Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

ઈસરોએ રચ્યો ઈતિહાસઃ PSLV થકી ૮ દેશોના ૩૦ સેટેલાઈટનું સફળ લોન્ચીંગ

શ્રીહરીકોટા સ્થિત સેન્ટરથી સફળ પ્રક્ષેપણઃ જે ૩૦ સેટેલાઈટ છે તેમા ૨૩ તો અમેરિકાના છેઃ પૃથ્વી પર નજર રાખતા ભારતીય સેટેલાઈટનું પણ લોન્ચીંગઃ પીએસએલવીનુ આ ૪૫મું ઉડ્ડયનઃ ૧૧૨ મીનીટમાં પુરૂ કરાયું મિશનઃ હાઈપર સ્પેકટ્રલ ઈમેજિંગ સેટેલાઈટનું આયુષ્ય ૫ વર્ષનું છે

નવી દિલ્હી, તા. ૨૯ :. ઈસરોએ ઈતિહાસ રચ્યો છે. આંધ્ર પ્રદેશના શ્રીહરીકોટા સ્થિત સતિષ ધવન સ્પેસ સેન્ટરથી ઈસરોએ પોતાના પીએસએલવી સી-૪૩થી પૃથ્વી ઉપર નજર રાખનાર ભારતીય હાઈપર સ્પેકટ્રલ ઈમેજિંગ સેટેલાઈટ અને ૮ દેશોના ૩૧ અન્ય સેટેલાઈટનુ સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યુ છે. જેમા ૨૩ ઉપગ્રહ અમેરીકાના છે.

ઈસરોએ જણાવ્યુ છે કે પીએસએલવી સી-૪૩ તેનુ ૪૫મું ઉડ્ડયન છે. હાઈપર સ્પેકટ્રલ ઈમેજિંગ સેટેલાઈટ આ મિશનનો પ્રાથમિક સેટેલાઈટ છે. હાઈપર સ્પેકટ્રલ ઈમેજિંગ સેટેલાઈટ ઉપગ્રહનો પ્રાથમિક હેતુ પૃથ્વીની સપાટીની સાથે ઈલેકટ્રોમેગ્નેટીક સ્પેકટ્રમમાં ઈન્ફ્રારેડ અને શોર્ટવેવ ઈન્ફ્રારેડનો અભ્યાસ કરવાનું છે. ઈસરોએ કહ્યુ છે કે આ સેટેલાઈટ સૂર્યની કક્ષામાં ૯૭.૯૫૭ ડીગ્રીના ઝુકાવ સાથે સ્થાપીત કરવામાં આવશે.

જે દેશોના ઉપગ્રહ મોકલવામાં આવ્યા છે. જેમા ૨૩ સેટેલાઈટ અમેરિકાના છે. જ્યારે ઓસ્ટ્રેલીયા, કેનેડા, કોલંબીયા, ફીનલેન્ડ, મલેશીયા, નેધરલેન્ડ અને સ્પેનના એક-એક સેટેલાઈટ સામેલ છે. આ મહિને ઈસરોનું આ બીજુ લોન્ચીંગ છે. આ પહેલા ૧૪ નવેમ્બરે ઈસરોએ સંચાર સેટેલાઈટ જી-સેટ ૨૯ છોડયો હતો. આ સેટેલાઈટનું આયુષ્ય ૫ વર્ષનું છે.

આ લોન્ચીંગમાં ૧ નાનો અને ૨૯ નેનો સેટેલાઈટ છે. ૩૧ સેટેલાઈટનુ કુલ વજન ૨૬૧.૫ કિલોગ્રામ છે. ૧૧૨ મીનીટમાં મિશન પુરૂ કરવામાં આવ્યુ છે.(૨-

(11:54 am IST)