Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017


રાહુલ ગાંધીના દાદી ઈન્દીરાબેન મોં ઉપર રૂમાલ બાંધીને મોરબીમાં ફર્યા હતા

રાજકોટ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેરસભા સંબોધતા કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. મોરબીના જળહોનારતને યાદ કરીને નરેન્દ્રભાઈએ જણાવ્યુ હતુ કે, તે સમયે હું કેરળના ત્રિવેન્દ્રમમાં હતો. મોરબી જળહોનારતના સમાચાર મળતાની સાથે જ અમો લોકોને મદદ કરવા માટે બીજે જ દિવસે મોરબી પહોંચી ગયા હતા.

મોરબી જળહોનારત બાદ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના દાદી અને તે સમયના વડાપ્રધાન ઈન્દીરાબેન જળ હોનારતનું નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા પરંતુ તે સમયે તેઓ મોં ઉપર રૂમાલ બાંધીને મોરબી દ્રશ્ય જોયુ હતું. અમે લોકોએ તો આ સમયે કાદવ-કીચડમાં પણ કામ કર્યુ હતુ અને લોકોના તથા પશુઓના મૃતદેહોને બહાર કાઢીને અગ્નિસંસ્કાર કર્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષપ્રચાર માટે વડાપ્રધાન મોદી આજે ગુજરાત પ્રવાસે છે. વડાપ્રધાન મોદીએ પોતાના મિશન સૌરાષ્ટ્ર અંતર્ગત મોરબીમાં જાહેરસભાને સંબોધન કર્યું હતું. મોરબીમાં પીએમ હોય અને મોરબીની મચ્છુ હોનારતને યાદ કરતાં વડાપ્રધાન મોદીએ ચિત્રલેખાના સંદર્ભથી પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની મોરબી મુલાકાત યાદ કરાવી કોંગ્રેસને ઝાટકો આપ્યો હતો.

મચ્છુ હોનારત બાદ મોરબી આવેલાં ઈન્દિરા ગાંધીએ દુર્ગંધથી પરેશાન થઇને નાક પર રુમાલ દાબ્યો હતો એ ક્ષણની તસવીર ચિત્રલેખા મેગેઝીનના ૨૭ ઓગસ્ટ ૧૯૭૯ના અંકમાં પબ્લિશ થયો હતો. આ તસવીરને લઇને પીએમે કોંગ્રેસની તાસીર દર્શાવતાં કહ્યું કે ઈન્દિરાબહેન મોરબી આવ્યા હતા, ત્યારે મને યાદ છે કે 'ચિત્રલેખા' મેગેઝિનમાં તેમનો ફોટો છપાયો હતો, ગંધને કારણે તેમણે નાક પર રૂમાલ રાખ્યો હતો, પણ જનસંઘ-આરએસએસના માટે મોરબીની શેરીઓની એ ગંધ ન હતી પણ માનવતાની સુગંધ હતી.

(4:43 pm IST)