Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

ભારતના ધનિકો વધુ ધનિક થયાઃ સંપત્તિ વધી ૮૦૦ બિલિયન ડોલર થઈ

કોરોના પછી ભારતમાં સર્જાયેલી માંગના પગલે દેશની ઈકોનોમિ વિશ્વની પાંચમી સૌથી મોટી ઈકોનોમિ બની છે : ભારતના ૧૦૦ ધનિકોની સંયુક્‍ત સંપત્તિમાં ૨૫ બિલિયન ડોલરનો વધારો થયો છેઃ આ સંપત્તિ વધીને ૮૦૦ બિલિયન ડોલર થઈ છે

મુંબઈ,તા.૨૯: કોરોના પછી ભારતમાં સર્જાયેલી માંગના પગલે દેશની ઈકોનોમિ વિશ્વની પાંચમી સૌથી મોટી ઈકોનોમિ બની છે. ભારતે યુનાઈટેડ કિંગડમ(યુકે)ની ઈકોનોમિને પાછળ છોડી દીધી છે. જોકે દેશનું શેરબજાર ગત વર્ષના આ સમય કરતા ઘણું નબળું છે. આ પાછળનું એક મહત્‍વનું કારણ નબળો રૂપિયો પણ છે. જે ગત વર્ષના આ સમય કરતા ૧૦ ટકા નબળો છે. જોકે તેમ છતાં ભારતના ૧૦૦ ધનિકોની સંયુક્‍ત સંપત્તિમાં ૨૫ બિલિયન ડોલરનો વધારો થયો છે. આ સંપત્તિ વધીને ૮૦૦ બિલિયન ડોલર થઈ છે.

આ સંયુક્‍ત વધારો ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં થયેલા વધારાના પગલે થયો છે. વર્ષ ૨૦૦૮ પછી અદાણી આ વર્ષે ટોપ ક્રમે રહ્યાં હતા. વર્ષ ૨૦૨૧માં અદાણીની સંપત્તિમાં લગભગ ત્રણ ગણો વધારો નોંધાયો હતો. અદાણીની સંપત્તિ આ વર્ષે વધીને બે ગણી એટલે કે ૧૫૦ બિલિયન ડોલર થઈ છે. તેના પગલે તેઓ ધનિકોના લિસ્‍ટમાં નંબર-૧ પર રહ્યાં હતા. જયારે થોડા સમય માટે વિશ્વના બીજા સૌથી ધનિક વ્‍યક્‍તિ તરીકે પણ રહ્યાં હતા. તેઓએ આ વર્ષે ટકાવારી અને ડોલર બંન્ને રીતે સૌથી વધુ કમાણી કરી હતી. અદાણીએ જાહેરાત કરી હતી કે તે આગામી ૧૦ વર્ષમાં ૧૦૦ બિલિયન ડોલરનું રોકાણ કરશે અને આ પૈકીનું ૭૦ ટકા ગ્રીન એનર્જીમાં કરશે.

દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી જેઓ રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝ (નેટવર્ક ૧૮ના માલિક અને ફોર્બ્‍સ ઈન્‍ડિયાના પબ્‍લિશર)ના માલિક છે અને ઓઈલથી લઈને ટેલિકોમ સુધીના વિવિધ કારોબારમાં છે, તેઓ ૮૮ બિલિયન ડોલરની સંપત્તિની સાથે બીજા નંબરે રહ્યાં હતા. તેમની સંપત્તિમાં ગત વર્ષની સરખામણીમાં ૫ ટકાનો ઘટાડો થયો છે. ભારતના ૧૦૦ ધનિકોની કુલ સંપત્તિમાં અદાણી અને અંબાણીનો હિસ્‍સો ૩૦ ટકા છે.

ભારતના રિટેલ કિંગ તરીકે જાણીતા રાધાક્રિષ્‍ન દામાણી જેઓ સુપરમાર્કેટ ચેન્‍સ ડીમાર્ટના માલિક છે, તેઓ ટોપ ત્રણમાં પ્રથમ વખત રહ્યાં હતા. જોકે તેમની નેટવર્થ ૬ ટકા ઘટી ૨૭.૬ બિલિયન ડોલર રહી હતી. કોવિડ-૧૯ વેક્‍સિનના કારણે સતત બીજા વર્ષે થઈ રહેલી ભારે કમાણીના પગલે સાયરસ પુનાવાલા ૨૧.૫ બિલિયન ડોલર સાથે ચોથા નંબરે છે.

આ વર્ષે ટોપની યાદીમાં નવ જેટલા નવા ચહેરાઓ સામે આવ્‍યા છે. આ પૈકીના ત્રણ આઈપીઓ લાવનારાઓમાંથી છે. તેમાં ફાલ્‍ગુની નાયર જેઓ આ વર્ષે બ્‍યુટી અને ફેશન રીટેલર નાયકાનો આઈપીઓ લાવીને ભારતની સૌથી ધનિક સેલ્‍ફ મેડ વુમન બન્‍યા છે. આ સિવાય તેમાં એથેનિક ગારમેન્‍ટ મેકર રવિ મોદી અને રફિક મલ્લિક સામેલ છે. મલ્લિકે ગત ડિસેમ્‍બરમાં જ મેટ્રો બ્રાન્‍ડ્‍સને લિસ્‍ટ કરી હતી.

આ વર્ષે જાણીતા ચહેરા રાહુલ બજાજ, રાકેશ ઝૂનઝૂનવાલા અને સાયરસ મિષાીનું મૃત્‍યુ થયું છે. આ તમામ સામાન્‍ય રીતે આ લિસ્‍ટમાં ટોપ પર રહેતા. હાલ ઝૂનઝૂનવાલાએ શરૂ કરેલી આકાશા એરને હાલ તેમના પત્‍ની રેખા સંભાળી રહ્યાં છે. પલનોજી મિષાીના ૫૪ વર્ષીય પુત્ર સાયરસ મિષાીનું કાર અકસ્‍માતમાં મૃત્‍યુ થયું હતું. હાલ તેમની સંપત્તિ ૧૪.૨ બિલિયન ડોલર છે.

ચાર પુનરાવર્તન કરનારાઓ પૈકીના એક આનંદ મહિન્‍દ્રા છે. જેમની મહિન્‍દ્રા એન્‍ડ મહિન્‍દ્રાએ ઈલેક્‍ટ્રિક એસયુવીને લોન્‍ચ કરીને માર્કેટમાં એક નવીનતા સર્જી હતી. ઘટાડાનો સામનો કરનારાઓમાં ટોચ પર વિજય શેખર શર્મા હતા. વન૯૭ કોમ્‍યુનિકેશન જેની પેરેન્‍ટ કંપની ફિનટેક પેટીએમના શેરમાં ઘટાડો થયો હતો. ટોપ ૧૦૦નું કટઓફ આ વર્ષે ૧.૯ બિલિયન ડોલર રહ્યું હતું. જે લગભગ ગત વર્ષે રહેલા ૧.૯૪ બિલિયન ડોલર જેટલું જ રહ્યું હતું.

(10:31 am IST)