Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

રાજસ્થાન : કોંગ્રેસનું ઘોષણાપત્ર જાહેર : ખેડૂતો - યુવાનો માટે વાયદાઓ

દેવા માફી, બેરોજગારી ભથ્થામાં વધારો, છોકરીઓને ફ્રીમાં શિક્ષણ તેમજ બુઝુર્ગ ખેડૂતોને ઘરે બેઠા પેન્શનની સુવિધા

જયપુર તા. ૨૯ : રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ગુરૂવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. જયપુરના પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં જાહેર કરવામાં આવેલા ચૂંટણી ઢંઢેરામાં ઘણી લોભામણી વાયદાઓ જનતાને કરવામાં આવ્યા છે. જેમાં છોકરીઓને મફતમાં શિક્ષા આપવાનો અને બુઝૂર્ગ ખેડૂતોને ઘરે બેઠા પેન્શન આપવાનો વાયદો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં રાજસ્થાનની જનતાને વાયદો કરવામાં આવ્યા છે કે જો અમારી સરકાર બનશે તો ખેડૂતોનું દેવું માફ થશે. સાથે કૃષિ ઓજારોને જીએસટીના દાયરામાંથી હટાવી દેવામાં આવશે. તેના સિવાય બુઝૂર્ગ ખેડૂતોને ઘરે બેઠા પેન્શનની સુવિધા પણ આપવામાં આવશે. ચૂંટણી ઢંઢેરામાં ગોચર ભૂમિ બોર્ડ બનાવવાનો વાયદો પણ કરવામાં આવ્યો છે.

આ સિવાય દરેક વ્યકિતને મફતમાં સ્વાસ્થ્ય સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે, તેના માટે રાઇટ ટૂ હેલ્થ કાયદો બનાવવામાં આવશે. અશોક ગેહલોતની સાથે ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા સચિન પાયલોટે કોંગ્રેસ તરફથી ઘણી મોટી જાહેરાત કરતા કહ્યું કે, ખેડૂતો અને યુવાનો માટે અલગથી પંચ બનાવવામાં આવશે. ખેડૂતો માટે ખેતીના ઓજારોને જીએસટીના દાયરામાંથી બહાર રખાશે, સાથે સરકારી ભૂમિ જેણે ગામની ગૌચર ભૂમિ કહેવાય છે, તેના માટે રાજસ્થાનમાં એક મોટો વિવાદ હંમેશાં બનેલો હોય છે તેના માટે પણ અલગથી ગોચર ભૂમિ બોર્ડ બનાવવાનું વચન જનતાને આપવામાં આવ્યું છે.

આ ચૂંટણી ઢંઢેરામાં બેરોજગાર યુવાનોને બેરોજગારી ભથ્થુ આપવા માટે સાઢા ત્રણ હજાર રૂપિયા મહિને રાખવામાં આવ્યા છે, જયારે બીજેપીએ ૫૦૦૦ પ્રતિમહિનો બેરોજગારી ભથ્થું આપવાનો વાયદો જનતાને કરવામાં આવ્યો છે. તેની સાથે કોંગ્રેસે કહ્યું કે, પત્રકારોને દબાવવા માટે બીજેપી સરકાર કાળો કાયદો લઇને આવી હતી, પરંતુ અમે પત્રકારોને જર્નાલિસ્ટ પ્રોટેકશન એકટ અલગથી બનાવીશું.

રોજગાર માટે સેવાઓ અને ગરીબોને ઘર બનાવવા માટે સસ્તી લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે. છોકરીઓને શિક્ષિત કરવા માટે તેમના શિક્ષણને મફતમાં કરવામાં આવશે. રોજગાર આપવાના મામલામાં કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાંમાં કહ્યું કે, રાજયમાં સૌથી વધુ લોકોને રોજગાર આપવામાં આવશે. રોજગાર માટે ઓછા દરે લોનની વ્યવસ્થા કરવામાં આવશે. સાથે પરીક્ષાર્થિઓને પરીક્ષા સેન્ટર સુધી મફત યાત્રા ઉપલબ્ધ કરાવવામાં આવશે. અસંગઠિત મજૂરો અને ખેડૂતો માટે કલ્યાણ બોર્ડ બનાવવામાં આવશે.

કોંગ્રેસનું કહેવું છે કે, અમે ચૂંટણી ઢંઢેરો બનાવવા માટે રાજસ્થાનથી લગભગ ૨ લાખ લોકોનો અભિપ્રાય મેળવ્યો છે સાથે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવા માટે તમામ સંભાગો પર નેતાઓને મોકલવામાં આવ્યા હતા.

(3:24 pm IST)