Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

ઇમરજન્‍સીમાં ટિકિટ ન હોય તો પણ મુસાફરી થઇ શકશે : TTE આપશે ટિકિટ

રેલવેના મુસાફરો માટે સારા સમાચાર

નવી દિલ્‍હી તા. ૨૯ : ટિકિટ કન્‍ફર્મ ન હોય તેવા કિસ્‍સામાં ટ્રેનમાં મુસાફરી કરવાથી દંડ થઈ શકે છે. ઘણી વખત TTE મુસાફરને સ્‍થળ પર ટિકિટ આપી દે છે. જોકે, ક્‍યારેક ઇમરજન્‍સીમાં ક્‍યાંક જવું પડે તેમ હોય અને કન્‍ફર્મ ટિકિટ ન હોય તેવા કિસ્‍સામાં મુસાફરો સામે આ મુશ્‍કેલી હોય છે. પણ હવે રેલવે વિભાગે આ તકલીફનો ઉકેલ આપ્‍યો છે.

હવે તમે તે દંડ અથવા ટિકિટના પૈસા કાર્ડ દ્વારા ચૂકવી શકો છો. પેમેન્‍ટમાં કોઈ મુશ્‍કેલી ન પડે તે માટે રેલવેએ પોતાની ઈલેક્‍ટ્રોનિક સર્વિસ એટલે કે POSને 4G સર્વિસ સાથે જોડી દીધી છે.

રેલવેના નિયમ મુજબ જો તમારી પાસે રિઝર્વેશન ન હોય અને તમારે ક્‍યાંક ટ્રેનમાં જવાનું હોય તો તમે પ્‍લેટફોર્મ ટિકિટ લઈને ટ્રેનમાં ચઢી શકો છો. જો કે, ટ્રેનમાં ચઢ્‍યા પછી તમારે તમારી ટિકિટ માટે તરત જ ટિકિટ ચેકિંગ કર્મચારીને મળવું પડશે. આ સેવા ફક્‍ત કટોકટી દરમિયાન જ ઉપલબ્‍ધ છે. પરિવાર કે સમૂહમાં આ રીતે યાત્રા નહીં કરી શકો.

તમે ટિકિટ ચેકર પર જઈને સરળતાથી ટિકિટ લઈ શકો છો. આ નિયમ ભારતીય રેલવે નિયમો દ્વારા બનાવવામાં આવ્‍યો છે. આ માટે તમારે પ્‍લેટફોર્મ ટિકિટ લઈને ટિકિટ ચેકર એટલે કે TTEની તાત્‍કાલિક સંપર્ક કરવો પડશે. ત્‍યારબાદ TTE તમને જયાં જવાનું છે તે સ્‍થળની ટિકિટ આપશે.

રેલવે બોર્ડના જણાવ્‍યા અનુસાર અધિકારીઓ પાસે પોઇન્‍ટ ઓફ સેલિંગ  મશીનમાં 2G સિમ લગાવેલા હોય છે, જેના કારણે ઘણી વખત દૂરના વિસ્‍તારોમાં ઇન્‍ટરનેટ નેટવર્કની સમસ્‍યા થાય છે, પરંતુ હવે તમારે નેટવર્કને કારણે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. આ મશીનો માટે રેલવે 4G સિમની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે, જેથી તમે સરળતાથી ચૂકવણી કરી શકશો.

રેલવેએ આ નવું પગલું ભર્યું છે. હવે તમે ટ્રેનનું ભાડું અથવા તો રોકડની જગ્‍યાએ તમારા ડેબિટ કાર્ડથી દંડ ભરી શકો છો. એટલે કે હવે જો તમારી પાસે ટ્રેનની ટિકિટ ન હોય તો તમે ટિકિટ લઈ શકો છો અથવા ટ્રેનમાં ચડ્‍યા બાદ કાર્ડથી દંડ ભરી શકો છો

(10:56 am IST)