Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

વાહ મોદી વાહ... નિયમના ચુસ્ત આગ્રહીઃ રાત્રે ૧-૪પ કલાકે સર્કિટ હાઉસ આવી વહેલી સવારે ૪-૩૦ કલાકે ઉઠી ગયાઃ યોગા બાદ થેપલા-દહી-પૌવાનો બ્રેકફાસ્ટ ગ્રહણ કર્યો

વડાપ્રધાન થાકતા જ નથીઃ અદ્દભુત જીવનશૈલીઃ રાતનો ઉજાગરો છતાં આજે મોરબી-પ્રાંચી સહિત જંગી સભાઓ સંબોધી : વડાપ્રધાને સર્કિટ હાઉસમાં કોઇપણ વ્યકિતને મળવાનુ ટાળ્યુઃ રાતભર ચુસ્ત બંદોબસ્ત રહ્યોઃ સવારે ૧૦ વાગ્યે પ્રસ્થાન

રાજકોટ તા.ર૯ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાદગી અને નિયમબધ્ધ જીવનશૈલીને વરેલા છે તેનો પરિચય તેમણે આજે પોતાની રાજકોટની થોડા કલાકોની મુલાકાત દરમિયાન આપ્યો હતો. વડાપ્રધાન મોદી ગઇકાલે મોડીરાત્રે ૧-૪પ કલાકે રાજકોટ આવ્યા બાદ સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કર્યુ હતુ. ઉજાગરો અને થાક હોવા છતાં પણ તેઓ વહેલી સવારે ૪-૩૦ કલાકે ઉઠી ગયા હતા અને યોગાના વિવિધ આસનો કરી સાદો નાસ્તો ગ્રહણ કર્યો હતો. આચારસહિતા અને મોડીરાત હોવાથી તેઓ કોઇને મળ્યા ન હતા અને સવારે ૧૦ કલાકે મોરબી જવા રવાના થયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઇકાલે હૈદરાબાદ હતા અને ત્યાં તેઓએ મેટ્રોનુ ઉદઘાટન કરી ટ્રમ્પના પુત્રી ઇવાંકા સાથે કાર્યક્રમમાં હાજરી આપી હતી એટલુ જ નહી મોડીરાત્રે તેઓ તથા મહાનુભાવો સાથે હૈદરાબાદના પેલેસમાં ડિનર પાર્ટીમાં પણ હાજરી આપી હતી. ત્યારબાદ તેઓ ખાસ વિમાન દ્વારા રાજકોટ આવવા રવાના થયા હતા. રાજકોટમાં રાત્રે ૧-૩૦ કલાકે તેમનુ એરપોર્ટ પર આગમન થયુ હતુ અને તેમને એરપોર્ટ પર મુખ્યમંત્રી રૂપાણી ઉપરાંત મેયર અને શહેર ભાજપ પ્રમુખ વગેરેએ આવકાર્યા હતા. એરપોર્ટથી પીએમ મોદી સીધા સર્કિટ હાઉસ પહોંચ્યા હતા અને ત્યાં રૂમ નં.૧માં વિશ્રામ-રાત્રીરોકાણ કર્યુ હતુ.

વડાપ્રધાન ચુસ્ત નિયમો અને નિયમબધ્ધ જીવનશૈલીને વરેલા છે અને તેથી જ તેઓ રોજ વહેલી સવારે ઉઠી જાય છે અને તેમનો દિવસ શરૂ થઇ જાય છે. રાત્રે ૧-૪પ કલાકે સુવા મળ્યુ હોવા છતાં પણ તેઓ સવારે ૪-૩૦ કલાકે જાગી ગયા હતા અને તે પછી જ પોતાના રૂમમાં જ પ્રાતઃ કાર્ય પતાવી રૂમમાં જ યોગા કર્યા હતા. યોગા કર્યા બાદ તેમણે પોતાના રૂમમાં જ અત્યંત સાદો નાસ્તો લીધો હતો જેમાં તેમણે થેપલા, પૌવા, દહી અને ચા લીધી હતી.

વડાપ્રધાન ચૂંટણીના દિવસોમાં રાજકોટ આવ્યા હોવાથી અને ચુસ્ત આચારસંહિતા અમલી હોવાથી તેઓ સર્કિટ હાઉસમાં કોઇપણ વ્યકિતને મળ્યા ન હતા અને સવારે ૧૦ કલાકે સર્કિટ હાઉસથી એરપોર્ટ જવા રવાના થયા હતા ત્યારબાદ તેઓ ત્યાંથી હેલીકોપ્ટર ગયા હતા. દેશને ઘણા વર્ષો બાદ એવા વડાપ્રધાન મળ્યા છે જેઓ દિવસ-રાત એક કરતા હોવા છતાં થાકતા નથી. સતત પરિશ્રમ એ તેમનો જીવનમંત્ર છે અને નિયમનબધ્ધ જીવનશૈલી છે તેનો પરિચય તેમણે રાજકોટના રાત્રી રોકાણ દરમિયાન આપ્યો હતો. વડાપ્રધાનનું રાત્રી રોકાણ સર્કિટ હાઉસ હોવાથી રાતભર ચુસ્ત બંદોબસ્ત રહ્યો હતો.

(4:39 pm IST)