Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

પંચકુલામાં હિંસાના મામલે પોલીસની ચાર્જશીટ દાખલ

હનીપ્રીતે હિંસાની સમગ્ર યોજના બનાવી હતી : હનીપ્રીત પંચકુલા હિંસાની માસ્ટરમાઇન્ડ હોવાની ધડાકો ૧૭મી ઓગસ્ટે રામ રહીમને છોડાવવા બેઠક થઇ હતી

ચંદીગઢ, તા. ૨૯ : ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમિત રામ રહીમને દોષિત જાહેર કરવામાં આવ્યા બાદ પંચકુલામાં ભડકેલી હિંસાના મામલામાં મોટો ખુલાસો થયો છે.  પોલીસે આ સમગ્ર મામલામાં કોર્ટમાં ૧૨૦૦ પાનામાં ચાર્જશીટ દાખલ કરી દીધી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમિત રામ રહીમની કહેવાતી પુત્રી હનીપ્રિતની પંચકુલ હિંસામાં મુખ્ય ભૂમિકા હતી. ડેરાના કારોબારી સભ્યો અને હનીપ્રીત વચ્ચે એક બેઠકમાં એવો નિર્ણય લેવાયો હતો કે, જો કોર્ટ રામ રહીમને મુક્ત નહીં કરે તો પંચકુલામાં મોટાપાયે હિંસા કરવામાં આવશે. એટલું જ નહીં મિડિયાને પણ જાણી જોઇને ટાર્ગેટ બનાવવાનો નિર્ણય કરાયો હતો. કવરેજ ન થઇ શકે તે માટે આ પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

અત્રે નોંધનીય છે કે, રેપના મામલામાં રામ રહીમને ૨૦ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. ત્યારબાદથી તે પંચકુલાની જેલમાં છે. હનીપ્રીત અને ૧૪ અન્યની સામે પંચકુલા હિંસા મામલામાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે. એક અગ્રણી ટીવી ચેનલને ચાર્જશીટની નકલ પણ હાથ લાગી છે જેમાં જાણવા મળ્યું છે કે, આરોપીઓની સામે કલમ ૧૪૫, ૧૫૦, ૧૫૧, ૧૫૨, ૧૫૩, ૧૨૧ અને અન્ય કલમોનો ઉલ્લેખ કરાયો છે. અહેવાલ મુજબ હનીપ્રીત સહિત ૧૫ લોકોએ ડેરામાં એક મિટિંગ કરીને પંચકુલામાં મોટાપાયે હિંસા ફેલાવવાનો નિર્ણય કર્યો હતો. હનીપ્રીત અને સાથીઓની આયોજિત યોજના હેઠળ જ મોટાપાયે હિંસા થઇ હતી જેમાં ૩૦થી વધુ લોકોના મોત થયા હતા. યોજના પહેલાથી જ તૈયાર કરાઈ હતી. પંચકુલામાં વ્યાપક હિંસા થયા બાદ સંચારબંધી લાગૂ કરવામાં આવી હતી. રામ રહીમને છોડાવવા માટે ૧૭મી ઓગસ્ટના દિવસે આ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

 

(7:44 pm IST)