Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

ભારતથી કેમ ભાગી રહ્યા છે કરોડપતિ ? UAE - ઓસ્‍ટ્રેલિયા - સિંગાપુરમાં વસવાટ

ભારત ત્રીજો દેશ જ્‍યાંથી ૮૦૦૦ કરોડપતિ દેશ છોડી બીજે રહેવા ગયા : આ વર્ષે વિશ્વભરના ૮૮૦૦૦ કરોડપતિઓએ પોતાનો દેશ છોડયો

નવી દિલ્‍હી તા. ૨૯ : કોરોના મહામારીનો પ્રકોપ ઓછો થતાં જ ઘણા કરોડપતિઓ પોતાનો દેશ છોડી રહ્યા છે. યુકે સ્‍થિત ઇન્‍વેસ્‍ટમેન્‍ટ માઈગ્રેશન કન્‍સલ્‍ટન્‍સી કંપની હેનલી એન્‍ડ પાર્ટનર્સ દ્વારા તાજેતરના અહેવાલ મુજબ, આ વર્ષે વિશ્વભરમાં લગભગ ૮૮,૦૦૦ કરોડપતિઓએ તેમનો દેશ છોડી દીધો છે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ છે, જયાંથી આઠ હજાર કરોડપતિઓએ દેશ છોડી દીધો છે. સૌથી વધુ ૧૫ હજાર લોકો ચીનમાંથી અને ૧૦ હજાર લોકો રશિયાથી સ્‍થળાંતરિત થયા છે.

રિપોર્ટ અનુસાર ભારત બાદ યાદીમાં ચોથા નંબર પર હોંગકોંગ અને પાંચમા નંબર પર યુક્રેન છે. હોંગકોંગના ત્રણ હજાર કરોડપતિ અને યુક્રેનના ૨૮૦૦ કરોડપતિ પોતાનો દેશ છોડી ગયા છે. તે જ સમયે બ્રિટનમાં ૧૫૦૦ કરોડપતિઓએ પણ પોતાનો દેશ છોડી દીધો છે. હેન્‍લીના મતે, હાઈ નેટવર્થ ઈન્‍ડિવિઝ્‍યુઅલ્‍સ (HNIs) એ છે કે જેમની પાસે $૧ મિલિયન કે તેથી વધુની સંપત્તિ છે.

અબજોપતિઓના દેશ છોડવાના કારણો

૧. અબજોપતિઓ જયાં સ્‍થાયી થઈ રહ્યા છે ત્‍યાં જવાનું મુખ્‍ય કારણ તેમની આર્થિક તાકાત જોવાનું છે. ૨. દેશની અર્થવ્‍યવસ્‍થા અને આંતરિક સુરક્ષાને મુખ્‍ય મુદ્દો માનીને તેઓ પોતાનું સ્‍ટેન્‍ડ બદલી રહ્યા છે. ૩. આરોગ્‍ય, શિક્ષણ અને બહેતર જીવનશૈલી જેવી મજબૂત ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર પણ તેનું કારણ છે. ૪. ક્રાઈમ રેટમાં ઘટાડો થવાને કારણે અબજોપતિઓ પણ આ દેશો તરફ આકર્ષાઈ રહ્યા છે. ૫. વ્‍યવસાયની તકો જોવાની સાથે ટેક્‍સમાં રાહતના આધારે પોતાને મજબૂત કરવાનો પ્રયાસ કરવો.

UAE, ઓસ્‍ટ્રેલિયા, સિંગાપોર નવું ડેસ્‍ટિનેશન

દેશ છોડીને જતા મોટાભાગના અબજોપતિઓ સંયુક્‍ત આરબ અમીરાત (UAE), ઓસ્‍ટ્રેલિયા અને સિંગાપુરને તેમનું નવું ડેસ્‍ટિનેશન બનાવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, આ વર્ષે દુનિયાભરમાંથી પોતાનો દેશ છોડીને ગયેલા અબજોપતિઓમાંથી ૪૦૦૦ લોકોએ ન્‍યૂ UAE, ૩૫૦૦ ઓસ્‍ટ્રેલિયા અને ૨૮૦૦ સિંગાપુરને પોતાનું નવું ડેસ્‍ટિનેશન બનાવ્‍યું છે. બીજી તરફ મેક્‍સિકો, બ્રિટન, ઈન્‍ડોનેશિયા સહિત અન્‍ય દેશોમાં પણ કેટલાક લોકોએ જીવનને નવી રીતે જીવવાની તૈયારીઓ કરી છે. છેલ્લા બે દાયકામાં ૮૦ હજાર અબજોપતિ ઓસ્‍ટ્રેલિયા પહોંચ્‍યા છે

(10:58 am IST)