Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

માલવહન અને કુરીયરની સેવાઓ ટૂંક સમયમાં સસ્તી થશે

સરકાર આ વર્ષના અંત સુધીમાં નેશનલ લોજીસ્ટીક પોર્ટલ લોન્ચ કરવાની તૈયારીમાં: નાણામંત્રી જેટલીએ બજેટમાં કર્યુ હતુ આ અંગેનું એલાનઃ પોર્ટલ પર લોજીસ્ટીક કંપનીઓના રેટીંગની પણ વ્યવસ્થાઃ એક જ પોર્ટલ પરથી તમામ પ્રકારના બુકીંગ થઈ શકશે

નવી દિલ્હી, તા. ૨૯ :. કેન્દ્ર સરકાર આ વર્ષના અંત સુધીમાં નેશનલ લોજીસ્ટીક પોર્ટલ લોન્ચ કરવા જઈ રહી છે. જેની બ્લુપ્રિન્ટ તૈયાર કરી લેવામાં આવી છે. જે પછી માત્ર એક પોર્ટલ થકી જ લોજીસ્ટીક સાથે જોડાયેલી તમામ પ્રકારની સેવાઓ મળવી શરૂ થઈ જશે. આનાથી વેપારીઓ અને સામાન્ય લોકો માટે માલવહન તથા કુરીયર સેવાઓ સસ્તી અને સુલભ બની શકે છે.

પોર્ટલની કાર્યપ્રણાલી સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યુ હતુ કે સરકારનો પ્રયાસ માલવહન અને કુરીયર સેવાઓને સરળ બનાવવાનો છે. પ્રથમ ચરણમાં આ સેવાઓ માત્ર વેપારીઓ માટે જ હશે. તેની સમીક્ષા બાદ બીજા ચરણમાં સામાન્ય લોકો માટે પણ આ સેવાઓ શરૂ કરી દેવાશે.

સૂત્રોનું માનીએ તો પોર્ટલ ડીસેમ્બરના અંતે કે પછી જાન્યુઆરીમાં લોકો માટે ખોલી દેવાશે. પોર્ટલ પર લોજીસ્ટીક કંપનીઓના રેટીંગની પણ સુવિધા આપવામાં આવશે. જ્યાં ઉપયોગ બાદ ગ્રાહક રીવ્યુના આધારે કંપનીઓને રેન્ક આપશે. રેન્ક જોઈ લોકો પોતાના માટે સારી કંપનીની પસંદગી કરી શકશે.

અત્રે નોંધનીય છે કે, વાણિજ્ય મંત્રાલયે તમામ મંત્રાલયો અને લોજીસ્ટીક સેવાઓ સાથે જોડાયેલા હિતધારકો પાસેથી પોર્ટલ માટે ઈન્પુટ માગ્યા હતા. જેની સમીક્ષા બાદ અધિકારીઓએ મંથન શરૂ કર્યુ હતું. હાલ લોજીસ્ટીક સેકટરનુ સ્વરૂપ અત્યંત જટીલ છે. અત્યારે તેમા ૨૦ સરકારી એજન્સીઓ, ૪૦ પાર્ટનર એજન્સીઓ, ૩૭ એકસ્પોર્ટ કાઉન્સીલ, ૫૦૦ પ્રકારની સર્ટીફીકેશન અને ૧૦,૦૦૦ કોમોડીટી સામેલ છે. સરકારનો પ્રયાસ છે કે આ બધાને એક જ પ્લેટફોર્મ પર લાવવામાં આવે કે જેથી તેનો સારી રીતે ઉપયોગ થઈ શકે.

અધિકારીએ કહ્યુ હતુ કે, પોર્ટલ શરૂ થયા બાદ લોજીસ્ટીક સેવાઓ ઉપલબ્ધ કરાવતી કંપનીઓ અને એજન્સીઓ વચ્ચે સ્પર્ધા થશે અને એક ક્ષેત્રમાં પાદર્શિતા આવશે.

એક જ પોર્ટલ પરથી તમામ પ્રકારના માલવહનની સેવાઓનું બુકીંગ થઈ શકશે. એટલુ જ નહિ જીયો ટેગીંગ થકી સામાનના ટ્રેકીંગ પર પણ સંભવ બનશે કે જેથી સામાન મોકલનારને જાણ થઈ શકશે કે તેનો માલ સામાન કયાં છે અને નક્કી કરેલા સ્થળે કયારે પહોંચશે ? એક જ પ્લેટફોર્મ પર આ સેવાઓ આવવાથી સ્પર્ધા વધશે અને સેવાઓના ભાવ ઘટશે. તેનો સીધો ફાયદો નિકાસકારોને થશે. હાલ ભારતમાં ૧.૨૦ કરોડ લોકો લોજીસ્ટીક ક્ષેત્રમાં છે.

અત્રે નોંધનીય છે કે, નાણામંત્રી અરૂણ જેટલીએ આ  અંગેની  જાહેરાત કરી હતી.(૨-૨)

(9:48 am IST)