Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

અનેક બેઠકો ઉપર હાઇ વોલ્‍ટેજ જંગ : સૌની નજર કેન્‍દ્રીત

ત્રણેય પક્ષમાંથી કોઇ મહત્‍વના નેતા, કોઇ પાટલી બદલુ, કોઇ વિવાદાસ્‍પદ તો કોઇ સેલિબ્રિટી ઉમેદવાર : અલ્‍પેશ ઠાકોર - હાર્દિક પટેલ - જિજ્ઞેષ મેવાણી માટે જીતવું અનિવાર્ય : કેટલાક નહિ જીતે તો રાજકીય કારકિર્દી ઉપર પૂર્ણવિરામ

નવી દિલ્‍હી તા. ૨૯ : રાજયની કુલ ૧૮૨ બેઠકોમાંથી કેટલાક ઉમેદવારો ચૂંટણી જંગ લડી રહ્યા છે તેની ઉપર સમગ્ર ગુજરાતની નજર રહેશે. આ ઉમેદવારો કોઇને કોઇ કારણસર ચર્ચામાં રહ્યા છે. તેમાં કોઇ પક્ષના મહત્ત્વના નેતા છે, કોઇ પાટલીબદલુ ઉમેદવાર છે, કોઇ સેલેબ્રિટી છે તો કોઇ વિવાદાસ્‍પદ ઉમેદવાર પણ છે. કેટલાક ઉમેદવાર છેલ્લી ઘડીએ ત્રાટકેલા સ્‍કાયલેબ જેવા પણ છે. તો કેટલીક બેઠકો વ્‍યૂહાત્‍મક કારણસર પણ ચર્ચામાં છે તેનું પરિણામ શું આવે છે તેની ઉપર રાજકીય પક્ષો જ નહીં પણ જાગૃત મતદારોની પણ નજર છે. આ બેઠકો ઉપર હાલ પણ જે રીતે પ્રચાર ચાલી રહ્યો છે તે હાઇ વોલ્‍ટેજ ડ્રામા જેવો છે.

મત ગણતરીના દિવસે તમામ બેઠકોનું પરિણામ જાહેર થતું હોય છે પરંતુ કેટલીક બેઠકો કે તેની પરના ઉમેદવાર એવા હોય છે જેની પૃચ્‍છા ખાસ થતી હોય છે. તેવા નેતાઓમાં ભાજપના થરાદ બેઠક પરના ઉમેદવાર શંકર ચૌધરી છે. જેઓ ગત ચૂંટણીમાં હારી ગયા બાદ આ વખતે પુરજોશમાં તૈયારી સાથે ફરીથી મેદાનમાં છે. જો તેઓ જીતે તો મંત્રી મંડળમાં સ્‍થાન મળશે તેવી ખાતરી પણ તેમને મળી ગઇ છે તેના કારણે હવે બેઠક હોટ સીટ જેવી બની છે. આરોગ્‍ય મંત્રી રહી ચૂકેલા વિસનગરની બેઠક પરના ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલ ગત ચૂંટણીમાં ફક્‍ત ૨૮૬૯ મતની ઓછી સરસાઇથી જીતેલા છે અને આ વખતે તેમની સામે વધુ પડકારો છે તે જોતા તેમની બેઠકનું પરિણામ પણ મહત્ત્વનું બન્‍યું છે.

ખેડબ્રહ્મા બેઠકના ભાજપના ઉમેદવાર અશ્વિન કોટવાલ કોંગ્રેસમાંથી પાટલી બદલીને આવેલા છે. તો કોંગ્રેસના તુષાર ચૌધરી મૂળ દક્ષિણ ગુજરાતના છે તેથી આ બેઠક ઉપરથી આદિવાસી મતદારો કોને જીતાડે છે તેની ઉપર નજર રહેશે. પ્રાંતિજના ગજેન્‍દ્રસિંહ ચૌહાણ મંત્રી બન્‍યા પણ તે કાર્યકાળ દરમિયાન એક મહિલા દ્વારા કરાયેલા આક્ષેપોના કારણે ખરડાયેલું વ્‍યક્‍તિત્ત્વ બન્‍યા છે. પ્રાંતિજના મતદારો ફરીથી તેમને જીતશે કે નહીં તે જોવાનું રહેશે. ગાંધીનગરમાંથી અગાઉ જીતેલા કોંગ્રેસના સી.જે. ચાવડા આ વખતે વિજાપુર બેઠક પરથી મેદાનમાં છે.

