરોડ મળ્‍યા

દેશભરની પાર્ટીઓને કુલ મળીને 16 હજાર કરોડથી વધુ માતબર રકમ મળીઃ 80 ટકા ડોનેશન આઠ પાર્ટીઓને મળ્‍યા

નવી દિલ્‍હીઃ દેશની રાજકીય પાર્ટીઓને કોર્પોરેટ દાનદાતાઓ દ્વારા 2017થી 2021 વચ્‍ચે કરોડો રૂપિયા મળ્‍યા છે. જેમાં ભાજપને માત્ર ગુજરાતમાંથી 2017થી 2021 દરમિયાન સૌથી ફંડ મળ્‍યુ છે. આ ફંડ કોંગ્રેસથી 16 ગણુ વધારે છે. ભાજપને 163.54 કરોડ જ્‍યારે કોંગ્રેસને 10.46 કરોડ મળ્‍યા છે.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR ) એ રવિવારે એક રિપોર્ટમાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટી 2017 અને 2021 વચ્ચે ગુજરાતમાંથી કોર્પોરેટ ફંડ મેળવનાર પાર્ટી રહી છે. આ ફંડ કોંગ્રેસથી 16 ગણું વધારે છે. રિપોર્ટ અનુસાર ચાર રાજકીય પાર્ટી- ભાજપ, કોંગ્રેસ, આપ અને એસકેએમને નાણાકીય વર્ષ 2016-2017 અને 2020-2021 વચ્ચે ગુજરાતના 1571 દાનદાતાઓ પાસેથી 174.06 કરોડ રૂપિયાનું કોર્પોરેટ ફંડ પ્રાપ્ત થયું છે. 

આ પાંચ વર્ષના સમયગાળા દરમિયાન 1519 દાનદાતાઓ પાસેથી 163.54 કરોડ રૂપિયાની રકમના કોર્પોરેટ ફંડ ભાજપને મળ્યું હતું. તો કોંગ્રેસને આ દરમિયાન માત્ર 10.46 કરોડ રૂપિયા મળ્યા છે. દાનના રૂપમાં રાજકીય પાર્ટીઓને 343 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ પ્રાપ્ત થયા છે, તો 174 કરોડનું કોર્પોરેટ દાન છે. પાર્ટી નાણાકીય વર્ષ 2018-2019માં કોર્પોરેટ ફંડની સૌથી મોટી પ્રાપ્તકર્તા પણ હતી, જેની કિંમત 46.22 કરોડ રૂપિયા હતી, જે કોંગ્રેસના 2.61 કરોડથી લગભગ 18 ગણું વધુ હતું. 

ગુજરાતની રાજનીતિમાં પ્રવેશ કરનારી નવી આમ આદમી પાર્ટીને પાંચ વર્ષના સમયગાળા દરમિયાન કોર્પોરેટ દાનમાં કુલ 3.2 લાખ રૂપિયા મળ્યા છે. 2017-2020 વચ્ચે આપને કોઈ દાન મળ્યું નથી. પાંચ વર્ષના સમયગાળામાં રાજકીય દળો દ્વારા પ્રાપ્ત કુલ 4,014.58 કરોડ રૂપિયાના કોર્પોરેટ ફંડમાંથી 4.34 કે 174.06 કરોડ રૂપિયા ગુજરાતથી આવ્યા છે. 

દેશભરની રાજકીય પાર્ટીઓની વાત કરીએ તો દરેક પાર્ટીને કુલ મળીને 16 હજાર કરોડથી વધુનું દાન મળ્યું છે. જેમાંથી 80 ટકા ડોનેશન એટલે કે 12842 કરોડ રૂપિયા માત્ર આઠ રાજકીય પક્ષોને મળ્યા છે, જ્યારે પ્રાદેશિક પાર્ટીઓને ત્રણ હજાર કરોડથી વધુનું દાન મળ્યું છે. 

તમને જણાવી દઈએ કે ADR રિપોક્ટમાં તે પણ કહેવામાં આવ્યું હતું કે, ભાજપ જે પ્રથમ તબક્કાની તમામ 89 સીટો પર ચૂંટણી લડી રહી છે. તેના 79 ઉમેદવાર કે 89 ટકા ઉમેદવારોની સંપત્તિ એક કરોડ રૂપિયાથી વધુ છે. 

(5:32 pm IST)