Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

ભાજપ નેતા અમ્મુએ અંતે રાજીનામુ આપતા ચકચાર

૧૦ કરોડનું ઇનામ જાહેર કર્યું હતું

નવીદિલ્હી,તા. ૨૯ : પદ્માવતી ફિલ્મને લઇને વિવાદાસ્પદ નિવેદન કરનાર ભાજપના નેતા અમ્મુએ રાજીનામુ આપી દીધુ છે. ભાજપ હરિયાણાના ચીફ મિડિયા કોર્ડિનેટર સુરજ પાલ અમ્મુએ રાજીનામુ આપી દીધું છે. અમ્મૂએ રાજીનામા માટે હરિયાણાના મુખ્યમંત્રી ખટ્ટરને જવાબદાર ઠેરવીને તેમના ઉપર પ્રહારો કર્યા છે. સાથે સાથે નારાજગી પણ નોંધાવી છે. અમ્મુએ ખટ્ટર પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું છે કે, તેઓએ ખુબ દુખ સાથે રાજીનામુ આપ્યું છે. તેમનું કહેવું છે કે, પાર્ટીના કાર્યકરો અને સમુદાયના પ્રતિનિધિઓની ક્યારે પણ ચિંતા ખટ્ટરે કરી નથી. અમ્મૂનું કહેવું છે કે, ૯મી તારીખે પંચકુલાની રેલીમાં કોઇ કાર્યક્રમની તેઓ જાહેરાત કરશે. ફિલ્મ પર પ્રતિબંધ માટેની માંગણીને લઇને દબાણ વધારવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સુરજપાલના વિવાદાસ્પદ નિવેદન બાદ રાજકીય ઘમસાણની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. ભાજપે અમ્મુની સામે કાર્યવાહી કરવાના સંકેત આપ્યા હતા. સાથે સાથે કારણદર્શક નોટિસ પણ જારી કરી હતી. નિવેદનબાજીને લઇને સુપ્રીમે ગઇકાલે તમામની જોરદાર ઝાટકણી કાઢી હતી. અમ્મૂએ દિપીકા ઉપર ૧૦ કરોડના ઇનામની પણ જાહેરાત કરી હતી.

 

 

(7:46 pm IST)