સામાજિક આંદોલનમાંથી નેતા બનેલા ત્રણે નેતાની બેઠકો પરના પરિણામ ઉપર બધાની નજર રહેશે. વિરમગામમાંથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ પણ પાટલીબદલુ છે. શરૂઆતના સ્‍થાનિક વિરોધ બાદ આ જીત તેમનું રાજકીય ભાવિ નક્કી કરશે. ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ભાજપના અલ્‍પેશ ઠાકોર પણ પાટલી બદલુ છે અને હવે બેઠક પણ બદલી છે. ૨૦૧૯માં રાધનપુરમાંથી હારેલા અલ્‍પેશ માટે હવે આ લગભગ છેલ્લી તક છે. જો નહીં જીતે તો તેમની રાજકીય કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકાઇ શકે છે. અપક્ષ તરીકે જીત્‍યા બાદ આ વખતે કોંગ્રેસમાંથી ઉમેદવાર બનેલા પક્ષના કાર્યકારી અધ્‍યક્ષ જીજ્ઞેશ મેવાણી કોંગ્રેસ માટે રાષ્ટ્રીય કક્ષાએ અનુસૂચિત જાતિના આશાસ્‍પદ નેતા છે. ભાજપે તેમને હરાવવા મણિભાઇ વાઘેલાને મેદાનમાં ઉતાર્યા છે તો એઆઇએમઆઇએમ અને આપના હરીફ ઉમેદવારો પણ મેવાણીની વોટ બેન્‍કમાં ભાગલા પડાવી શકે છે.

અમદાવાદની બે બેઠકો દરિયાપુર અને જમાલપુર-ખાડિયા જેની ઉપરથી કોંગ્રેસના ઉમેદવારો જીતેલા છે તેની ઉપર આ વખતે ચિત્ર બદલાશે તેવી ભાજપને આશા છે તેથી બન્ને બેઠકોના પરિણામ પણ મહત્ત્વના રહેશે. બાયડ બેઠક પરથી કોંગ્રેસના જશુભાઇ પટેલ જીતેલા હતા પરંતુ છેલ્લી ઘડીએ કોંગ્રેસમાં જોડાયેલા મહેન્‍દ્રસિંહ શંકરસિંહ વાઘેલાને આ બેઠક પરથી ઉમેદવાર બનાવી દેવાયા છે. મોરબીમાં ઝુલતા પુલની કરૂણ દુર્ઘટના બાદ અસરગ્રસ્‍તોને બચાવવા પાણીમાં કૂદેલા કાંતિ અમૃતિયા ફરી એક વખત ભાજપના ઉમેદવાર તરીકે છે. આ બેઠક ઉપરથી બ્રિજેશ મેરજા પણ જીતીને મંત્રી બન્‍યા હતા. રિવાબા

જાડેજા ભાજપના ઉમેદવાર બની ચૂંટણી મેદાનમાં છે. સ્‍ટાર ક્રિકેટર રવીન્‍દ્ર જાડેજાના પત્‍ની હોવાથી આપોઆપ સેલેબ્રિટી સ્‍ટેટસ લાગ્‍યું છે ત્‍યારે ભાજપને આ પ્રયોગ કેટલો ફળશે તે જોવાનું રહેશે.

કોંગ્રેસના પીઢ નેતા અને અગાઉ હારી ગયેલા અર્જુન મોઢવાડિયા વધુ એક વખત પોરબંદરથી મેદાનમાં છે. ભાજપે આ બેઠક ગૂમાવવી ના પડે તે માટે સક્ષમ ગણાતા બાબુ બોખીરિયાને જ ફરી મેદાનમાં ઉતાર્યા છે. ઇન્‍દ્રનીલ રાજયગુરુ કોંગ્રેસ છોડીને આપમાં અને ફરીથી કોંગ્રેસમાં જોડાઇને ઉમેદવાર તરીકે મેદાનમાં છે. ડબલ પક્ષપલટુને મતદારો જાકારો આપશે કે સ્‍વીકારશે તેની પર પરિણામના દિવસે નજર રહેશે. હર્ષદ રિબડિયા કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા પક્ષ પલટુ છે. તેમને હરાવવા કોંગ્રેસના ભારે પ્રયાસ છે તેની વચ્‍ચે કેસરિયા ફળશે કે નહીં તે સવાલ છે. ભાજપના સાવરકુંડલાના ઉમેદવાર મહેશ કસવાલાનો મુકાબલો કોંગ્રેસના યુવા નેતા પ્રતાપ દૂધાત સામે છે. કસવાલા સંગઠનના માણસ છે તેથી સંગઠન તેમને જીતાડવા કામે લાગ્‍યું છે ત્‍યારે પક્ષ અને ઉમેદવાર બન્નેની કસોટી છે. કોંગ્રેસના અજેય ગણાતા નેતા મોહનસિંહ રાઠવા ૧૧ વખત ધારાસભ્‍ય બન્‍યા બાદ તેમના પુત્રને કોંગ્રેસે ટિકિટ ન આપતા ભાજપમાં જોડાયા હતા. તેમના પુત્ર ઉમેદવાર છે ત્‍યારે આ બેઠક પરનો જંગ પણ હાઇ વોલ્‍ટેજ સમાન રહેશે તે નક્કી છે.

આપના ત્રણ મુખ્‍ય નેતાઓ ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને અલ્‍પેશ કથીરિયા પક્ષનું ધારાસભ્‍ય તરીકે ગુજરાતમાં ખાતુ ખોલાવશે તેવી પક્ષને આશા છે. જો કે તેમનો ચૂંટણી જંગ પડકાર સમાન છે. હાલ સુરતની ઇટાલિયા અને કથીરિયાની બેઠકો ઉપર જે રીતે પ્રચારનો ગરમાગરમ માહોલ છે તે જોતા મતદારોની નજર તેમના પરિણામ ઉપર પણ રહેશે.

(12:00 pm IST)