Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

યુક્રેનમાં વીજ સંકટ : હિમવર્ષા વચ્‍ચે લોકો અંધારામાં રહેવા મજબુર

ટોર્ચની રોશનીથી થઇ રહ્યા છે ઓપરેશન : એક્‍સરે મશીન નથી કરી રહ્યા કામ

કીવ તા. ૨૯ : યુક્રેન હાલમાં વીજળી સંકટનો સામનો કરી રહ્યું છે. હિમવર્ષા વચ્‍ચે લોકો અંધારામાં જીવવા મજબૂર છે. જેના કારણે તબીબી સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે. સર્જનોને ટોર્ચલાઇટ હેઠળ ઓપરેશન કરવાની ફરજ પડી છે. યુક્રેનના અનેક શહેરોમાં રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્‍સકી વિરૂદ્ધ પ્રદર્શન થઈ રહ્યા છે. પ્રથમ વખત લોકોમાં માંઝેલેન્‍સ્‍કી સામે રોષ જોવા મળી રહ્યો છે.

ડો. ઓલેહ ડુડા લ્‍વીવની એક હોસ્‍પિટલમાં દર્દી પર સર્જરી કરી રહ્યા હતા. આ દરમિયાન જોરદાર વિસ્‍ફોટ થયો અને વીજળી ગઈ. આ દરમિયાન તેણે હેડલેમ્‍પના પ્રકાશમાં દર્દીની સર્જરી કરી. બાદમાં તેણે જણાવ્‍યું કે આ દરમિયાન દર્દીનો જીવ પણ જઈ શકે છે. દર્દીનું મુખ્‍ય ધમનીનું ઓપરેશન ૧૫ નવેમ્‍બરે કરવામાં આવ્‍યું હતું. દરમિયાન, પમિ યુક્રેનના શહેરમાં અંધારપટ છવાઈ ગયો.

દેશની ૫૦ ટકા વસ્‍તી વીજળી સંકટનો સામનો કરી રહી છે. તમામ સુનિશ્ચિત કામગીરી મોકૂફ રાખવામાં આવી છે. ઈન્‍ટરનેટ બંધ હોવાને કારણે દર્દીના રેકોર્ડ ઉપલબ્‍ધ નથી અને પેરામેડિક્‍સને અંધારિયા એપાર્ટમેન્‍ટમાં દર્દીઓની તપાસ કરવા માટે ફલેશલાઈટનો ઉપયોગ કરવો પડે છે.

વિશ્વ આરોગ્‍ય સંસ્‍થાએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે યુક્રેનની આરોગ્‍ય પ્રણાલી ઊર્જા સંકટ, ઠંડા હવામાનની શરૂઆત અને અન્‍ય પડકારો વચ્‍ચે ‘યુદ્ધમાં તેના સૌથી કાળા દિવસો'નો સામનો કરી રહી છે. ‘આ શિયાળો યુક્રેનમાં લાખો લોકો માટે જીવલેણ બની રહેશે,' ડબ્‍લ્‍યુએચઓના યુરોપ માટેના પ્રાદેશિક નિર્દેશક ડો. હંસ ક્‍લુગેએ એક નિવેદનમાં જણાવ્‍યું હતું. તેમણે આગાહી કરી હતી કે ૨૦-૩૦ મિલિયન લોકો હૂંફ અને સલામતીની શોધમાં તેમના ઘર છોડી શકે છે. તેઓ કોવિડ-૧૯, ન્‍યુમોનિયા અને ઈન્‍ફલ્‍યુએન્‍ઝા જેવી શ્વસનની બીમારીનો પણ સામનો કરી શકે છે.

ગયા અઠવાડિયે, કિવની હાર્ટ ઇન્‍સ્‍ટિટ્‍યૂટે તેના ફેસબુક પેજ પર બાળકના હૃદય પર સર્જનોના ઓપરેશનનો વીડિયો પોસ્‍ટ કર્યો હતો. જેમાં તે હેડલેમ્‍પ અને બેટરી ઓપરેટેડ ટોર્ચના પ્રકાશમાં કામ કરતો જોવા મળ્‍યો હતો.

(11:36 am IST)