Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

જોડાણની રાજનીતિથી યુપીમાં વખતોવખત કોંગ્રેસનો થયો સફાયો !

લખનઉ, તા. ૨૯ :. ઉત્તર પ્રદેશમાં ગઠબંધનની રાજનીતિએ કોંગ્રેસ માટે હંમેશા તકલીફો ઉભી કરી છે. પ્રદેશમાં કમજોર થઈ રહેલી કોંગ્રેસની સ્થિતિ ઉપર નજર નાખીએ તો જાણવા મળે છે કે જોડાણમાં કોંગ્રેસે દર વખતે હારનો સામનો કરવો પડે છે. આ પ્રક્રિયા ૧૯૮૯થી શરૂ થઈ રહી છે, જ્યારે કોંગ્રેસ સત્તામાંથી બહાર થયુ હતું. એ વખતે કોંગ્રેસ રાજ્ય વિધાનસભામાં માત્ર ૯૪ સીટો મેળવી શકયુ હતું. સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસએ મુખ્યમંત્રીના રૂપમાં મુલાયમસિંહ યાદવ સાથે જનતા દળને સમર્થન આપ્યુ હતું. આ વર્ષમાં જ દેશમાં રાષ્ટ્રીય કક્ષાએ જોડાણની રાજનીતિ શરૂ થઈ હતી.

૧૯૯૧માં કોંગ્રેસે પોતાની અડધી તાકાત ગુમાવી દીધી હતી અને માત્ર ૪૬ સીટો ઉપર સીમીત બની હતી. ૧૯૯૩માં પાર્ટી વધારે નીચે ચાલી ગઈ અને માત્ર ૨૮ સીટો જીતી શકી. એ વખતે કોંગ્રેસ તરત સપા-બસપા ગઠબંધનના સમર્થનમાં આગળ આવી હતી ત્યારે કોંગ્રેસનું નેતૃત્વ સ્વર્ગસ્થ નરસિમ્હા રાવ કરતા હતા. ૧૯૯૬માં કોંગ્રેસે બસપા સાથે જોડાણ કરી વિધાનસભાની ચૂંટણીઓ લડી હતી જે કુખ્યાત બનેલી રાજ્ય ગેસ્ટહાઉસની ઘટના પછી સપાથી દૂર ચાલી ગઈ હતી. જ્યાં બસપા સુપ્રિમો માયાવતી ઉપર કથીતરૂપે હુમલો કરવામાં આવ્યો હતો. એ વખતે કોંગ્રેસે ૩૩ સીટો જીતી હતી, પરંતુ ચૂંટણીઓ પછી બસપાએ કોંગ્રેસને છોડી દીધી અને ભાજપ સાથે ગઠબંધન સરકાર બનાવી હતી ત્યારે દિવંગત સિતારામ કેસરી કોંગ્રેસના અધ્યક્ષ હતા.

૨૦૦૨માં કોંગ્રેસને ૨૫ સીટોથી સંતોષ માનવો પડયો હતો અને એક વર્ષ ૨૦૦૩માં બસપા-ભાજપનું જોડાણ તૂટી ગયુ ત્યારે કોંગ્રેસે ફરીથી યુપીમાં મુલાયમસિંહ યાદવને સરકાર બનાવવા મદદ કરી હતી. એ વખતે પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધી હતા. ૨૦૦૭માં કોંગ્રેસ માત્ર ૨૨ સીટો જીતી શકી હતી પરંતુ ૨૦૧૨માં આ આંકડો ૨૮એ પહોંચ્યો હતો. ૨૦૧૬માં કોંગ્રેસ કાર્યકર્તાઓને '૨૭ સાલ, યુપી બેહાલ'ના અભિયાન સાથે ઉત્સાહીત કરવામાં સફળ રહ્યુ હતું. પાર્ટીએ કાર્યકરોને વિશ્વાસ આપ્યો હતો કે આ વર્ષે એકલા જ આગળ વધશે. ૨૦૧૯ કોંગ્રેસ માટે સૌથી ખરાબ રહ્યુ જ્યારે પાર્ટી પોતાના ગઢ અમેઠીમાં હારી ગઈ ! અને તેમણે માત્ર એક લોકસભા સીટ રાયબરેલી જીતી સંતોષ માનવો પડયો.

એક દિગ્ગજ કોંગ્રેસી નેતાએ જણાવ્યુ કે, અમે બીજી પાર્ટીઓને સમર્થનની ભૂલ કરી હતી અને હજુ પણ કરી રહ્યા છીએ. આ કારણોથી મતદારોએ અમારાથી મોંહ ફેરવી લીધુ છે. ૧૯૯૬માં પાર્ટી સંગઠન તૂટવુ શરૂ થઈ ગયું કારણ કે કોંગ્રેસ માત્ર ૧૨૫ સીટો ઉપર ચૂંટણી લડી અને બસપા માટે ૩૦૦ સીટો છોડી દીધી !

(2:49 pm IST)