Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

મિશન ૨૦૧૯ માટે ભાજપે બનાવી ખાસ રણનીતિઃ ત્રણ યોજનાઓ પર ચાલી રહ્યું છે કામ

આ ત્રણ યોજનામાં ઉત્તરપ્રદેશમાં ૪૦૦થી વધુ વિધાનસભા ક્ષેત્રોમાં પદયાત્રા કાઢવી : ભાજપ કમલ વિકાસ જ્યોતિ અભિયાન ચલાવું અને દલિત સમુદાય માટે એક મોટા સંમેલનના આયોજનની તૈયારીઓ સમાવેશ થાય છે

નવી દિલ્હી તા. ૨૯ : લોકસભા ચૂંટણી ૨૦૧૯માં સફળતા મેળવવા માટે ભાજપ ત્રણ મોટી યોજનાઓ પર કામ કરી રહી છે. આ ત્રણ યોજનામાં ઉત્તરપ્રદેશમાં ૪૦૦થી વધુ વિધાનસભા ક્ષેત્રોમાં પદયાત્રા કાઢવી, ભાજપકમલ વિકાસ જયોતિ અભિયાન ચલાવું અને દલિત સમુદાય માટે એક મોટા સંમેલનના આયોજનની તૈયારીનો સમાવેશ થાય છે.

ભાજપ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં મળેલી મોટી સફળતાને આગામી વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં રિપીટ કરવા માટે રાજયના ગ્રામ્ય વિસ્તારો પર ખાસ ભાર મુકવા માટે એક મહિનામાં ૪૦૦થી વધુ વિધાનસભા ક્ષેત્રોમાં 'ગાંવ... ગાંવ..., પાંવ... પાંવ' પદયાત્રા શરૂ કરવા જઈ રહી છે. જેમાં ઘેર-ઘેર જઈને લોકોનો સીધો સંપર્ક કરવામાં આવશે.

૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ગ્રામીણ વિસ્તારો પર ભાર મુકી રહેલા ભાજપે આ અભિયાનને 'પહેલ હમ ગાંવ-ગાંવ ચલે, અબ પાંવ-પાંવ ચલેંગે' નારો આપ્યો છે. ભાજપે ઉત્તર પ્રદેશ ઉપરાંત ઝારખંડ, બિહાર જેવા રાજયોમાં પણ આ કાર્યક્રમને આગળ વધારવાની યોજના બનાવી છે.

ઉત્તરપ્રદેશ સરકારમાં મંત્રી અને ભાજપના નેતા શ્રીકાંત શર્માએ એક વાતચીતમાં જણાવ્યું કે, 'ઉત્તર પ્રદેશમાં ગાંવ..ગાંવ, પાંવ...પાંવ પદયાત્રા ૧થી ૧૫ ડિસેમ્બર સુધી આયોજિત કરાશે. તેમાં પક્ષના કાર્યકર્તાઓ ઘેર-ઘેર જઈને કેન્દ્રની મોદી સરકાર અને રાજયની યોગી સરકારની જન-કલ્યાણની યોજનાઓ અંગે લાભાર્થી સાથે સંવાદ કરશે.'

લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગ રૂપે હવે ભાજપ દ્વારા 'કમલ વિકાસ જયોતિ અભિયાન' ચલાવામાં આવશે. પક્ષ પ્રજા સુધી પોતાનો સંદેશો પહોંચાડવા માટે કમલ સંદેશ બાઈક રેલીનું પણ આયોજન કરશે. આ પદયાત્રાનો હેતુ પક્ષના કાર્યકર્તાઓને ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને પક્ષના કાર્યક્રમોના પ્રચાર-પ્રસાર માટે કામે લગાડવાનો છે.

પક્ષના એક પદાધિકારીએ જણાવ્યું કે, દરેક વિધાનસભામાં ૧૫૦ કાર્યકર્તા પસંદ કરાયા છે. તેમનું ૬-૬નું ગ્રૂપ બનાવાશે. દરેક ગ્રુપમાં ૨૫ કાર્યકર્તા હશે અને આ કાર્યકર્તા દરેક ગામના દરેક બૂથ ઉપર જશે.

પક્ષના કાર્યકર્તા મોદી અને યોગીની કેન્દ્ર અને રાજય સરકારોની વિવિધ કલ્યાણકારીયોજનાઓના લાભાર્થીઓનો સંપર્ક કરીને ભાજપની નીતિ-રીતિ અને સિદ્ઘાંતોનો પ્રચાર-પ્રસાર કરશે. આ અભિયાનમાં સરકારના મંત્રી, ધારાસભ્યો અને કાર્યકર્તાઓને પણ સામેલ કરાશે.

પદયાત્રા દરમિયાન કેન્દ્ર અને રાજય સરકારની જાહેર હિતની વિવિધ યોજનાઓ અંગે પ્રજા સાથે ચર્ચા કરશે. નરેન્દ્ર મોદીને ફરીથી વડા પ્રધાન બનાવવા માટે ભાજપ અગાઉ કરતાં પણ મોટો વિજય અપાવા માટે અપીલ કરશે. પક્ષે આ સાથે જ દલિત સમુદાય અને તેની સાથે જોડાયેલી પેટા જ્ઞાતિઓ પર ખાસ ધ્યાન આપવા અને તેમના મતોને આકર્ષવા માટે એક વિશેષ વિશાળ સંમેલન બોલાવાની યોજના બનાવી છે.(૨૧.૫)

(9:50 am IST)