Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

હોબાળો નહી પરંતુ સહકારને સફળતાના માપદંડ બનાવીએ

સંસદ સત્ર પહેલા પીએમ મોદીની વિપક્ષને અપીલ

નવી દિલ્હી તા. ૨૯ : વડાપ્રધન નરેન્દ્ર મોદીએ સંસદના શિયાળુ સત્રમાં દેશહિતમાં અગત્યના નિર્ણય લેવાય તેની આશા વ્યકત કરાઇ છે. પહેલાં દિવસે સત્રમાં સામેલ થતા પહેલાં સંસદ ભવનની બહાર મીડિયાને સંબોધિત કરતાં પીએમ મોદીએ આશ્વાસન આપ્યું કે સરકાર સંસદમાં દરેક પ્રશ્નના જવાબ આપવા માટે તૈયાર છે.પીએમે સંકેતોમાં વિપક્ષ પર નિશાન તાકતા કહ્યું કે તેઓ સંસદ સત્રને રોકવા માટે નહીં પરંતુ કામકાજમાં વધુમાં વધુ ભાગીદારી નિભાવે.

વડાપ્રધાને કહ્યું કે સંસદને પણ દેશની પ્રગતિ માટે માર્ગો શોધવા જોઈએ, નવા ઉપાયો શોધવા જોઈએ અને તેના માટે આ સત્ર ખૂબ જ વિચારોથી સમૃદ્ઘવાળું, હકારાત્મક નિર્ણયો જે દૂરગામી અસરો પેદા કરનાર બને. હું આશા રાખું છું કે ભવિષ્યમાં સંસદ કેવી ચલાવી, કેટલી સારી રીતે ચાલી, કેટલું સારૃં યોગદાન આપ્યું, તે માપદંડ પર તોલવામાં આવે નહીં કે કોણે કેટલા જોરથી સંસદનું સત્ર અટકાવ્યું – આ માપદંડ ના હોઈ શકે. માપદંડ એ હશે કે સંસદે કેટલા કલાક કામ કર્યું, કેટલું સકારાત્મક કામ થયાં.

પીએમએ કહ્યું કે સંસદના શિયાળુ સત્રને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવ્યું. તેમણે કહ્યું, 'દેશ આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે. ચારે દિશામાંથી ભારતમાં આઝાદીના આ અમૃત મહોત્સવ નિમિત્તે રચનાત્મક, સકારાત્મક, જનહિત માટે, રાષ્ટ્રહિત માટે, સામાન્ય નાગરિક અનેક કાર્યક્રમો યોજી રહ્યા છે, પગલાં ભરી રહ્યા છે. સામાન્ય નાગરિકો પણ સ્વાતંત્ર્ય સેનાનીઓએ જે સપના જોયા હતા તેને સાકાર કરવા માટે તેમની કેટલીક જવાબદારીઓ પૂરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સમાચાર ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે સારા સંકેત આપે છે.'

મોદીએ કહ્યું કે સરકાર દરેક વિષય પર ખુલ્લા મનથી ચર્ચા કરવા માંગે છે. પીએમએ કહ્યું કે સરકારની નીતિઓની સકારાત્મક આલોચના થવી જોઈએ, તેના માટે સરકાર પણ તૈયાર છે, પરંતુ તે ગરિમાપૂર્ણ હોવી જોઈએ. તેમણે કહ્યું, 'સરકાર દરેક વિષય પર ખુલ્લી ચર્ચા કરવા માટે તૈયાર છે, સરકાર દરેક સવાલનો જવાબ આપવા તૈયાર છે. આઝાદીના અમૃત મહોત્સવમાં આપણે પણ ઈચ્છીએ છીએ કે સંસદમાં પ્રશ્નો થાય અને શાંતિ રહે. અમે ઈચ્છીએ છીએ કે સંસદમાં સરકાર વિરુદ્ઘ, સરકારની નીતિઓ વિરુદ્ઘ યોગ્ય અવાજ ઉઠાવવામાં આવે, પરંતુ સંસદની ગરિમા, પ્રિસાઇડિંગ ઓફિસર્સની ગરિમાને ધ્યાનમાં રાખીને આપણે એવું કરવું જોઈએ જે આગામી દિવસોમાં દેશની યુવા પેઢીને ઉપયોગી થાય.' વડાપ્રધાને કોરોના વાયરસના નવા પ્રકારના જોખમ સામે પણ ચેતવણી આપી હતી. તેમણે કોવિડ રસીકરણની સિદ્ઘિ પર સરકારને થપથપાવવાનું પણ ચૂકયું ન હતું. મોદીએ કહ્યું, 'છેલ્લા સત્ર પછી, કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં પણ, દેશે ૧૦૦ કરોડથી વધુ કોરોના રસીના ડોઝ લાગુ કર્યા છે અને અમે તેનાથી પણ વધુ આગળ વધી રહ્યા છીએ. નવા વેરિઅન્ટના સમાચાર આપણને વધુ સજાગ કરે છે. અમે સંસદના સહયોગીઓને પણ સતર્ક રહેવા વિનંતી કરીએ છીએ. આવી સંકટની ઘડીમાં દેશનું શ્રેષ્ઠ સ્વાસ્થ્ય અમારી પ્રાથમિકતા છે.'

(2:47 pm IST)