Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

સુપ્રિમ કોર્ટની ઉપરવટ જઇને બિહારે પણ પદ્માવતીને બેન કરી

પટણા, તા. ર૯ : સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી' ના પ્રોબ્લેમ્સ સતત વધતા જાય છે. રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં એ ફિલ્મ પર લટકતી તલવાર છે એવામાં બિહારની સરકારે પણ એ ફિલ્મ પર પ્રતિબંધ જાહેર કર્યો છે.

ફિલ્મ 'પદ્માવતી' પર પ્રતિબંધ જાહેર કરતા બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે જણાવ્યું હતું કે તમામ પક્ષો આ બાબતે કોઇ એક નિર્ણય કે નિષ્કર્ષ પર ન આવે ત્યાં સુધી આ ફિલ્મ બિહારમાં રિલીઝ કરવામાં નહીં આવે.

બિહારના ખેલકૂદ વિભાગના પ્રધાન કૃષ્ણકુમાર ઋષિએ જણાવ્યું હતું કે ફિલ્મ 'પદ્માવતી'માંથી વિવાદાસ્પદ દૃશ્યો કાઢવામાં ન આવે ત્યાં સુધી એ ફિલ્મને રાજયમાં રીલીઝ કરવા નહીં દેવામાં આવે.

સુપ્રીમ કોર્ટે મુખ્ય પ્રધાનો કોઇ પણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકી ન શકે એવા અભિપ્રાય સાથે રાજયોના મુખ્ય પ્રધાનોને ઠપકો આપ્યાના એક દિવસ પછી બિહારે પ્રતિબંધની જાહેરાત કરી છે. સુપ્રિમ કોર્ટે રાજયોના મુખ્ય પ્રધાનોને ફિલ્મ 'પદ્માવતી' વિરોધી વાતાવરણ નહીં સર્જવાની સૂચના આપી હતી. કોર્ટે જણાવ્યું હતું કે જવાબદાર હોદા પર બેઠેલા લોકોએ તેમના શબ્દો-ઉચ્ચારણો પર ધ્યાન આપવું જોઇએ. એ ફિલ્મ વિશે સેન્શર બોર્ડના નિર્ણય પહેલા કોઇ ટીકા-ટિપ્પણી નહીં કરવાનો અનુરોધ પણ કોર્ટે કર્યો છે.

(3:46 pm IST)