Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

કુંભમેળામાં પ્રવેશ પર પ્રતિબંધ

દાતી મહારાજનું મહામંડલેશ્વરનું પદ છીનવાયું

નવી દિલ્હી તા. ૨૯ : શિષ્યાનું યૌન શોષણ કરવાના આરોપોમાં ફસાયેલા દાતી મહારાજને શ્રીપંચાયતી મહાનિર્વાણી અખાડામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અખાડાએ તેમની મહામંડલેશ્વરની પદવી અને અખાડનું સભ્યપદ રદ કરી કુંભમાં પ્રવેશ કરવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે.

શ્રીપંચાયતી અખાડા મહાનિર્વાણીના સચિવ મહંત રામ સેવક ગીરીના જણઆવ્યા પ્રમાણે દાતી મહારાજને અખાડાના મહામંડલેશ્વર તરીકે હવે કોઇ માન-સમ્માન નહીં મળે. અને કુંભમાં અખાડામાં પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જો કે તેઓ સામાન્ય શ્રદ્ઘાળું તરીકે કુંભમેળામાં આવી શકે છે.

તેઓએ કહ્યું કે યૌન શોષણનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે, જયાં સુધી કોર્ટ તરફથી તેઓ નિર્દોષ નહીં છૂટી જાય ત્યાં સુધી અખાડામાં તેઓની વાપસી સંભવ નથી. મહાનિર્વાણી અખાડાના સચિાવ મહંત રામ સેવક ગીરીએ કહ્યું કે અખાડા કોઇ દાગી સંતને પોતાની સાથે રાખી ન શકે. કોર્ટમાંથી તેઓ નિર્દોષ સાબિત થશે ત્યાં સુધી સસ્પેન્ડ રાખવામાં આવશે અને જો કોર્ટમાં તેઓ દોષિત ઠરશે તો સજા ભોગવશે. ઉલ્લેખનીય છે કે શ્રીપંચાયતી અખાડા મહાનિર્વાણીના મહામંડલેશ્વર દાતી મહારાજ અનેક વિવાદમાં રહ્યાં છે. દાતી મહારાજ પર દિલ્હીમાં પાલી સ્થિત આશ્રમની એક શિષ્યાએ તેમના પર દુષ્કર્મનો ગંભીર આરોપ લગાવ્યો છે.

પીડિતાનો આરોપ છે કે દાતી મહારાજ અને તેમના શિષ્યોએ ૨૫, ૨૬ અને ૨૭ માર્ચ ૨૦૧૬એ તેની સાથે જબરજસ્તીથી દુષ્કર્મ કર્યું. આ મામલે પીડિતાએ દક્ષિણ દિલ્હીના ફતેહપુર બેરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. પીડિયાએ સમગ્ર મામલે સીબીઆઇ તપાસની માગ કરી હતી, જેને દિલ્હી હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી છે.(૨૧.૬)

 

(9:51 am IST)