Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

‘ધ કાશ્‍મીર ફાઇલ્‍સ' ફિલ્‍મને વલ્‍ગર - પ્રોપેગેન્‍ડા ગણાવતા વિવાદ

IFFIના જયુરી હેડના બફાટ બાદ ભારે હોબાળો : ફિલ્‍મકારની ભુલ બદલ ઇઝરાયલે ભારતની માફી માંગી : જયુરી હેડને તતડાવ્‍યો : ઇઝરાયલી ફિલ્‍મ મેકર ઉપર માછલા ધોવાયા : અનુપર ખેરે આડે હાથ લીધાઃ કાશ્‍મીરીઓનું અપમાન ગણાવ્‍યું

નવી દિલ્‍હી, તા.૨૯: વર્ષ ૨૦૨૨ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્‍મોમાં સામેલ ધ કાશ્‍મીર ફાઈલ ફરી ચર્ચામાં છે. ઈન્‍ટરનેશનલ ફિલ્‍મ ફેસ્‍ટિવલ ઓફ ઈન્‍ડિયા (IFFI) ના જ્‍યૂરી હેડ નદવ લેપિડ (Nadav Lapid)ના એક નિવેદનના કારણે નવો વિવાદ ઊભો થયો છે. તેમણે ગોવામાં આયોજિત ૫૩માં ફિલ્‍મ ફેસ્‍ટિવલ સમારોહમાં આ નિવેદન આપ્‍યું. ઈઝરાયેલી ફિલ્‍મ મેકર નદવ લેપિડે ધ કાશ્‍મીર ફાઈલ્‍સ'ને વલ્‍ગર પ્રોપગેન્‍ડા' ગણાવી છે. ફિલ્‍મ સ્‍ટાર અનુપમ ખેરે આ નિવેદનને લઈને જ્‍યૂરી પ્રમુખ લેપિડ પર નિશાન સાધ્‍યું. બીજી બાજુ ફિલ્‍મ મેકર અશોક પંડિતે તેને કાશ્‍મીરીઓનું અપમાન ગણાવ્‍યું. તેમણે નદવ લેપિડને IFFIના જ્‍યૂરી હેડ બનાવવા બદલ સૂચના અને પ્રસારણ મંત્રાલય ઉપર પણ નિશાન સાધ્‍યું.

શું કહ્યું IFFI જ્‍યૂરી હેડે?: ગોવાના પણજીમાં થઈ રહેલા IFFI ઈવેન્‍ટમાં ઈઝરાયેલી ફિલ્‍મમેકરે ફિલ્‍મ ધ કાશ્‍મીર ફાઈલ્‍સની ટીકા કરતા કહ્યું કે અમે બધા પરેશાન છીએ કે આવી ફિલ્‍મને આ સમારોહમાં દેખાડવામાં આવી. આ ફિલ્‍મ ખુબ જ વલ્‍ગર છે. ધ કાશ્‍મીર ફાઈલ્‍સ આટલા મોટા પ્રતિષ્ઠિત ફિલ્‍મ સમારોહ માટે યોગ્‍ય નથી. હું મારી ફિલિંગ્‍સને મંચ પર ખુલ્લી રીતે શેર કરવામાં સંપૂર્ણ રીતે કમ્‍ફર્ટેબલ છું. આ એક જરૂરી ચર્ચા છે, જે ખચકાટ વગર થવી જોઈએ. આ કલા અને જીવન માટે જરૂરી છે.

ઈઝરાયેલના ફિલ્‍મ નિર્માતા અને ઈન્‍ટરનેશનલ ફિલ્‍મ ફેસ્‍ટિવલ ઓફ ઈન્‍ડિયા (IFFI)ના જ્‍યુરીના વડા નાદવ લેપિડે ધ કાશ્‍મીર ફાઇલ્‍સને અશ્‍લીલ અને પ્રોપેગન્‍ડા ફિલ્‍મ કહ્યાના એક દિવસ બાદ, ભારતમાં ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને માફી માંગી છે. તેણે ટ્‍વીટ કર્યું, ભારત અને ઈઝરાયેલ, બંને દેશો અને અહીંના લોકો વચ્‍ચેની મિત્રતા ખૂબ જ મજબૂત છે. તમે (નાદવ લેપિડ) જે નુકસાન કર્યું છે તે નિશ્‍ચિત કરવામાં આવશે. હું એક માણસ તરીકે શરમ અનુભવું છું અને અમારા યજમાનોની જે ખરાબ રીતે અમે તેમની ઉદારતા અને મિત્રતાનો બદલો આપ્‍યો છે તેના માટે હું માફી માંગવા માંગુ છું. કેન્‍દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ભારતમાં ઇઝરાયેલના રાજદૂત ગિલોનના નિવેદનને સમર્થન આપતા ટ્‍વિટને રીટ્‍વીટ કર્યું હતું. તમને જણાવી દઈએ કે ઈન્‍ટરનેશનલ ફિલ્‍મ ફેસ્‍ટિવલ ઓફ ઈન્‍ડિયાનું આયોજન માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે.

અનુપમ ખેરે આ સમગ્ર મામલે પલટવાર કરતા ટ્‍વીટ કરીને લખ્‍યું કે જૂઠનું કદ ગમે તેટલું ઊંચું કેમ ન હોય. સત્‍યની સરખામણીમાં હંમેશા નાનું હોય છે.

બીજી બાજુ અશોક પંડિતે ટ્‍વીટ કરીને કહ્યું કે ઈઝરાયેલી ફિલ્‍મમેકર નાવિદ લેપિડે ધ કાશ્‍મીર ફાઈલ્‍સ ફિલ્‍મને અશ્‍લીલ કહીને આતંકવાદ વિરુદ્ધ ભારતની લડતની મજાક ઉડાવી છે. તેમણે ભાજપ સરકારના નાક નીચે ૭ લાખ કાશ્‍મીરી પંડિતોનું અપમાન કર્યું છે. જે ભારતીય ઈન્‍ટરનેશનલ ફિલ્‍મ ફેસ્‍ટિવલ ૨૦૨૨ની વિશ્વસનીયતા માટે મોટો ઝટકો છે. તેમણે ઈઝરાયેલી ફિલ્‍મમેકર પર કટાક્ષ કરતા એમ પણ કહ્યું કે ૩ લાખ કાશ્‍મીરી હિન્‍દુઓનો નરસંહાર વલ્‍ગર હોઈ શકે નહીં.

બોક્‍સ ઓફિસ પર બજાવ્‍યો હતો ડંકોઃ ફિલ્‍મ ધ કાશ્‍મીર ફાઈલ્‍સ કાશ્‍મીરી પંડિતોના દર્દ, સંઘર્ષ અને આઘાતને વર્ણવે છે. જેમાં ૧૯૯૦માં કાશ્‍મીરી પંડિતોના થયેલા નરસંહારની સચ્‍ચાઈ દર્શાવવામાં આવી છે. વિવેક અગ્નિહોત્રીના ડાઈરેક્‍શનમાં બનેલી ફિલ્‍મમાં પલ્લવી જોશી, પ્રકાશ બેલાવડી, અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શનકુમાર, ભાષા સુંબલી, ચિન્‍મય મંડલેકર, પુનીત ઈસ્‍સાર મહત્‍વની ભૂમિકામાં જોવા મળ્‍યા હતા.

(11:39 am IST)