Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

બાજરી, મકાઇ, જુવારમાંથી ઇથેનોલ-ઇંધણ બનાવવાની છૂટ

નેશનલ બાયોફયુઅલ કો-ઓર્ડિનેશન કમિટીએ મંજૂરી આપી

નવી દિલ્હી તા.૨૯: કેન્દ્ર સરકારે એક અતિ મહત્વના નિર્ણય પ્રમાણે પેટ્રોલમાં ઇથેનોલના મિશ્રણ માટે હવે બાજરી, જુવાર, મકાઇ અને શાકભાજી-ફળના વેસ્ટેજમાંથી પણ ઇથેનોલ બનાવવાની છૂટ આપી છે. પેટ્રોલિયમ કંપનીઓને ચાલુ વર્ષ માટે ઇથેનોલ ખરીદવા માટે આ મંજૂરી આપી છે. અત્યાર સુધીમાં ભારતમાં માત્ર શેરડીમાંથી  જ ઇથેનોલ બનાવવાની છૂટ આપી હતી.

નેશનલ બાયોફયુઅલ કો-ઓર્ડિનેશન કમિટીએ નવી બાયોફયુઅલ ૨૦૧૮ પોલિસીની જાહેરાત કરી છે, જેમાં દેશમાં અનાજ-કઠોળના સરપ્લસ જથ્થામાંથી ઇથેનોલ બનાવવાની છૂટ આપી છે. એમાં હાલના તબક્કે જુવાર, મકાઇ અને બાજરીનો સમાવેશ કરાયો છે. કેન્દ્રીય કૃષિ અને કલ્યાણ મંત્રાલય દ્વારા સરપ્લસ સ્ટોકના અંદાજને પગલે ઇથેનોલ બનાવવા માટે છૂટ આપવામાં આવશે.

કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય, કૃષિ મંત્રાલય દ્વારા સંયુકત રીતે મળીને અનાજમાંથી ઇથેનોલનું કેટલું ઉત્પાદન કરવું એ નક્કી કરવામાં આવશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને પગલે ખેડૂતોને પણ મોટો ફાયદો થશે અને દેશમાં ક્રુડતેલની આયાત-નિર્ભરતામાં પણ ઘટાડો થશે.

કેન્દ્ર સરકારે દેશની તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓને પેટ્રોલમાં ૧૦ ટકા ઇથેનોલનું મિશ્રણ કરવાની સૂચના આપી છેઅને એની અંતિમ તારીખ ૨૦૨૨ની છે. આમ ૨૦૨૨ સુધીમાં પેટ્રોલના કુલ વપરાશમાં ૧૦ ટકા ઇથેનોલની જરૂરીયાત રહેશે, જે માત્ર શેરડીમાંથી ઇથેનોલ બનાવવામાં આવે તો પૂરતી માત્રામાં પ્રાપ્ત થઇ શકે તેમ નથી. પરિણામે સરકારે શેરડીની સાથે હવે અનાજ અને શાકભાજી-ફળમાંથી પણ ઇથેનોલ બનાવવાની છૂટ આપી છે.

કેન્દ્ર સરકારના આ નિર્ણયને પગલે આગામી દિવસોમાં ઇથેનોલના વપરાશમાં પણ વધારો થશે. તાજેતરમાં સરકારે ઇથેનોલના ભાવમાં વધારો કર્યો હોવાથી અનાથમાંથી પણ ઇથેનોલ બનાવવા માટે ઉત્પાદકો આગળ આવે એવી ધારણા છે.(૧.૩)

 

(9:52 am IST)