Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

હોમલોનમાં મળતી ૨.૬૭ લાખ સુધીની સબસિડી લેવામાં ગુજરાતીઓ સૌથી આગળ

સરકારે ૨.૭૫ લાખ લાભાર્થીઓને અત્યાર સુધી રૂ. ૬૩૦૦ કરોડની મદદ કરી છે

નવી દિલ્હી તા. ૨૯ : પહેલુ ઘર ખરીદવા માટે કેન્દ્ર સરકાર વ્યાજ પર સબસિડી આપે છે. છેલ્લા આઠ મહિનામાં આ સ્કીમનો લાભ લેતા લોકોની સંખ્યા વધીને ડબલ થઈ ગઈ હશે. તેમાંય આખા દેશમાં આ સ્કીમનો લાભ લેવામાં ગુજરાતીઓ અવ્વલ છે. એક ગણતરી મુજબ પ્રધાન મંત્રી આવાસ યોજના (અર્બન)નો લાભ લેનારાઓની સંખ્યા માર્ચ સુધીમાં ૧ લાખ થઈ જશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહેરી વિસ્તારમાં ૧૮ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા મિડલ ઈન્કમ ગૃપ (MIG) માટે વ્યાજ પર સબસિડીની સ્કીમ જાહેર કરી હતી. આ સ્કીમ ૨૦૧૭ જાન્યુઆરીથી અમલમાં મૂકાઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ 'વધુને વધુ લોકો તેમની અરજી સબમિટ કરી રહ્યા હોવાથી અમને આશા છે કે ડિમાન્ડ વધશે. કેટલાક કિસ્સામાં બેંકને સારો બિઝનેસ ન દેખાતો હોવાથી તે રસ લેતી નથી. સરકાર ૨.૬૭ લાખની સબસિડી સીધી ચૂકવી દેતી હોવાથી બાકી લોનની રકમ ઘટી જાય છે અને બેંકને પણ વ્યાજ ઓછો મળે છે.'

હાઉસિંગ સેક્રેટરી ડી.એસ મિશ્રાએ જણાવ્યું કે પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. બિલ્ડર હવે એવા ફલેટ બનાવી રહ્યા છે જે મધ્યમ આવક ધરાવતા લોકોને પરવડી શકે. સરકારે ૨.૭૫ લાખ લાભાર્થીઓને અત્યાર સુધી રૂ. ૬૩૦૦ કરોડની મદદ કરી છે. સરકાર આ સ્કીમમાં લાભાર્થીને ફલેટ ખરીદવા કે ઘર બનાવવામાં મદદ કરે છે. ક્રેડિટ લિન્કડ સબસિડી સ્કીમ (CLSS) હેઠળ મોદી સરકાર લાભાર્થીને તેનું પહેલુ ઘર હોય તો હોમ લોનમાં ૨.૬૭ લાખ રૂપિયા સુધીની મદદ કરે છે.

મિનિસ્ટ્રીના ડેટા મુજબ ૫૬ ટકા લાભાર્થીઓએ કેન્દ્ર સરકારની મદદ લઈને પોતાના ઘર બાંધ્યા છે. ૩૩ ટકાએ ફલેટ ખરીદ્યો છે અને ૭ ટકા લાભાર્થીઓ એવા છે જે પહેલા સ્લમમાં રહેતા હતા અને પછી તેમને ફલેટ આપવામાં આવ્યો હોય અને તે ત્યાં વર્ષોથી રહેતા હોય. મિશ્રાએ જણાવ્યું કે સ્લમના લોકોને બીજે ખસેડવા ૩.૮૯ લાખ યુનિટ બાંધવામાં આવ્યા છે.

મિનિસ્ટ્રીએ દાવો કર્યો કે PM આવાસ યોજના (અર્બન) હેઠળ ૬૫ લાખ ઘર સેન્કશન કરવામાં આવ્યા છે. ચાર વર્ષમાં ૧૨ લાખ ઘર બાંધવામાં આવ્યા છે. યુ.પી.એની સરકારના બે શાસનકાળ દરમિયાન માત્ર ૧૮,૦૦૦ ઘર બંધાયા હતા. મિશ્રાએ દાવો કર્યો કે, 'અમને વિશ્વાસ છે કે ૧ કરોડ ઘરમાંથી અમે માર્ચ સુધીમાં ૮૦ લાખ ઘર સેન્કશન કરી શકીશું અને લગભગ ૨૫ લાખ જેટલા ઘરનું બાંધકામ પૂરુ કરી શકીશું.' હાઉસિંગના જોઈન્ટ સેક્રેટરી અમ્રિત અભિજીતે જણાવ્યું કે ડિલીવરીની ઝડપ વધશે કારણ કે હવે કામ પૂરૂ થવાના આરે છે.

(3:30 pm IST)