Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

ખેડૂતોનું દિલ્હીમાં હલ્લાબોલઃ આજથી બે દિવસ વિરોધ પ્રદર્શન

દેવામાંથી મુકિત અને પાકના ટેકાના ભાવો સ્વામીનાથન આયોગની ટેકનીકના આધારે નક્કી કરવા ખેડૂતોની માંગણીઃ દેશભરમાંથી ખેડૂતો ઉમટી પડયાઃ રામલીલા મેદાનમાં રેલીઃ કાલે સંસદ સુધીની કૂચઃ અત્યાર સુધીના સૌથી મોટા આંદોલન હોવાનો દાવોઃ ૩ મહિનામાં ત્રીજી રેલીઃ દિલ્હીના રસ્તા ઉપર ઉતર્યા ૧ લાખથી વધુ ખેડૂતોઃ ઠેર ઠેર ટ્રાફીકજામના દ્રશ્યો

નવી દિલ્હી, તા. ૨૯ :. દિલ્હીમાં આજે ફરી લાખો ખેડૂતો એકઠા થયા છે. લોન માફી અને કોસ્ટનુ દોઢગણુ એમએસપીનુ ચુકવણુ કરવાની માગણીને લઈને દેખાવો કરી રહ્યા છે. આ દેખાવો અખિલ ભારતીય કિસાન મુકિત મોરચાના બેનર હેઠળ કરવામાં આવી રહ્યા છે. ખેડૂતો સરકાર ઉપર પોતાની માગણીઓને લઈને દબાણ લાવી રહ્યા છે. આમા ૨૦૦ ખેડૂત સંગઠનો એકઠા થયા છે. આજે અને કાલે એમ બે દિવસ વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. વર્ષમાં ચોથીવાર બન્યુ છે કે ખેડૂતો પોતાની માંગણીસર દેખાવો કરી રહ્યા છે. દિલ્હીના રામલીલા મેદાનમાં ખેડૂતો એકઠા થયા છે. આ ખેડૂતોને ૨૧ રાજકીય પક્ષોનું સમર્થન છે. મેઘાલય, જમ્મુ કાશ્મીર, ગુજરાત, કેરળ સહિત દેશના વિવિધ ભાગોમાં ખેડૂતો દિલ્હી આવ્યા છે. આવતીકાલે ખેડૂતો રામલીલા મેદાનથી સંસદ સુધીની માર્ચ કરશે.

ખેડૂતોનું અત્યાર સુધીનુ સૌથી મોટુ આંદોલન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આજે રામલીલા મેદાનમાં ખેડૂતોની સભામાં હજારો ખેડૂતો એકઠા થયા છે. ખેડૂતોએ એમ.એસ. સ્વામીનાથન કમિશનનો રીપોર્ટ સંપૂર્ણપણે લાગુ કરવા માંગણી કરી છે. પ્રસ્તાવીત કાર્યક્રમ અનુસાર કિસાન મુકિત યાત્રાના નામથી થઈ રહેલા આ વિશાળ પ્રદર્શનમાં ખેડૂતો જંતરમંતર પર એકઠા થશે અને પછી ત્યાંથી સંસદ સુધીની માર્ચ કરશે.

ખેડૂતોના સંગઠનના સંયોજક વી.એમ. સિંહે કહ્યુ છે કે અમે અમારા એજન્ડાને લઈને પીએમ મોદીને પત્ર લખ્યો છે. અમે કેટલાક મુખ્યમંત્રીઓ અને એનડીએના સાથીઓને દેવા માફીના બારામાં બે ખરડા અંગે સમર્થન મેળવ્યુ છે. મુખ્યમંત્રીઓમાં નિતીશકુમાર અને ચંદ્રબાબુ નાયડુ સામેલ છે. ૨૧ પક્ષો આ બાબતે રાજી છે. અમે બન્ને ખરડાઓ પ્રાઈવેટ મેમ્બર બીલ તરીકે સંસદમાં રજુ કરશું. જો સરકાર જીએસટીને લઈને ખાસ સત્ર બોલાવી શકતી હોય અને અડધી રાત્રે પસાર કરાવી શકતી હોય તો ખેડૂતો માટે આવુ કેમ નથી થતું ?

દિલ્હીમાં ખેડૂતોના વિરોધ પ્રદર્શનને લઇને પોલીસનો બંદોબસ્ત ચૂસ્ત રીતે ગોઠવાયો છે. દિલ્હીમાં ઠેર ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે.

(10:43 am IST)